
પોરબંદર ખંડળી અને અપહરણ કેસને મામલે હીરલબા જાડેજાની છાતીમાં દુખાવો વધતા ઇમરજન્સી વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા છે. કુતિયાણાના ધારાસભ્ય કાંધલ જાડેજાના કાકીની પોલીસ રિમાન્ડ દરમિયાન તબિયત લથડી હતી. આજે કોર્ટમાંથી પોલીસ રિમાન્ડ મેળવવામાં આવ્યા હતા અને તેઓ શનિવાર સુધી રિમાન્ડ પર છે. હિરલબાની પોલીસ રિમાન્ડ દરમિયાન તબિયત લથડતા પોલીસે પોરબંદર ભાવસિંહજી હોસ્પિટલમાં ખસેડાયા છે. હાલ તેઓ ઇમરજન્સી વોર્ડમાં તબીબી સારવાર હેઠળ છે.
ગુજરાતના પોરબંદના રાજકારણમાં ભૂકંપ આવ્યો છે. જેમાં પૂર્વ ધારાસભ્ય હીરા મુંજા જાડેનાની પત્ની અને ધારાસભ્ય કાંધલ જાડેજાના કાકી હીરલબા જાડેજાની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે ઈઝરાયલ સ્થિત મહિલાના અપહરણના આરોપ બાદ પોલીસે આ મામલે કાર્યવાહી હાથ ધરી હીરલબાની ધરપકડ કરી છે.
શું હતી ઘટના?
મૂળ પોરબંદર અને હાલ ઈઝરાયલમાં રહેતી એક મહિલાનો વીડિયો વાઈરલ થયો હતો. જેમાં લીલુ ઉડેદરા નામની આ મહિલાએ હીરલબા પર પૈસાની ઉઘરાણીનો આરોપ લગાવ્યો છે. જેમાં તેણે કહ્યું હતું કે, 'મારા ઘરના અત્યારે ખૂબ જ મુશ્કેલીમાં છે. મારા ઘરના લોકોની 15-17 દિવસ પહેલાં રાત્રે બે વાગ્યે હીરલબાના માણસો પૈસાના વહીવટ બાબતે લઈ ગયા છે અને ત્યાં ગોંધી રાખ્યા છે. મારા પર એક કરોડ લીધાનો દાવો કરે છે. મેં તેની પાસેથી કોઈ એક કરોડ લીધા નથી. તે લોકો મારા ઘરના પણ નથી છોડતા. મને એવું કહે છે કે, પૈસાનો બંદોબસ્ત કર તો જ ઘરના બચી શકશે. મેં બધાયના હાથ-પગ જોડી લીધા છે. તેમ છતાં કોઈને છોડતા નથી. મારા ઘરનાને બચાવો...'
પોલીસે કરી ધરપકડ
મહિલાએ આરોપ લગાવ્યો હતો કે, આ ગીતાબાએ મારા પતિ ભનાભાઈ ઓડેદરા, જમાઈ તેમજ દીકરા રણજીતનનું અપહરણ કરાવ્યું છે. સમગ્ર ઘટના સામે આવ્યા બાદ પોલીસે અપહરણ, જમીન-પ્લોટ, દાગીના આપી દેવા દબાણ, જામથી મારી નાંખવાની ધમકી, પૈસા કઢાવવા માટે ગોંધી રાખવા મામલે ગુનો દાખલ કરી હીરલબા જાડેજાની ધરપકડ કરી છે.
આ પહેલાં પણ વાઈરલ થયો હતો વીડિયો
નોંધનીય છે કે, આ પહેલાં હીરલબા અને લીલુબહેન નામની મહિલાનો ઓડિયો પણ વાઈરલ થયો હતો. જેમાં હીરલબા ઉઘરાણી કરતા સંભળાય છે. આ ઓડિયોમાં લીલુબહેનના સગીર પુત્ર અને પતિના અપહરણ અંગેની ઘટનાની પણ વાતચીત થતી હતી. જેમાં રૂપિયાની ચુકવણી અંગે ચર્ચા થઈ હતી.