
ભારતીય ક્રિકેટ ટીમ પ્રથમ ટેસ્ટની હારને ભુલાવીને શ્રેણીમાં બરોબરી મેળવવાના ઇરાદા સાથે ઇંગ્લેન્ડ સામે બર્મિંગહામના એજબેસ્ટોનમાં આજથી શરૂ થઇ રહેલી બીજી ટેસ્ટ મેચમાં રમવા માટે ઉતરશે.ટીમ ઇન્ડિયા બીજી ટેસ્ટની પ્લેઇંગ ઇલેવનમાં બુમરાહને સમાવશે કે નહીં તે સસ્પેન્સ પરથી મેચ પહેલા જ પરદો ઉચકાશે.જોકે, ભારતે ત્રણ ફાસ્ટરો અને બે સ્પિનરોી સાથે ઉતરવાની વ્યુહરચનાને સ્પષ્ટ કરી દીધી છે.કેપ્ટન સ્ટોક્સ અને કોચ મેક્કુલમની જોડીને આશા છે કે, ઇંગ્લેન્ડની ટીમ 'બાઝબોલ'ના અંદાજમાં બેટિંગની શૈલીને આગળ ધપાવતા જીતની લયને જાળવી રાખશે.
બર્મિંગહામના એજબેસ્ટોનમાં બપોરે 3.30 વાગ્યાથી મેચનો પ્રારંભ થશે. પ્રવાસ ટીમના યુવા કેપ્ટન ગીલ અને કોચ ગંભીર પ્રથમ ટેસ્ટની હાર બાદ ટીમમાં કેટલાક પરિવર્તન કરશે તે સ્પષ્ટ છે. જોકે, આ પરિવર્તનમાં કોનો ભોગ લેવાય છે અને કોને જેકપોટ લાગે છે, તે જોવાનું રહેશે. શાર્દુલ ઠાકુરને કદાચ બહાર રહેવું પડી શકે છે અને તેના સ્થાને નિતિશ કુમાર રેડ્ડીનું પુનરાગમન થાય તેવી સંભાવના છે. જ્યારે જો બુમરાહને આરામ આપવાનો નિર્ણય લેવાશે તો તેના સ્થાને સ્પિન બોલિંગ ઓલરાઉન્ડર વોશિંગ્ટન સુંદર ઇલેવનમાં પ્રવેશ મેળવવા માટેનો પ્રબળ દાવેદાર છે. ભારતના એલિટ સ્પિનર કુલદીપ યાદવને પણ તક આપવાની માગ જોર પકડી રહી છે ત્યારે ભારતીય ટીમ મેનેજમેન્ટનું વલણ કેવું રહેશે, તે જોવું રસપ્રદ બનશે.
ભારતનો રાહુલ-જયસ્વાલ અને ગીલ પર મદાર
ટીમ ઇન્ડિયાના ટોપ ઓર્ડરના બેટ્સમેનોએ જબરજસ્ત ફોર્મ દેખાડ્યું છે. પ્રથમ ટેસ્ટમાં ભારત તરફથી પાંચ સદી નોંધાઇ હતી અને અનોખો રેકોર્ડ સર્જાયો હતો. ઓપનર જયસ્વાલ અને રાહુલની જોડીએ પ્રથમ ટેસ્ટમાં સદી ફટકારી હતી અને તેઓ આગવી લયને જાળવી રાખે તેવી આશા રાખવામાં આવી રહી છે. કેપ્ટન શુભમન ગીલે પણ સદી ફટકારીને તેનો આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો હતો. યુવા ટોપ ઓર્ડર બેટ્સમેન સાઇ સુદર્શનની સાથે ઘરઆંગણાના ક્રિકેટમાં જબરજસ્ત દેખાવ કરનારા કરૂણ નાયરની પાસેથી ભારતીય ટીમને મોટી ઇનિંગની આશા છે.
નિતિશ કુમાર અને વોશિંગ્ટન સુંદરની એન્ટ્રી થશે?
બીજી ટેસ્ટ માટેની ટીમમાં નિતિશ કુમાર રેડ્ડી અને વોશિંગ્ટન સુંદરનો સમાવેશ કરવામાં આવશે તે લગભગ નક્કી લાગી રહ્યું છે. પ્રથમ ટેસ્ટની ટીમમાં સમાવાયેલા શાર્દુલ ઠાકુરનો દેખાવ કંગાળ રહ્યો હતો અને આ કારણે તેના સ્થાને નિતિશ કુમાર રેડ્ડીને બીજી ટેસ્ટમાં તક આપવામાં આવે તેવી શક્યતા છે. નિતિશ કુમાર રેડ્ડીને લો ઓર્ડરના બેટ્સમેન તરીકે પણ ઉપયોગી દેખાવ કરી ચૂક્યો છે. તેવી જ રીતે વોશિંગ્ટન સુંદર પણ ટીમમાં સ્થાન મેળવવાનો હકદાર છે. જે બેટિંગની સાથે સ્પિન બોલિંગને સહારે ટીમ ઇન્ડિયાને સફળતા અપાવી શકે છે.
ત્રણ ફાસ્ટ બોલરો અંગે ચર્ચા
ટીમ ઇન્ડિયાના ત્રણ ફાસ્ટરોમાં કોનો સમાવેશ થશે તેની ચર્ચા રસપ્રદ બની છે. જો બુમરાહને આરામ આપવામાં નહીં આવે તો તે અને સિરાજ નક્કી છે. જ્યારે ત્રીજા ફાસ્ટ બોલર તરીકે પ્રસિદ્ધ ક્રિષ્ણા સાથે અર્ષદીપ તેમજ આકાશદીપનું નામ પણ ચર્ચામાં છે. જો બુમરાહને આરામ અપાશે તો સિરાજ અને પ્રસિદ્ધ ક્રિષ્ણા સ્થાન જાળવી શકશે અને અર્ષદીપ કે આકાશદીપમાંથી કોઇ એકને તક મળી શકે છે.
ભારતની સંભવિત ટીમ
કેએલ રાહુલ, યશસ્વી જયસ્વાલ, કરૂણ નાયર, શુભમન ગિલ (કેપ્ટન), રિષભ પંત (વિકેટ કીપર), નિતિશ કુમાર રેડ્ડી, વોશિંગ્ટન સુંદર, રવિન્દ્ર જાડેજા, મોહમ્મદ સિરાજ, જસપ્રીત બુમરાહ/અર્શદીપ સિંહ, પ્રસિદ્ધ ક્રિષ્ણા/ આકાશદીપ
ઇંગ્લેન્ડ
ક્રોઅલી, બેન ડકેટ, ઓલી પોપ, જો રૂટ, હેરી બ્રુક, બેન સ્ટોક્સ (કેપ્ટન), સ્મિથ (વિકેટ કીપર), ક્રિસ વોક્સ, કાર્સ, ટંગ અને બશીર.