Home / India : A plane carrying 205 immigrants left for India from America, 33 are said to be Gujaratis!

અમેરિકાથી 205 માઈગ્રન્ટ્સને લઈને ભારત આવવા પ્લેન રવાના, 33 ગુજરાતીઓ હોવાની માહિતી!

અમેરિકાથી 205 માઈગ્રન્ટ્સને લઈને ભારત આવવા પ્લેન રવાના, 33 ગુજરાતીઓ હોવાની માહિતી!

રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના આદેશ બાદ અમેરિકાએ ગેરકાયદે ઇમિગ્રન્ટ્સને બહાર કાઢવાનું શરૂ કરી દીધું છે. સોમવારે એક અમેરિકન મિલિટરી પ્લેન અમેરિકાથી માઈગ્રન્ટ્સને લઈને ભારત આવવા રવાના થઇ ગયું છે. આવતીકાલે (5 ફેબ્રુઆરી, 2025) આ વિમાન ભારત પહોંચી શકે છે. 

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

ન્યૂઝ એજન્સી રોયટર્સના જણાવ્યા અનુસાર C-17 લશ્કરી વિમાન પ્રવાસીઓ સાથે રવાના થયું છે. અમેરિકામાં ગેરકાયદે રીતે રહેતા 205 ઇમિગ્રન્ટ્સનું એક જૂથ અમેરિકન સૈન્ય વિમાન દ્વારા ભારત લાવવામાં આવી રહ્યું છે.

205 ઇમિગ્રન્ટ્સ જૂથમાં 33 ગુજરાતીઓ હોવાની માહિતી

સૂત્રો દ્વારા જાણકારી મળી રહી છે કે આ 205 ઇમિગ્રન્ટ્સ જૂથમાં 33 ગુજરાતીઓ હોવાની માહિતી સામે આવી રહી છે. જો કે આ મામલે ભારત સરકારના વિદેશ મંત્રાલય કે ગુજરાત સરકાર દ્વારા હજુ સુધી કોઈ અધિકારીક પૃષ્ટિ કરવામાં આવી નથી. 

205 લોકો સાથે દિલ્હીમાં ઉતરી શકે છે વિમાન

સૂત્રોને ટાંકીને, અહેવાલ છે કે ગેરકાયદે પ્રવાસી ભારતીયોની પ્રથમ બેચ અમેરિકન C-147 પ્લેન દ્વારા ભારત આવી રહી છે. આ આર્મીના વિમાને અમેરિકાના સેન એન્ટોનિયોથી ઉડાન ભરી હતી. ભારતીય ઈમિગ્રન્ટ્સને લઈ જતું અમેરિકન એરફોર્સનું આ પ્લેન દિલ્હીમાં ઉતરી શકે છે. જો કે હજુ સુધી આ વાતની પુષ્ટિ થઈ નથી. જર્મનીમાં રિફ્યુઅલિંગ માટે પ્લેન થોડા સમય માટે રોકાઈ શકે છે.

ગેરકાયદે ઇમિગ્રન્ટ્સ સામે ટ્રમ્પની કાર્યવાહી

રાષ્ટ્રપતિ ટ્રમ્પના વ્હાઇટ હાઉસ પરત ફર્યા બાદ ભારતમાં આ પ્રથમ દેશનિકાલ છે. ટ્રમ્પે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને વિદેશમંત્રી એસ જયશંકર સાથે અમેરિકામાં ભારતીય ગેરકાયદે ઇમિગ્રન્ટ્સના મુદ્દા પર ચર્ચા કરી હતી. અગાઉ, ભારત ગેરકાયદે ઇમિગ્રન્ટ્સને પરત લેવા માટે સંમત થયું હતું અને લગભગ 18,000 ગેરકાયદે ઇમિગ્રન્ટ્સને પરત લેવાની વાત કરી હતી.

ભારતીયો પાસે સૌથી વધુ H-1B વિઝા

બ્લૂમબર્ગના રિપોર્ટ્સ મુજબ ભારત અને અમેરિકાએ લગભગ 18,000 ભારતીય ઇમિગ્રન્ટ્સની ઓળખ કરી છે જેઓ ગેરકાયદે રીતે અમેરિકામાં છે. અમેરિકા દ્વારા જારી કરવામાં આવેલા મોટાભાગના H-1B વિઝા ભારતીયોને મળ્યા છે. ટ્રમ્પે તેમના ચૂંટણી પ્રચાર દરમિયાન કહ્યું હતું કે, 'જ્યારે હું ફરીથી ચૂંટાઈશ ત્યારે અમે અમેરિકન ઈતિહાસનું સૌથી મોટું દેશનિકાલ અભિયાન શરૂ કરીશું.'

ટ્રમ્પ ‘દેશનિકાલ’ માટે લશ્કરી વિમાનનો ઉપયોગ કેમ કરવા માંગે છે?

ટ્રમ્પ વારંવાર ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને "એલિયન" અને "ગુનેગારો" તરીકે ઓળખાવે છે જેમણે યુનાઇટેડ સ્ટેટ્સ પર "આક્રમણ" કર્યું છે. લશ્કરી વિમાનોમાં ઇમિગ્રન્ટ્સને લાદવામાં આવી રહ્યા હોવાના દ્રશ્યો એ સંદેશનો ભાગ લાગે છે કે ટ્રમ્પ આવા "ગુનાઓ" પ્રત્યે કડક છે. વિમાનોમાં લાવવામાં આવતા ઇમિગ્રન્ટ્સ પર બેડીઓ અને હાથકડી લગાવવાની રીત પણ આ જ બાબતને અનુરૂપ હોય તેવું લાગે છે.

તાજેતરમાં ટ્રમ્પે કહ્યું, "ઇતિહાસમાં પહેલી વાર, અમે ગેરકાયદેસર એલિયન્સને શોધી રહ્યા છીએ અને તેમને લશ્કરી વિમાનોમાં ભરી રહ્યા છીએ અને તેમને તે સ્થાનો પર પાછા લઈ જઈ રહ્યા છીએ જ્યાંથી તેઓ આવ્યા હતા."

અમેરિકન સેનાની પણ મદદ માંગી 

ગેરકાયદે ઈમિગ્રન્ટ્સ વિરુદ્ધના આ અભિયાનમાં ટ્રમ્પ પ્રશાસને અમેરિકી સેનાની પણ મદદ માંગી છે. આ માટે યુએસ-મેક્સિકો બોર્ડર પર વધારાના સૈનિકો તૈનાત કરવામાં આવ્યા છે અને સ્થળાંતર કરનારાઓને રાખવા માટે સૈન્ય મથકોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ગેરકાયદે વસાહતીઓને પાછા મોકલવા માટે લશ્કરી વિમાનોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ અંતર્ગત માઈગ્રન્ટ્સને ગ્વાટેમાલા, પેરુ અને હોન્ડુરાસ જેવા દેશોમાં મોકલવામાં આવ્યા છે. રિપોર્ટ અનુસાર, ભારત સૌથી દૂરનું સ્થાન છે જ્યાં દેશનિકાલ ફ્લાઇટ જશે.

ટ્રમ્પ અને પીએમ મોદીની ઈમિગ્રેશન પર ચર્ચા 

ડોનાલ્ડ ટ્રમ્પે ગયા મહિને પીએમ મોદી સાથે ફોન પર વાતચીત દરમિયાન ગેરકાયદે ઇમિગ્રેશન અંગે ચર્ચા કરી હતી. ટ્રમ્પે કહ્યું કે ગેરકાયદે ઇમિગ્રન્ટ્સને પરત લેવા માટે ભારત યોગ્ય પગલાં લેશે. વ્હાઇટ હાઉસના જણાવ્યા અનુસાર બંને નેતાઓ વચ્ચે સકારાત્મક અને સહયોગને લઈને વાતચીત થઈ.

 

 

Related News

Icon