ગતિશીલ ગુજરાતમાં મોટા શહેરોને જોડતા હાઈવે ફોર લેન કે 6 લેન બની રહ્યા છે. રાજકોટ જેતપુરને જોડતા હાઈવે વચ્ચે 67 કિલોમીટરનું કામ બાકી છે. એના માટે નેશનલ હાઈવે ઓથોરીટી દ્વારા ડાઈવર્ઝન આપવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટ બે વર્ષમાં પૂરો કરવાનો હતો પરંતુ હજુ કામ અધુરુ હોય 1 વર્ષનું એક્સટેન્શન અપાયું છે. રાજકોટ- જેતપુર વચ્ચેનો 1200 કરોડ રૂપિયાનો પ્રોજેક્ટ ત્રણ વર્ષે પૂરો થશે. જેના માટે પ્રોજેક્ટ ડાયરેક્ટર હરમેંદરસિંગે સૌરાષ્ટ્રવાસીઓને પડતી તકલીફ મુદ્દે માફી માગી છે.
રાજકોટ જેતપુર હાઈવે પ્રોજેક્ટ ડાયરેક્ટર હરમેંદરસિંગે સૌરાષ્ટ્રવાસીઓની માગતા કહ્યું કે, અમારી પાસે વધુ જગ્યા ન હોવાના કારણે લાંબો ડાયવર્ઝન કરી શકીએ એમ નથી. રાજકોટ જેતપુર વચ્ચે 67 કિલોમીટરનું કામ હજી દોઢ વર્ષ બાદ પૂર્ણ થશે. કામ શરૂ થયું તેને દોઢ વર્ષનો સમય થયો છે. બે વર્ષમાં કામ પૂરું કરવાની અવધી હતી પરંતુ હવે એક વર્ષ એક્સટેન્શન મળ્યું છે. અત્યાર સુધીમાં 20 કિલોમીટરનું કામ થયું અને બે બ્રિજ તૈયાર થઈ ગયા છે. ટોલ ટેક્સની અત્યારે 75% જ વસુલાત કરીએ છીએ.
તો બીજી તરફ કોંગ્રેસના અગ્રણીઓએ ઉગ્ર રજુઆત કરી હતી કે જ્યાં સુધી હાઈવેનું કામ સંપૂર્ણ ન થાય ત્યાં સુધી ટોલટેક્સ માફ કરવામાં આવે. વારંવાર એમ્બ્યુલન્સ ફસાઈ જવાની પણ રજૂઆત કરવામાં આવી હતી. કોંગ્રેસના અગ્રણીઓ દ્વારા નેશનલ હાઇવેના પ્રોજેક્ટ ડાયરેક્ટરના પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું.