
Rajkot news: ક્ષત્રિય સમાજના મહિલા આગેવાન પદ્મિની બા વાળા અને તેમના પુત્ર સહિત પાંચ લોકો સામે હની ટ્રેપનો ગુનો નોંધાતા ખળભળાટ મચી જવા પામ્યો છે. તેમની સામે એક યુવતીનો ઉપયોગ કરીને ગોંડલના આધેડને ફોન કોલમાં ફસાવીને નાણાં પડાવવાનો આરોપ લાગ્યો છે. નાણાં ઉપરાંત આધેડનું મકાન પચાવી પાડવાની અને જાનથી મારી નાંખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાઈ છે.
પાંચ લોકો સામે હની ટ્રેપ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો
મળતી માહિતી મુજબ ક્ષત્રિય સમાજના મહિલા આગેવાન પદ્મિની બા વાળા અને તેમના પુત્ર સહિત પાંચ લોકો સામે હની ટ્રેપ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. તેજલ છૈયા નામની યુવતી દ્વારા ગોંડલના 60 વર્ષીય નિવૃત્ત વ્યક્તિને પ્રેમજાળમાં ફસાવવામાં આવ્યો હતો. આરોપીઓએ આ વ્યક્તિને અવાર નવાર વીડીયો કોલ તથા વોટ્સઅપ કોલથી વાતચીત કરી હતી. આ યુવતીએ વીડિયો કોલમાં પોતાના શરીરનો કેટલોક ભાગ બતાવી આ વ્યક્તિને ફસાવ્યો હતો. ત્યાર બાદ તેની સામે બળજબરી પૂર્વક પૈસા માંગવામાં આવ્યા હતાં.
જાનથી મારી નાખવાની ધમકી આપવા સહિતની કલમ હેઠળ ફરિયાદ નોંધાઈ
ક્ષત્રિય સમાજના મહિલા આગેવાન પદ્મિનીબા વાળાએ આ દીકરી સાથે આવું કેમ કર્યું એવું કહી ફરિયાદીને જાહેરમાં કપડા કાઢી મારવાની અને મકાન પાડવાની ધમકી આપી હતી. ત્યાર બાદ ફરિયાદીએ ગોંડલ સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ કરી હતી. જેમાં બળજબરીપૂર્વક પૈસાની માંગણી કરવી, જાનથી મારી નાખવાની ધમકી આપવા સહિતની કલમ હેઠળ ફરિયાદ નોંધાઈ હતી.