
પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની આજે (25 ડિસેમ્બર) 100મી જન્મજયંતિ છે. વાજપેયી દેશના એવા નેતા હતા, જેમના વર્તન અને કાર્યોના વિરોધ પક્ષોના નેતાઓ પણ વખાણ કરે છે. અટલ બિહારી વાજપેયીના કાર્યકાળમાં ભારતને નવી દિશા મળી. વાજપેયીનો કાર્યકાળ શિક્ષણ, સંદેશાવ્યવહાર, વિદેશ નીતિ અને દેશના વિકાસની દૃષ્ટિએ ખૂબ જ મહત્ત્વપૂર્ણ હતો.
આ પણ વાંચો: ચંદ્ર પર માણસ મોકલવાની તૈયારી, ઈસરોએ જણાવ્યું કયા વર્ષમાં લહેરાશે તિરંગો
વાજપેયી ત્રણ વખત ભારતના વડાપ્રધાન બન્યા હતા, પ્રથમ 13 દિવસ માટે, પછી 13 મહિના માટે અને પછી 1999થી 2004 સુધીનો કાર્યકાળ પૂર્ણ કર્યો. આ દરમિયાન તેમણે સાબિત કર્યું કે દેશમાં ગઠબંધન સરકારો પણ સફળતાપૂર્વક ચલાવી શકાય છે. ચાલો જાણીએ વાજપેયીના એવા 10 કાર્યો જેના માટે આવનારી પેઢીઓ તેમને હંમેશા યાદ રાખશે.
ટેલિકોમ્યુનિકેશન સેક્ટરમાં ક્રાંતિ
અટલ બિહારી વાજપેયીએ 1999માં ટેલિકોમ્યુનિકેશન સેક્ટરમાં ક્રાંતિ લાવી હતી. તેમણે BSNLની ઈજારાશાહીનો અંત લાવ્યો. નવી ટેલિકોમ પોલિસી લાગુ કરી હતી. આનાથી સામાન્ય લોકોને સસ્તા ફોન કોલ કરવાની તક મળી. જોકે રાજીવ ગાંધીને ટેલિકોમ્યુનિકેશન ક્રાંતિના પિતા માનવામાં આવે છે, પરંતુ તેને સામાન્ય લોકો સુધી પહોંચાડવાનો શ્રેય અટલજીને જાય છે.
સર્વ શિક્ષા અભિયાન
પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીએ બાળકોના શિક્ષણ માટે મોટું પગલું ભર્યું હતું. તેમણે 2000-01માં સર્વ શિક્ષા અભિયાન શરૂ કર્યું હતું. આ અભિયાનનો ઉદ્દેશ્ય 6થી 14 વર્ષની વયના તમામ બાળકોને મફત શિક્ષણ આપવાનો હતો. વાજપેયીએ બાળકોના ભવિષ્યને સુધારવા માટે આ મહત્ત્વપૂર્ણ યોજના અમલમાં મૂકી હતી.
દિલ્હી-લાહોર બસ સેવા
પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીએ ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો સુધારવા માટે દિલ્હી-લાહોર બસ સેવા શરૂ કરી હતી. આ સેવા ફેબ્રુઆરી 1999 માં શરૂ થઈ હતી. વાજપેયી પોતે પહેલી બસ દ્વારા લાહોર ગયા હતા. ત્યાં તેઓ પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફને મળ્યા હતા. બંને નેતાઓએ 'લાહોર દસ્તાવેજ' પર સાઈન કરી હતી. વાજપેયીજી હંમેશા પાકિસ્તાન સાથે સારા સંબંધો ઈચ્છતા હતા. આ બસ સેવાની શરૂઆત આ વિચારને પ્રતિબિંબિત કરે છે. દિલ્હી-લાહોર બસ સેવા બંને દેશોના લોકોને નજીક લાવવાનો પ્રયાસ હતો.
પોખરણમાં પરમાણુ પરીક્ષણ
વાજપેયી માનતા હતા કે દેશની સુરક્ષા સૌથી મહત્ત્વપૂર્ણ છે. તે માટે મે 1998માં પોખરણમાં પરમાણુ પરીક્ષણ કરવામાં આવ્યું હતું. 1974 પછી ભારતનું આ પ્રથમ પરમાણુ પરીક્ષણ હતું. અટલજીના નેતૃત્વમાં ભારતે આ મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. તેમનું માનવું હતું કે આપણી પાસે આપણી સુરક્ષાનો સંપૂર્ણ અધિકાર છે.
સુવર્ણ ચતુર્ભુજ રોડ પ્રોજેક્ટ
સુવર્ણ ચતુર્ભુજ રોડ પ્રોજેક્ટ (કનેક્ટિંગ ઈન્ડિયા) નો શ્રેય પણ પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીને જાય છે. તેમણે દેશને એક કરવા માટે રસ્તાઓનું નેટવર્ક બિછાવવાનો મહત્ત્વનો નિર્ણય લીધો હતો, જેને સુવર્ણ ચતુર્ભુજ રોડ પ્રોજેક્ટ નામ આપવામાં આવ્યું હતું. તેમણે ચેન્નાઈ, કોલકાતા, દિલ્હી અને મુંબઈને જોડવા માટે સુવર્ણ ચતુર્ભુજ રોડ પ્રોજેક્ટ અમલમાં મૂક્યો. આજે આખો દેશ તેનો લાભ ઉઠાવી રહ્યો છે.
ખાનગીકરણને પ્રોત્સાહન
અટલ બિહારી વાજપેયીએ તેમના કાર્યકાળ દરમિયાન દેશમાં ખાનગીકરણને પ્રોત્સાહન આપ્યું હતું. વાજપેયીએ તેમની સરકારમાં 1999માં ડિસઈન્વેસ્ટમેન્ટ મંત્રાલય તરીકે એક અનોખું મંત્રાલય બનાવ્યું હતું. અરુણ શૌરીને તેના મંત્રી બનાવવામાં આવ્યા. શૌરીના મંત્રાલયે, વાજપેયીના નેતૃત્વ હેઠળ, ભારત એલ્યુમિનિયમ કંપની (બાલ્કો), હિન્દુસ્તાન ઝિંક, ઇન્ડિયન પેટ્રોકેમિકલ્સ કોર્પોરેશન લિમિટેડ અને વિદેશ સંચાર નિગમ લિમિટેડ જેવી સરકારી કંપનીઓને વેચવાની પ્રક્રિયા શરૂ કરી હતી.
આતંકવાદ વિરોધી કાયદો
13 ડિસેમ્બર 2001ના રોજ આતંકવાદીઓએ ભારતીય સંસદ પર હુમલો કર્યો હતો. ભારતીય સંસદીય ઈતિહાસનો આ સૌથી કાળો દિવસ માનવામાં આવે છે. આ હુમલામાં અનેક સુરક્ષા જવાનો શહીદ થયા હતા. આ સમયગાળા દરમિયાન અટલ બિહારી વાજપેયી દેશના વડાપ્રધાન હતા. ભયાનક આતંકવાદી હુમલા પછી, વાજપેયી સરકારે પોટા કાયદો ઘડ્યો, જે ખૂબ જ કડક આતંકવાદ વિરોધી કાયદો છે, જે 1995ના ટાડા કાયદા કરતાં વધુ કઠોર માનવામાં આવતો હતો.
બંધારણ સમીક્ષા માટે રાષ્ટ્રીય આયોગની રચના
અટલના કાર્યકાળમાં બંધારણ સમીક્ષા પંચની રચના પણ કરવામાં આવી હતી. વાજપેયી સરકારે ફેબ્રુઆરી 2000માં બંધારણમાં સુધારો કરવાની જરૂરિયાત અંગે વિચારણા કરવા માટે એક સમિતિની બેઠક બોલાવી હતી. બંધારણ સમીક્ષા માટે રાષ્ટ્રીય આયોગની રચના કરવામાં આવી. આ કમિશનનો ભારે વિરોધ થયો હતો, જેના પછી વાજપેયી સરકાર બંધારણમાં સુધારાનું કામ આગળ નહતી વધારી શકી.
આ પણ વાંચો: મણિપુર, મિઝોરમ, બિહાર અને કેરળના નવા રાજ્યપાલની નિમણુંક, જુઓ કોને બનાવાયા રાજ્યપાલ
જાતિવાર વસ્તી ગણતરી અટકાવી
વર્ષ 1999 એચડી દેવગૌડા સરકારે જાતિવાર વસ્તી ગણતરી કરવાની મંજૂરી આપી હતી જેના કારણે 2001 માં જાતિની વસ્તી ગણતરી હાથ ધરવાની હતી. પરંતુ અટલ બિહારી વાજપેયી સરકારે આ નિર્ણય પલટી નાખ્યો હતો. જેના કારણે જાતિવાર વસ્તી ગણતરી થઈ શકી નથી.
ભારતનું પ્રથમ ચંદ્ર મિશન
15 ઓગસ્ટ 2003ના રોજ, અટલ બિહારી વાજપેયીએ લાલ કિલ્લા પરથી 'ચંદ્રયાન 1' ની જાહેરાત કરી. આ ભારતનું પ્રથમ ચંદ્ર મિશન હતું. ISRO એ તેને 22 ઓક્ટોબર 2008ના રોજ શ્રીહરિકોટાથી લોન્ચ કર્યું હતું. સ્વતંત્રતા દિવસ પર વાજપેયીએ આ મોટી જાહેરાત કરી હતી.