
હિમાચલ પ્રદેશના મંડીમાં અચાનક આવેલા પૂરને કારણે ધરમપુર વિસ્તારના સિયાથી ગામમાં વિનાશ સર્જાયો છે. આ ગામના 67 લોકો સાત દિવસથી મંદિરમાં રહે છે. 30 જૂને રાત્રે જ્યારે ભારે વરસાદ પડી રહ્યો હતો, ત્યારે લગભગ 12 વાગ્યાની આસપાસ, એક પરિવારના ઘરના બીજા માળે સૂતો એક શ્વાન અચાનક ભસવા લાગ્યું અને જોરથી રડવા લાગ્યો. જ્યારે પરિવારના સભ્યો ઉભા થયા અને જોયું તો ઘરમાં એક મોટી તિરાડ પડી ગઈ હતી અને પાણી ભરાવા લાગ્યું હતું. પરિવાર શ્વાનને લઈને ભાગી ગયો અને નજીકના લોકોને જગાડ્યા પછી, સલામત સ્થળે દોડી ગયો. તે જ રાત્રે પર્વતનો એક મોટો ટુકડો તૂટીને તે ગામ પર પડ્યો અને બધા ઘરો તેની નીચે દટાઈ ગયા.
હવે અહીં સમજવા જેવી વાત એ છે કે જો શ્વાન જોરથી ભસ્યું ન હોત અને ત્યાંના લોકોને ચેતવણી ન મળી હોત અને સમજદારીપૂર્વક પગલું ન ભર્યું હોત, તો આજે ઘણા લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હોત.
જોકે, પ્રાણીઓ કુદરતી આફતની અગાઉથી જ અનુભૂતિ કરવાનું શરૂ કરે છે તે કોઈ નવી વાત નથી. ફક્ત શ્વાન જ નહીં, પ્રાણીઓ, માછલીઓ, પક્ષીઓ અને જંતુઓ પણ સતર્ક થઈ જાય છે અને અલગ રીતે વર્તવાનું શરૂ કરે છે.
કોઈપણ કુદરતી આફત પહેલા શ્વવાન વિચિત્ર રીતે ભસવાનું શરૂ કરે છે,પક્ષીઓનો કિલકિલાટ પણ બદલાઈ જાય છે અને તેઓ પોતાના માળા છોડીને અહીં-ત્યાં ઉડવા લાગે છે. ભૂકંપ કે અન્ય કોઈ આફત આવે ત્યારે સાપ અને ઉંદરોને સૌથી પહેલા ખ્યાલ આવે છે, ત્યારબાદ કૂતરાઓને પણ તેની ખબર પડે છે. એટલા માટે તેઓ ભસવાનું શરૂ કરે છે અને તે જગ્યા છોડી દે છે.
પ્રાણીઓ કોઈપણ પ્રકારની કુદરતી આફતનો અગાઉથી ખ્યાલ મેળવી શકે છે કારણ કે તેઓ પૃથ્વી પરથી આવતા તરંગો અને હલનચલનને ઓળખે છે. પ્રાણીઓની ઈન્દ્રિયો મનુષ્યો કરતાં ઘણી વધુ સક્રિય હોય છે. આવી સ્થિતિમાં, તેઓ વાતાવરણીય દબાણ અને ભેજમાં થતા ફેરફારોને ફક્ત સાંભળતા જ નથી, પણ સરળતાથી સમજી પણ શકે છે.
ભારતના કુડ્ડલોર કિનારા પર આવેલા સુનામીમાં હજારો લોકો મૃત્યુ પામ્યા હતા, પરંતુ ભેંસ, બકરા અને શ્વાન સુરક્ષિત રહ્યા હતા.