
- આ રોગનું પ્રમાણ સ્ત્રીઓમાં વધારે જોવા મળે છે. સાસુ-વહુના ઝઘડા, દહેજના પ્રશ્નો, દામ્પત્ય જીવનમાં વિસંવાદિતા, લગ્ન પછી સંતાન ન હોવાનું દુ:ખ, અને સ્ત્રીઓની વધારે પડતી સંવેદનશીલતા તથા પુરુષપ્રધાન સમાજ વ્યવસ્થા આને માટે કારણભૂત હોય છે
(ભાગ : ૧)
લ ગભગ ચાલીસેક માણસોની ભીડની વચ્ચે એક યુવાન સ્ત્રી ચત્તીપાટ પડી હતી. તેનું શરીર લાકડા જેવું થઈ ખેંચાતું હતું. તેના દાંત બંધાઈ ગયા હતા. કોઈ તેને જોડો સુંઘાડવાની તો કોઈ બે દાંત વચ્ચે ચમચી મુકવાની ચેષ્ટા કરતું હતું. અને બાજુમાં ભેગા થયેલા મહિલાઓના સમૂહમાં ચર્ચા ચાલતી હતી.
અરે રે... બિચારી... જુવાનજોધ અને એને... આ... તે કેવું... દુ:ખ આવી પડયું ?... હજી તો બાપડીની ઉંમર પણ શી છે ?
''ઘણી ફૂલફટાક થઈને ફરતી હતી. મોટેરાંઓનું તો માનતી જ નહોતી... નક્કી ગઈકાલ રાત્રે કુંડાળામાં એનો પગ આવી ગયો હશે. હવેના જુવાનિયાઓ આવું બધું માને નહીં એટલે જ આવી ઉપાધિ આવી પડે.''
''ભાઈ, દેવી-દેવતા તો કોઈને ય છોડતાં નથી... આ એનાં ઋણ ન ચૂકવો એટલે આવું થાય જ ને... !? બધું અહીં ને અહીં જ ભોગવવાનું છે...''
ત્રીસેક વર્ષની એક પરિણીત સ્ત્રીના દાંત લગભગ ચારેક કલાકથી બંધાઈ ગયા હતા. ક્યારેક આંચકા આવતા હતા તો ક્યારેક આખું શરીર ખેંચાતું હતું. ધુ્રજતું હતું. ફેમીલી ડૉક્ટરે એક ઈન્જેક્ષન આપ્યું, જેનાથી દસેક મિનિટ તેણીને ઊંઘ આવી ગઈ અને ફરી પાછા આંચકા શરૂ થઈ ગયા, એટલે મનોચિકિત્સકને વિઝિટે બોલાવવામાં આવેલા. ત્યાં ગયા પછી વહેમો અને અંધવિશ્વાસની જુદી જુદી વાતો એમના કાને પડી. મેં તે દરદીની ઝીણવટપૂર્વક સંપૂર્ણ શારીરિક તપાસ કરી અને ત્યાં ભેગા થયેલા તમામને બહાર નીકળી જવા જણાવ્યું. ત્યાં એક ભાઈએ પૂછ્યું... ''શું લાગે છે ? અંદરનું છે કે પછી બહારનું ?... તમે લોકો માનો નહીં પણ આ તો બધું ભૂત-પ્રેતવાળું છે...'' ડોક્ટરે તેમને સમજાવ્યું કે ભૂત-પ્રેત, વળગાડની બધી વાતો વાહિયાત છે, જે વિજ્ઞાાને સાબિત કરી આપ્યું છે. આ તો બધી નબળા મનના માનવીને ડરાવવાની વાત છે. હકીકતમાં આ દરદીને માનસિક બીમારી છે.
તે સ્ત્રીની આસપાસ જમા થયેલી ભીડને વિખેરી અને તેને થોડો સમય રૂમમાં એકલી રાખવા તથા તેની પાસે કોઈ જ ન જાય તેવી કડક સૂચના આપી. ત્યારે એક-બે સગાંઓએ ભય બતાવ્યો કે ''કંઈક થઈ જશે... વાગશે-કરશે તો ? આવી હાલતમાં દરદીને એકલો કેવી રીતે છોડાય ?'' પરંતુ થાય તો જવાબદારી મારી રહેશે. તેને થોડો સમય એકલી રહેવા દેવી ખૂબ જ જરૂરી છે. આખરે ભેગા થયેલા લોકો ત્યાંથી દૂર ખસ્યા.
ત્યાર બાદ બીજા રૂમમાં દરદી ન સાંભળે તે રીતે તેની સાસુ સાથે, પતિ સાથે અને માતા સાથે તેની તકલીફો વિશે, ઘરમાં બનેલા પ્રસંગો વિશે, તેનો સ્વભાવ, વર્તન, આદતો, ભાવનાઓ, લાગણીઓ વગેરે બાબતોની વિગતો મેળવી. તેની માતાએ જણાવ્યું કે પુત્રીનાં લગ્ન કર્યે પાંચ વર્ષ થયાં છે અને છેલ્લાં બે વર્ષથી આ પ્રકારની તકલીફ છે. અમારા ઘેર હતી ત્યારે તેને કાંઈ જ નહોતું. જે કંઈ છે તે લગ્ન પછી જ થયેલું છે. એટલે અમારી કોઈ જ જવાબદારી રહેતી નથી.
તેના પતિએ કહ્યું કે ''લગ્નનાં પાંચ વર્ષ પછી પણ સંતાન ન હોવાની વાત તેને ખૂબ પરેશાન કરે છે. આનો અફસોસ તે અવારનવાર વ્યક્ત કરે છે. સ્વભાવે ઘણી જ લાગણીશીલ છે અને નાની-નાની વાતોમાં જલદીથી ખોટું લાગી જાય છે. છેલ્લાં બે વર્ષથી ક્યારેક માથામાં દુ:ખાવાની, તો ક્યારેક કમ્મરમાં દુ:ખાવાની, પેટમાં દુ:ખાવાની, ચક્કર આવવાની કે ઊલટી-ઊબકા થવાની ફરિયાદ અવારનવાર રહે છે. તેનો સ્વભાવ ચીડિયો થઈ ગયો છે. ક્યારેક ન ધારેલું થાય તો ખૂબ જ ગુસ્સે થઈ જાય છે. છેલ્લાં બે વર્ષમાં તે લગભગ સાતથી આઠ વખત આમ બેભાન થઈ ગઈ છે અને તેના દાંત બંધાઈ ગયા છે.'' તેની સાસુએ કહ્યું કે, ''લગ્નમાં પૂરતો સર-સામાન કે દાગીના લાવી નથી અને જલદી જણતી પણ નથી, એટલે જિયાણું પણ આવતું નથી. આ તો બધી કામચોરી છે, બાકી બીજી કોઈ બીમારી નથી.''
આ બહેનને જે પ્રકારની આંચકી આવે છે અને ત્યાર બાદ તેઓ અર્ધબેભાન અવસ્થામાં પડયા રહે છે તે કોઈ પણ પ્રકારનો વળગાડ, મેલીવિદ્યાની સાસર કે પીરની હાજરી નથી. મનોચિકિત્સા વિજ્ઞાાન આને 'હિસ્ટેરીકલ કન્વર્ઝન રીએકશન' અર્થાત્ 'પરિવર્તનના પ્રત્યાઘાત' તરીકે વર્ગીકૃત કરે છે. સામાન્ય માનવી આને ''હિસ્ટીરિયા'' નામના રોગથી ઓળખે છે. આ રોગ વ્યાપક પ્રમાણમાં જોવા મળે છે, જેને વળગાડ ન માનવા માટેના પૂરતાં વૈજ્ઞાાનિક સત્યો નીચે પ્રમાણે છે :
સ્ત્રીઓમાં પ્રમાણ વધારે
આ રોગનું પ્રમાણ સ્ત્રીઓમાં વધારે જોવા મળે છે. ઓછી શિક્ષિત સ્ત્રીઓમાં તથા ગૃહિણીઓમાં આનું પ્રમાણ વધારે હોય છે. સાસુ-વહુના ઝઘડા, દહેજના પ્રશ્નો, દામ્પત્યજીવનમાં વિસંવાદિતા, લગ્ન પછી સંતાન ન હોવાનું દુ:ખ, અને સ્ત્રીઓની વધારે પડતી સંવેદનશીલતા તથા પુરુષપ્રધાન સમાજ વ્યવસ્થા આને માટે કારણભૂત હોય છે. વિધવા અને ત્યક્તાઓમાં પણ આનું પ્રમાણ વધારે જોવા મળે છે. આમ, સંવેદનશીલ સ્ત્રીના અસહાય મનનો તરફડાટ હિસ્ટીરિયા છે એમ કહી શકાય.
શું હિસ્ટીરિયા ચેપી રોગ છે ?
જોકે હિસ્ટીરિયા જંતુઓથી થતો રોગ નથી પરંતુ તે ચેપી રોગ છે. તેના પુરાવા માનસિ રોગોના વોર્ડમાં મળ્યા છે. વોર્ડમાં આજુબાજુમાં સૂતેલા દરદીઓમાં એક પેશન્ટના રોગનાં શારીરિક લક્ષણો બીજો દરદી સહેલાઈથી પકડી લે છે. અને મનોસંઘર્ષ અનુભવતા બીજા દરદીને પણ બાજુના દરદી જેવી જ તકલીફો થવા લાગે છે. તદ્ઉપરાંત મુલાકાતીઓની હાજરીમાં પણ દરદીને આ પ્રકારની ખેંચ વારંવાર આવે છે. તેથી આ રોગમાં દરદીને એકલા રાખવાની સલાહ અપાય છે. કુદરતી તેમજ માનવસર્જીત આફતો વખતે આ રોગ એક સાથે ઘણી બધી વ્યક્તિઓમાં જોવા મળે છે.
હિસ્ટીરિયા હિપ્નોસીસ-સંમોહનનો જન્મદાતા છે.
હિસ્ટીરિયા એ આમ તો સદીઓ પુરાણો રોગ છે. પ્રાચીન ગ્રીક અને રોમનકાળના ઇતિહાસને તપાસતા આ રોગનું વર્ણન જોવા મળે છે. મધ્યયુગમાં આ રોગને પ્રેતાત્માઓની અસરના રૂપે કે વળગાડના પરિણામે થતો માનવામાં આવતો હતો. ઓગણીસમી સદીમાં શારકોટ, જેનેટ અને સિગમંડ ફ્રોઈડે આ રોગની વ્યાપક અભ્યાસ કર્યો હતો અને જાગૃત તથા સુષુપ્ત મનની અવસ્થાનો ખ્યાલ આપ્યો હતો. સિગમંડ ફ્રોઈડે હિસ્ટીરિયાના રોગથી પીડાતા દરદીઓના સુષુપ્ત મનના મનોસંઘર્ષને જાણવા માટે હિપ્નોસીસ અર્થાત્ સંમોહનનો ઉપયોગ કરેલો. સંમોહનને ત્યારે મેસ્મેરીઝમ તરીકે ઓળખાવાતું હતું. સામેની વ્યક્તિના મનને કાબૂમાં લઈ અને તેના પર કબજો જમાવી તેનું વર્તન હુકમ મુજબ કરાવવામાં આવતું હોવાની માન્યતા મેસ્મેરીઝમ વિશે પ્રચલિત થયેલી. સિગમંડ ફ્રોઈડે મેસ્મેરીઝમને એક જાદુઈ વિદ્યા નહીં પણ મનોચિકિત્સા માટેની અધિકૃત વૈજ્ઞાાનિક પદ્ધતિ તરીકે વિકસાવી હતી અને સંમોહનનો હિસ્ટીરિયાના દરદીની સારવાર માટે ઉપયોગ કર્યો હતો. આમ, હિસ્ટીરિયા હિપ્નોસીસ કે સંમોહનનો જન્મદાતા ગણાવી શકાય. સિગમંડ ફ્રોઈડને આવા દરદીઓમાં રોગની ગંભીરતા અને દરદીનો પ્રતિભાવ તથા વર્તન વચ્ચે અસંગતતા જણાઈ હતી, જેને 'લા-બેલા ઇન્ડીફરન્સ'ના નામથી ઓળખાવવામાં આવે છે. જેથી અન્ય વ્યક્તિઓની ગેરહાજરીમાં તથા દરદીનું ધ્યાન જો બીજી તરફ વાળવામાં આવે તો આ રોગનાં લક્ષણોની તીવ્રતા ઘટતી જણાય છે.
હિસ્ટીરિયા થવાનું કારણ છે ?
બાલ્યાવસ્થાના વિકાસના તબક્કાઓમાં થયેલાં માતા-પિતા સાથેના અભિસંધાન તથા આધારિત્વથી મુક્તિ ન મળતાં હિસ્ટીરિયા થઈ શકે છે. મોટી ઉંમરની વ્યક્તિ આવાં લક્ષણો દ્વારા આજુબાજુના લોકો તેની લાગણીઓ તરફ ધ્યાન આપે તેવું જ ઝંખે છે. તથા બાલ્યાવસ્થામાં મળેલાં માતા-પિતાના પ્રેમ-હૂંફ, આધારિત્વ, સંભાળ, રક્ષણ અને મદદ, વયસ્ક અવસ્થામાં આવી પડેલી મુંઝવણો વખતે નજીકની વ્યક્તિ પાસેથી મળે એવું ઇચ્છે છે. જોકે, પ્રેમીજનના આધારિત્વની આ જરૂરિયાત સુષુપ્ત મનમાં ઊભી થયેલી હોય છે. પરંતુ તેને જો સંપૂર્ણપણે સંતોષવામાં આવે તો આધારિત્વ વધતું જાય છે અને વ્યક્તિનું પોતાનું સ્વતંત્ર કે આગવું વ્યક્તિત્વ ઊભું થતું નથી. હિસ્ટીરિયાના દરદીઓ આંચકીના હુમલાઓની વચ્ચે વિવિધ વસ્તુઓની માંગણી કરે છે અને તે સંતોષાય તો સ્નેહીજન તેની સંભાળ લેવા તત્પર છે એવું માને છે. શરૂઆતમાં આવી માંગણીઓને સંતોષવાની સલાહ આપવામાં આવે છે, પરંતુ એક વાર સુષુપ્ત મનનો સંઘર્ષ જાણી શકાય પછી કોઈ પણના આધારિત્વથી પર એવું આગવું વ્યક્તિત્વ ઊભું કરવા દરદીઓને સારવાર અપાય છે.
કેટલાક વિશિષ્ટ પ્રકારના વ્યક્તિત્વને કારણે પણ આ રોગ થાય છે. બાહ્ય વાતાવરણનો તનાવ આ રોગ થવા માટે કારણભૂત હોય છે. વ્યક્તિના સુષુપ્ત મનમાં ધરબાયેલી અતૃપ્ત ઇચ્છાઓ, વિચારો, મૂંઝવણો અને મનોસંઘર્ષને કારણે આ રોગ થાય છે. આ રોગ મેલીવિદ્યા, વળગાડ વગેરેથી થતો નથી, એટલે એના વિષચક્રમાં ફસાવા જેવું નથી.
મનોચિકિત્સા અનિવાર્ય છે.
આ રોગમાં મનોચિકિત્સા અનિવાર્ય છે. આવા દરદીને કેટલીકવાર દાખલ કરીને સારવાર કરવી જરૂરી બને છે. આમાં દરદીનો વિશ્વાસ સંપાદિત કરવો જરૂરી હોય છે.
હિસ્ટીરિયાના દરદીઓને એન્ટીએન્ઝાયટી અને એન્ટીડિપ્રેસન્ટ્સ દવાઓ તથા સંમોહનથી સારવાર પણ લાભદાયી નીવડે છે. પરિવર્તનના વિવિધ પ્રત્યાઘાતો અર્થાત્ ''કન્વર્ઝન રિએક્શન''ને કારણે માનસિક મૂંગાપણું, બહેરાશ, લકવા અને અંધાપો પણ થઈ શકે છે. આવી તમામ તકલીફોમાં વળગાડ ભગાડવાની વિધિ કરાવવા કરતા દરદીમાં સ્વ-અવલોકન કરવાની અને પરિસ્થિતિને પહોંચી વળવાની ક્ષમતા ઊભી કરવી જરૂરી બને છે. આમાં દરદીના તેના સ્નેહીજનના તથા તબીબ સાથેના સંબંધોમાં આધારભૂતતા અને સાતત્ય હોવું જરૂરી છે, પરિવર્તનના પ્રત્યાઘાતોના-હિસ્ટીરિયાના દરદીઓમાંના પચાસ ટકા જેટલા દર્દીઓ રોગના લક્ષણો થવાના એક વર્ષમાં સંપૂર્ણપણે સારા થાય છે. બાકીના ત્રીસ ટકા જેટલા દરદીઓને એકથી પાંચ વર્ષમાં સારું થાય છે. જ્યારે લગભગ વીસ ટકા જેટલા દરદીઓ પંદર કે તેથી વધારે વર્ષ સુધી તનાવયુક્ત પરિસ્થિતિમાં આવા હુમલાઓનો શિકાર બને છે, જોકે તેની તીવ્રતા અને આવૃત્તિ ઘટતાં જાય છે.
વાક્-બાણ હિસ્ટીરિયા નોતરે છે.
આ લેખમાં જણાવેલા દરદીની મૂંઝવણની વાત કરું તો તેની સાથે જ તેના ભાઈનાં લગ્ન થયાં હતાં અને તેને ત્યાં બે બાળક આવી ગયાં હતા. આ સ્ત્રી જ્યારે તેના પિયર ગઈ ત્યારે તેની ભાભીએ પોતાની છોકરીને આ દરદી રમાડવા લે તેનો વાંધો ઉઠાવ્યો અને કહ્યું કે ''વાંઝિયાની નજર લાગે તો મારી છોકરીને કંઈ થઈ જાય...'' આ વાક્યો પછી બીમારી શરૂ થઈ હતી અને સાસુની દહેજ વગેરેની ટક-ટકને કારણે અવાર-નવાર હુમલાઓ આવતા હતા. આવું થયા પછી એક વખત મન વધારે લાગણીશીલ થઈ જાય પછી તો નાનામાં નાની વાતો પણ વ્યક્તિને વિક્ષુબ્ધ કરે છે અને તે માનસિક સમતુલા ગુમાવે છે. આવા દરદીને પ્રેમ, હૂંફ અને આત્મીયતાની જરૂર છે, ટીકા, સૂચનો કે સલાહની નહીં, ''તારે તે વળી શું કરવાની જરૂર છે ?... નાહકની ચિંતા કરે છે. વાતમાં કંઈ માલ નથી...'' એમ વારંવાર દરદીને કહેવું હિતાવહ નથી. દરદીનાં સગાંઓએ મનોવૈજ્ઞાાનિક સમજ કેળવવી જરૂરી છે.