એક તરફ અમેરિકાના વડાપ્રધાન ડોનાલ્ડ ટ્રમ્પ ગેરકાયદેસર રીતે રહેતા લોકોને પરત મોકલી રહ્યા છે. તો બીજી તરફ ગુજરાતીઓની અમેરિકામાં ઘુસણખોરી અટકી નથી. એવામાં મહેસાણામાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી રહી છે. ફરી એક વખત ગેરકાયદેસર અમેરિકા જવાની લ્હાયમાં એક પરિવારના 2 સભ્યોએ જીવ ગુમાવ્યો છે.
આનંદપુરાનો પરિવાર મેક્સિકોથી અમેરિકા જઈ રહ્યો હતો
અમેરિકા જવા નીકળેલો મહેસાણાના એક જ પરિવારના 4 સભ્યો પૈકી 2ના મોત થયાં હતાં જ્યારે 2 લોકોની હાલત ગંભીર હોવાથી તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. મૂળ મહેસાણાના વિજાપુર તાલુકાના આનંદપુરાનો પરિવાર મેક્સિકોથી અમેરિકા જઈ રહ્યો હતો. એવામાં ગેરકાયદેસર પ્રવેશ સમયે સેન ડિયેગો કિનારે આ ઘટના બની હતી. કિનારે પહોંચતા જ દરિયાનું મોજું આવ્યું અને નૌકા પલટી હતી.
છેક દરિયા કિનારે પહોંચેલી નૌકા પલટી
મળતી માહિતી પ્રમાણે, છેક દરિયા કિનારે પહોંચેલી નૌકા પલટી ગઈ હતી. નૌકામાંથી ઊતરે તે પહેલાં નૌકા પલટી ગઈ હતી. પરિવાર નૌકામાં સવાર હતું તે દરમ્યાન નૌકા ડૂબી હતી. આ ઘટનામાં પુત્ર અને પુત્રીનું મોત થયું હતું જ્યારે પતિ-પત્ની CBPની કસ્ટડીમાં છે. પુત્ર પ્રિન્સનો મૃતદેહ મળ્યો હતો જ્યારે પુત્રી મહિના મૃતદેહની શોધખોળ ચાલુ છે. પતિ પત્ની સિપ્રસ મેમોરિયલ હોસ્પિટલ સેન ડિયેગોમાં સારવાર હેઠળ છે.