
કેનેડા સરહદેથી અમેરિકામાં ઘુસણખોરી કરતાં ઝડપાયેલા પરિવારે કલોલના જીતુ પટેલ નામના એજન્ટે બધી ગોઠવણ કરી હોવાનો ભાંડો ફોડતાં CBIએ જીતુ પટેલને કલોલથી પકડીને વધુ તપાસ હાથ ધરી છે. કેનેડા સરહદેથી ઝડપાયેલા મહેસાણાના પટેલ પરિવારના પતિ-પત્ની અને પુત્રને અમેરિકન સત્તાવાળાઓએ ભારત ડિપોર્ટ કરી દીધાં હતા, તેમની પણ ધરપકડ કરાઇ છે. આ ત્રણેયની છેલ્લાં ચાર દિવસથી નવી દિલ્હી ખાતે CBI હેડક્વાર્ટરમાં પૂછપરછ ચાલી રહી છે.
ગુજરાતમાંથી ગેરકાયદેસર 50 લોકોને અમેરિકા મોકલી ચુક્યો છે જીતુ પટેલ
જીતુ પટેલ પહેલાં પણ ગુજરાતમાંથી 50 જેટલા લોકોને કબૂતરબાજી દ્વારા વિદેશ મોકલી ચૂક્યો છે. જીતુની પૂછપરછમાં તેમનાં નામ બહાર આવશે તો અમેરિકામાં તેમના પર તવાઇ આવશે અને તેમને પણ ડીપોર્ટ કરાશે. CBIના અધિકારીઓ પાસેથી મળેલી વિગતો પ્રમાણે, જીતુ પટેલે પોતાના નેટવર્ક મારફતે પોતાના ક્લાયન્ટને કેનેડા બોર્ડર પરથી ઘુસણખોરી કરાવવાનો પ્રયાસ કર્યો હતો. ઘૂસણખોરી કરતાં ઝડપાયેલાં લોકોએ પોતાને ગેરકાયદેસર રીતે ઘૂસાડવાની આ વ્યવસ્થા કલોલના જીતુ પટેલ નામના એજન્ટે કરી આપી હોવાની વિગતો આપી હતી, તેના કારણે તપાસનો રેલો કલોલ સુધી પહોચ્યો છે. CBIના આ ઇનપુટ્સ આપવામાં આવ્યા હતા, જેના પગલે જીતુ પટેલને કલોલથી પકડીને CBIએ વધુ પૂછપરછ હાથ ધરી છે.
કબુતરબાજીના આ રેકેટમાં એક વ્યક્તિને ગેરકાયદેસર રીતે ઘૂસાડવાના જીતુ પટેલ કેટલા પૈસા વસૂલતો હતો તે અંગેની CBIએ ઝીણામાં ઝીણી બાબતોની તપાસ હાથ ધરી છે. જીતુ સાથે કોણ-કોણ સંકળાયેલુ છે. અત્યાર સુધી કેટલા લોકોને ગેરકાયદેસર અમેરિકા પહોંચાડી દીધા છે અને એ લોકો ક્યાં છે તે તમામ બાબતોની હાલ તપાસ ચાલી રહી છે.
જીતુ પટેલનું ચરણજીત સાથે કનેક્શન હોવાની આશંકા
કબુતરબાજીના મસમોટા રેકેટનો અગાઉ સ્ટેટ મોનિટરિંગ સેલે પર્દાફાશ કર્યો હતો. આ રેકેટમાં 22 આરોપીઓને પકડીને જેલના સળીયા પાછળ ધકેલવામાં આવ્યા છે. બોબી પટેલ આ રેકેટનો સૂત્રધાર હતો. કબૂતરબાજીના માસ્ટરમાઇન્ડ ચરણજીત સીંઘ, મુન્નો ખત્રી અને મહેકન પટેલ વિદેશ ભાગી ગયા છે. ચરણજીત સીંઘ પંજાબનો છે અને પોલીસને મળેલી માહિતી પ્રમાણે અમેરિકા ભાગી ગયો હોવાનું જાણવા મળ્યુ છે. આ ઉપરાત મહેકન પટેલ પણ અમેરિકામાં હોવાનુ પોલીસ માની રહી છે. મુન્નો ખત્રી કેનેડામાં હોવાનું પોલીસની તપાસમાં બહાર આવ્યું છે જેના કારણે પોલીસે આ ત્રણેય આરોપીઓ સામે રેડ કોર્નર નોટિસ પણ જારી કરી દીધી છે. પ્રત્યાર્પણ માટે અમેરિકા અને કેનેડા સરકારનો સંપર્ક કરવા સુધીની કાર્યવાહી પોલીસ દ્વારા કરી દેવામાં આવી છે. CBIએ જે આરોપીને પકડ્યો છે તે જીતુ પટેલ સાથે પણ આ આરોપીઓનું કોઇ કનેક્શન છે કે કેમ તેની પણ હાલ તપાસ ચાલી રહી છે.