શિમલામાં 5 માળની બિલ્ડિંગ ભારે વરસાદમાં પત્તાના મહેલની જેમ ધરાશાયી થઇ હતી. ભટ્ટાકુફર વિસ્તારમાં માઠૂ કોલોનીમાં એક 5 માળની બિલ્ડિંગ ધરાશાયી થઇ હતી. જોકે, આ ઘટનામાં કોઇનો જીવ ગયો નથી. આ બિલ્ડિંગને ગત રાત્રે પહેલા જ ખાલી કરાવવામાં આવ્યું હતું. કહેવામાં આવે છે કે ફોરલેન નિર્માણને કારણે બિલ્ડિંગમાં તીરાડો પડી ગઇ હતી.
5 માળની બિલ્ડિંગ ભારે વરસાદમાં ધરાશાયી
સોમવાર સવારે આ બિલ્ડિંગ ધરાશાયી થઇ હતી. આ બિલ્ડિંગ સાથે જોડાયેલી અન્ય બિલ્ડિંગ પણ ધરાશાયી થવાનો ખતરો ઉભો થયો છે. લેન્ડસ્લાઇડ અને બિલ્ડિંગ તૂટવાની ઘટના બાદ લોકો ડરી ડરીને જીવવા મજબૂર બન્યા છે. કેટલાક લોકો પોતાના ઘરને ખાલી કરી રહ્યાં છે.
હાઇવેના કામથી બિલ્ડિંગમાં પડી તીરાડ
સ્થાનિક લોકોનો આરોપ છે કે બિલ્ડિંગ પાસેથી ફોર લેન હાઇવેનું કામ ચાલી રહ્યું છે. હાઇવેના કામ બાદ જ બિલ્ડિંગમાં તીરાડો પડી ગઇ હતી.એક દિવસ પહેલા જ બિલ્ડિંગને ખાલી કરાવવામાં આવી હતી જેને કારણે મોટી દુર્ઘટના ટળી હતી.
હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદનું એલર્ટ
હિમાચલ પ્રદેશમાં હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે. કુલ્લૂમાં યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. કુલ્લૂ અને કાંગડામાં વાદળ ફાટતા ભારે વિનાશ વેરાયો છે. હિમાચલ પ્રદેશમાં આગામી કેટલાક દિવસ ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે.