Home / Gujarat : rained heavily in Borsad and Godhra, rainy conditions in 150 talukas

બોરસદ અને ગોધરામાં મેઘો મનમૂકીને વરસ્યો, 150થી વધુ તાલુકામાં વરસાદી માહોલ

બોરસદ અને ગોધરામાં મેઘો મનમૂકીને વરસ્યો, 150થી વધુ તાલુકામાં વરસાદી માહોલ

સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર-SEOC, ગાંધીનગરના અહેવાલ મુજબ ગત 24 કલાક દરમિયાન સમગ્ર રાજ્યમાં 33 જિલ્લાના 153 તાલુકાઓમાં હળવાથી ભારે વરસાદ વરસ્યો છે. જે અંતર્ગત છેલ્લાં 24 કલાક દરમિયાન રાજ્યમાં સૌથી વધુ આણંદના જિલ્લાના બોરસદ તાલુકામાં 3.90 ઇંચ તથા પંચમહાલના ગોધરામાં 3.62 ઇંચ વરસાદ નોંધાયો છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

બોરસદ તાલુકામાં ચાર કલાકમાં ચાર ઈંચ વરસાદ ખાબક્યો

આણંદ જિલ્લામાં સોમવારે બપોર પછી એકાએક કાળા ડિબાંગ વાદળો છવાયા હતા. બોરસદ તાલુકામાં વરસાદી હેલી કરતા ચાર કલાક સુધી સતત વરસાદ થયો હતો, જેને કારણે માત્ર ચાર ગ્રામ્ય વિસ્તારના નીચાણવાળા ભાગોમાં પાણી ફરી વળ્યા હતા. ખેતરો પણ પાણીથી તરબોળ થઈને દરિયા જેવા દેખાવા માંડયા હતા. જ્યારે જિલ્લામાં તારાપુરમાં 21 મી.મી, સોજીત્રામાં 21 મી.મી,  ઉમરેઠમાં 12 મી.મી,  આણંદમાં 31 મી.મી, પેટલાદમાં 4 મી.મી, ખંભાતમાં 12 મી.મી,  અને આકલાવમાં 8 મી.મી વરસાદ માત્ર સાંજના ચાર કલાકમાં ખાબક્યો હતો. સિઝનનો કુલ વરસાદ 439.25 મી.મી એટલે કે 17.57 ઈંચ વરસાદ થઈ જવા પામ્યો છે. જિલ્લામાં સૌથી વધુ વરસાદ બોરસદમાં તાલુકામાં 21.98 ઈંચ નોંધાયો છે.

24 કલાકમાં ક્યાં કેટલો ખાબક્યો વરસાદ 

આ ઉપરાંત છેલ્લા 24 કલાકમાં કચ્છના ગાંધીધામમાં 2.28 ઇંચ અને માંડવી, સિહોર, ખંભાળિયા, અંજાર, સાવલી, આણંદ અને નડીયાદ તાલુકામાં 1 ઇંચ કરતા વધુ વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત નખત્રાણા, તારાપુર, સોજિત્રા, ડભોઇ, મોરબી, સંખેડા, ગળતેશ્વર, અબડાસા, જેતપુરપાવી, મોરવા હડફ, લાલપુર, લખપત, ડાંગ આહવા અને છોટાપુરમાં 1 ઇંચ કરતાં ઓછો વરસાદ ખાબક્યો છે.

7 જુલાઇ 2025ના રોજ સવારે 6:00 કલાક સુધીમાં રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ 46.21 ટકા જેટલો નોંધાયો છે. જેમાં દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 52.82 ટકા, કચ્છ વિસ્તારમાં 50.35 ટકા, સૌરાષ્ટ્રમાં 45.41 ટકા, પૂર્વ મધ્ય ગુજરાતમાં 44.11 ટકા અને સૌથી ઓછો ઉત્તર ગુજરાતમાં 41.31 ટકા સરેરાશ વરસાદ વરસ્યો છે. 

વધુમાં ભારતીય હવામાન વિભાગ-આઈ.એમ.ડી. દ્વારા ગુજરાતનાં દરિયા કિનારાના વિસ્તારોમાં માછીમારોને 7 થી 10, જુલાઇ 2025 સુધી દરિયો ન ખેડવા ચેતવણી પણ આપવામાં આવી છે.  

Related News

Icon