
છત્તીસગઢના સુકમા જિલ્લામાં એક સાથે 23 કટ્ટર નક્સલીઓએ સરેન્ડર કર્યું છે.આ નક્સલીઓના માથા પર 1.18 કરોડ રૂપિયાનું ઇનામ હતું. સરેન્ડર કરનારા નક્સલીઓમાં ત્રણ દંપત્તિ પણ સામેલ છે. આ વાતની જાણકારી એક પોલીસ અધિકારીએ આપી છે.
અધિકારીએ જણાવ્યું કે આત્મસમર્પણ કરનારા નક્સલીઓમાં 11 સીનિયર કેડર સામેલ છે જેમાંથી મોટાભાગના પીપુલ્સ લિબરેશન ગુરિલ્લા આર્મી બટાલિયન નંબર-1માં સક્રિય છે. આ માઓવાદીઓનું સૌથી મજબૂત સૈન્ય સંગઠન માનવામાં આવે છે.
સુકમાના પોલીસ અધિક્ષક કિરણ ચવ્હાણે જણાવ્યું હતું કે નક્સલીઓએ વરિષ્ઠ પોલીસ અને સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF) અધિકારીઓ સમક્ષ આત્મસમર્પણ કર્યું હતું. તેમણે કહ્યું કે તેઓ પોકળ માઓવાદી વિચારધારા, નિર્દોષ આદિવાસીઓ પર નક્સલીઓ દ્વારા કરવામાં આવતા અત્યાચારો અને પ્રતિબંધિત સંગઠનમાં વધતા આંતરિક મતભેદોથી નિરાશ થયા છે.
ક્યા ક્યા નક્સલીઓએ સરેન્ડર કર્યું?
અધિકારીએ કહ્યુ કે લોકેશ ઉર્ફ પોડિયમ ભીમા (35), રમેશ ઉર્ફ કલમુ કેસા (23), કવાસી માસા (35), મડકમ હૂંગા (23), નુપ્પો ગંગી (28), પુનેમ દેવે (30), પારસ્કી પાંડે (22), મદવી જોગા (20), નુપ્પો લચ્છુ (25), પોડિયામ સુખરામ (24) અને દૂધી ભીમા પર 8-8 લાખ રૂપિયાનું ઇનામ હતું.
આ સિવાય તેમણે જણાવ્યુ કે ચાર અન્ય નક્સલીઓ પર 5-5 લાખ રૂપિયા, એક નક્સલી પર 3 લાખ રૂપિયા અને સાત નક્સલીઓ પર 1-1 લાખ રૂપિયાનું ઇનામ હતું.
નક્સલવાદ કેમ છોડી રહ્યાં છે નક્સલી?
કિરણ ચવ્હાણે કહ્યું, "લોકેશ ડિવિઝનલ કમિટી મેમ્બર હતો અને અન્ય આઠ માઓવાદીઓની PLGA બટાલિયન નંબર 1ના સભ્યો હતા. આ ઘટનાક્રમ દર્શાવે છે કે સુકમા-બીજાપુર આંતર-જિલ્લા સરહદ પર સુરક્ષા દળો દ્વારા હાથ ધરવામાં આવેલા નક્સલ વિરોધી કાર્યવાહીને કારણે આ બટાલિયન નબળી પડી રહી છે અને તેના સભ્યો વધુને વધુ નક્સલવાદ છોડી રહ્યા છે."
અધિકારીએ જણાવ્યું હતું કે આત્મસમર્પણ કરનારા કેટલાક નક્સલીઓ આમદાઈ, જાગરગુંડા અને કેરળપાલ વિસ્તારોની માઓવાદી સમિતિઓમાં સક્રિય હતા. તેમણે કહ્યું કે તમામ આત્મસમર્પણ કરનારા નક્સલીઓને 50,000 રૂપિયાની સહાય આપવામાં આવી છે અને તેમનું સરકારી નીતિ મુજબ પુનર્વસન કરવામાં આવશે.