
- અર્થકારણના આટાપાટા
ભારતની વસતી જગતમા સૌથી વધારે છે તે બાબત શરમજનક છે. વસતી વધારાની બાબતમા સૌથી પહેલી વાત એ યાદ રાખવાની છે કે કોઈપણ દેશની કે જગતની વસતી ચક્રવૃદ્ધિ વ્યાજના દરે વધે છે અને દેશની સરાસરી માથાદીઠ આવકને ઘટાડી શકે છે. જગતમા સૌથી વધુ જીડીપી (રાષ્ટ્રીય આવક) ધરાવતા દસ દેશો અનુક્રમે યુ.એસ.એ., ચીન, જર્મની, ભારત, જાપાન, યુ.કે., ફ્રાન્સ, ઇટાલી, કેનેડા અને બ્રાઝિલ છે પરંતુ ભારતની વસતી ૧૪૬.૪ કરોડ એટલી પ્રચંડ છે કે ભારતની જીડીપીને તેની કુલ વસતી દ્વારા ભાગાકાર કરીએ તો ૨૦૨૫ના ચાલુ વર્ષમા ભારતની માથાદીઠ આવક માત્ર ૨૮૭૮ ડોલર્સની થાય છે. જ્યારે ૩૪ કરોડની વસતી ધરાવતા યુ.એસ.એ.ની તે ૨૦૨૫માં ૮૯,૧૦૫ ડોલર્સ હતી. ૪ વર્ષમા સ્વીત્ઝર્લેન્ડની ૧ લાખ પાંચ હજાર ડોલર્સ, ગ્રેટ બ્રિટન એટલે યુ.કે.ની ૫૪,૯૪૯ ડોલર્સ, જર્મનીની ૫૫,૯૧૧ ડોલર્સ, ફ્રાંસની ૪૬,૭૯૨ ડોલર્સ, આર્યલેન્ડની અધધધ ૧,૦૮,૯૧૯ ડોલર્સ, ઇઝરાયેલની ૫૭,૭૬૦ ડોલર્સ જ્યારે તેની સાથે સંઘર્ષમા ઉતરેલ ઇરાનની સરાસરી માથાદીઠ આવક માત્ર ૩૮૯૭ ડોલર્સ, છે જ્યારે ૨૦૨૫મા ચીનની માથાદીઠ સરાસરી આવક ૧૩,૬૮૭ ડોલર્સ, રશિયાની ૧૪,૩૪૧ ડોલર્સ, બ્રાઝિલની ૯,૯૬૦ ડોલર્સ, જાપાનની ૩૩,૯૫૬ ડોલર્સ, કેનેડાની ૫૩,૪૩૧ ડોલર્સ, બ્રાઝિલ ૧૦,૩૫૦ ડોલર્સ અને ઇટાલીની ૪૧,૭૧૦ ડોલર્સ છે. માથાદીઠ સરાસરી આવકની આ લાંબી સૂચી એટલે આપી છે કે જગતમા માત્ર જીડીપીના આધારે જે દેશોની સૂચીનો અનુક્રમ આપવામા આવે છે તે માથાદીઠ આવકનો રેકીંગથી જુદો છે. ભારત ભલે કુલ જીડીપીની દ્રષ્ટિએ વિશ્વમા ચોથા ક્રમે છે પરંતુ તેની વસતી એટલી પ્રચંડ છે કે માથાદીઠ સરાસરી આવકમા તેનો ક્રમ શરમજનક નીચો છે. જગતની વસતી નિરંકુશ રીતે વધી રહી છે તેની હવે કોઈ ચિંતા કરતુ નથી. તે હવે જગતના પોલિટિકલ કે ઇકોનોમીક એજન્ડા પર નથી. તેનું મુખ્ય કારણ એ છે કે જગતમા આર્થિક અને રાજકીય એજન્ડા પર જીડીપીનો વૃદ્ધિ દર સેન્ટ્રલ સ્ટેજ પર છવાઈ ગયો છે. એનું બીજુ કારણ એ છે કે જગતનો છેલ્લા ઘણા વર્ષોથી સરાસરી આર્થિક વૃદ્ધિ દર ૩ ટકા છે (જો કે ૨૦૨૦ના કોવિદના વર્ષમા તે નેગેટીવ ૨.૮૮ ટકા થઇ ગયો હતો) જ્યારે જગતની વસતીનો વૃદ્ધિ દર ૦.૮૯ ટકા એટલે કે એક ટકાથી પણ નીચો છે. અત્યારનુ જગત આર્થિક રીતે સમૃદ્ધ થઇ રહ્યું છે. પરંતુ જગતમા આવક અને સંપત્તિની અસમાનતા (જગતના દેશોની વચ્ચે તેમજ જગતના દરેક દેશની અંદર) વધતી જાય છે. એમ લાગે છે કે સત્તાની, મોભાની અને આવક અને સંપત્તીની અસમાનતા માનવીના ડીએનએ તથા આરએનએમા જ પ્રોગ્રામ્ડ છે.
જગતના ગરીબ દેશો એવી દલીલ કરે છે કે ડોલર્સની દ્રષ્ટિએ ભલે અમારી માથાદીઠ આવક નીચી છે પરંતુ પર્ચેઝીંગ પાવર મેરીટની દ્રષ્ટિએ અમારી માથાદીઠ આવક ઊંચી છે. દા.ત. ભારતની માથાદીઠ વાર્ષિક સરાસરી આવક માત્ર ૨૮૭૮ ડોલર્સ છે. પરંતુ પર્ચેઝીંગ પાવર મેરીટીની દ્રષ્ટિએ તે ૧૨,૧૩૨ ડોલર્સ છે. ઉદાહરણ તરીકે અમેરિકામા એક પ્યાલો કોફીનો એક ડોલર (૮૫ રૂપિયા) આપવો પડે જ્યારે ભારતમા ૨૦ રૂપિયામાં કોફીનો કપ મળે. કોઈ ધાબા પર માત્ર સો કે એકસો વીસ રૂપિયામા અમે ભરપેટ ભોજન કરી શકીએ તો અમેરિકાની સામાન્ય રેસ્ટોરાંમા સાદા પરંતુ ભરપેટ ભોજનના કદાચ દસથી બાર ડોલર્સ થાય એટલે કે ૮૫૦ રૂપિયાથી માંડીને રૂપિયા ૧૦૨૦ થાય. ટૂંકમા ભારતમાં નીચી સરાસરી માથાદીઠ આવકના બચાવમા ઉપરની દલીલમા વજૂદ છે. જગતે તથા ભારતે વસતી વધારાની બાબતમા શરમજનક રીતે હદ વટાવી નાંખી છે તેમ છતા હવે જગત વધતી જતી વસતીને ટાઈમબોંબ ગણતું નથી. ભારત ૨૦૨૩મા ચીનની વસતીને આંબી ગયું. ૨૦૨૫મા ભારતની વસતી અધધધ ૧૪૬.૪ કરોડ છે. જ્યારે ચીનની વસતી ૧૪૧.૬ કરોડ છે. ભારત માટે તે શરમજનક બાબત છે.
- ધવલ મહેતા