ગુજરાતમાં ચોમાસાના પ્રારંભ સાથે સાર્વત્રિક વરસાદી માહોલ જામ્યો છે. ક્યાંક ભારે તો ક્યાંક ધીમી ધારે વરસાદ પડી રહ્યો છે. બોટાદ જિલ્લાના ગઢડા તાલુકામાં પણ ગત મોડી રાત્રે ભારે વરસાદમાં ભંડારિયા ગામે મકાન ધરાસાઈ થયું હતું. મકાન પડતાં ઘરવખરીને મોટું નુકસાન થયું છે.
બોટાદના લાઠીદડ સાગાવદર ગામે ઈકો કાર પાણીમાં તણાવાનો મામલો સામે આવ્યો છે. ભારે વરસાદને પગલે ગઈકાલે સાંજના ઈકો કાર પાણીમાં તણાઈ હતી. આ ઈકો કારમાં 8 લોકો સવાર હતા. આ ઈકો કારમાં બેઠેલા 8માંથી 2 લોકોનો આબાદ બચાવ થયો છે જ્યારે 6 લોકો હજુ લાપત્તા છે.
જણાવી દઈએ કે લાઠીદડ ગામના પ્રિયંકભાઈ ચૌહાણ નામના વ્યક્તિનો પરિવાર ઈકો કારમાં બહારગામ જઈ રહ્યો હતો. આ ઈકો કારમાં સવાર પ્રિયંકભાઈ સહિત બે લોકોનો બચાવ થયો હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે. વહિવટી તંત્ર દ્વારા રાતથી બચાવ કામગીરી અને રેસ્ક્યુ શરૂ કરવામાં આવ્યું છે. બનાવને દસ કલાકનો સમય થવા છતાં હજુ સુધી ૬ જેટલા લોકો લાપત્તા છે.
બોટાદ શહેરમાં મુશળધાર સાડા સાત ઈંચ વરસાદ થી ઠેર ઠેર પાણી ભરાયા છે. સોસાયટીઓમાં પાણી બેક મારી રહ્યા છે. ગાડી પાણીમાં તણાતા લોકો દોરડું બાંધીને ખેંચી રહ્યા છે. સર્વત્ર જળબંબાકારથી સોસાયટીઓ પાણીમાં ગરકાવ થઈ છે.