
કેરળમાંથી એક હૃદયદ્રાવક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. કોચી નજીક ત્રિપુનિથુરામાં ધોરણ 9 ના વિદ્યાર્થી મિહિર અહેમદે તેના ફ્લેટ પરથી કૂદીને આત્મહત્યા કરી લેતાં સમગ્ર પરિવારમાં શોક છવાઈ ગયો છે. કેરળના એર્ણાકુલમમાં 15 વર્ષીય વિદ્યાર્થીના આપઘાત પાછળ દર્દનાક કારણ બહાર આવ્યું છે. શાળામાં થતા રેગિંગથી કંટાળીને તેણે આપઘાત કર્યો હોવાનું પીડિતની માતાએ જણાવ્યું છે. વિદ્યાર્થીની માતા રજના પીએમે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી કે, ‘મિહિરને માર મારવામાં આવ્યો, અભદ્ર શબ્દો બોલવામાં આવ્યા, અને અંતિમ દિવસે તેની સાથે ખૂબ ખરાબ વર્તન કર્યું, ક્રુરતાના કૃત્યોના કારણે તે ભાંગી પડ્યો.’
મિહિરની માતાએ તપાસ કરી
ઉલ્લેખનીય છે, મિહિર નામના એક વિદ્યાર્થીએ 15 જાન્યુઆરી, 2025ના રોજ એર્નાકુલમના ત્રિપુનિથુરામાં સ્થિત એપાર્ટમેન્ટના 26માં માળેથી કૂદીને આપઘાત કર્યો હતો. તેની માતાએ એક સોશિયલ મીડિયા પોસ્ટ મારફત જણાવ્યું હતું કે, મેં મારા પતિ સાથે મળી મારા પુત્રના મોત પાછળનું કારણ જાણવાનું શરૂ કર્યું હતું. તેના મિત્રો, સહપાઠીઓ સાથે વાતચીત અને સોશિયલ મીડિયા મેસેજના માધ્યમથી અમે સત્ય જાણ્યું.
મિહિરને ખૂબ હેરાન કરાયો
મિહિરની માતાએ જણાવ્યું કે, ‘મિહિર પર ક્રૂર અત્યાચાર કરવામાં આવ્યો હતો. સ્કૂલ અને સ્કૂલ બસમાં વિદ્યાર્થીઓના એક ગ્રૂપ દ્વારા રેગિંગ થઈ રહ્યું હતું. તેને ધમકાવવામાં આવ્યો હતો. તેને અભદ્ર શબ્દો કહી માર મારવામાં આવ્યો હતો. તેની મોતના છેલ્લા દિવસે પણ તેના પર ખૂબ અત્યાચાર કરવામાં આવ્યો હતો. તેને જબરજસ્તી ટોયલેટમાં લઈ ગયાં. જ્યાં તેને ટોયલેટ સીટ ચાટવા કહ્યું અને ફ્લશ કરતી વખતે તેનું માથું ટોયલેટમાં ધકેલી દીધું હતું. ક્રૂરતાના આ કૃત્યોથી તે ભાંગી પડતા આપઘાત કરી લીધો.’
રંગભેદનો ભોગ બન્યો
મિહિરના સ્કીન કલરના કારણે તેની સાથે રંગભેદ થતો હતો. તેને હેરાન કરનારાઓ ખૂબ ક્રૂર માનસિકતા ધરાવતા લોકો હતો. તેમણે મિહિરના આપઘાત બાદ ગ્રૂપમાં મેસેજ મોકલ્યો ‘એફકે નિગ્ગા...’ અર્થાત વાસ્તવમાં મરી ગયો. તેઓએ તેના મોતની ઉજવણી કરી. તેની માતાએ પોતાની પોસ્ટમાં આ ગ્રૂપ મેસેજના અમુક સ્ક્રિનશોટ્સ પણ રજૂ કર્યા હતા.
ડીજીપીને કાર્યવાહી કરવા અપીલ
રજનાએ જણાવ્યું કે, પરિવારે પુરાવાઓ સાથે મુખ્યમંત્રી કાર્યાલય અને ડીજીપીને વિસ્તૃત અપીલ કરી છે. જેમાં તાત્કાલિક ધોરણે અને નિષ્પક્ષ તપાસ કરવાની માગ કરી છે. હિલ પેલેસ પોલીસ સ્ટેશને એફઆઈઆર નોંધી છે. પરંતુ પરિવારને ભય છે કે, ડિજિટલ પુરાવા એકઠા કરવામાં વિલંબ કરવામાં આવ્યો તો ગુનેગારો પોતાનો ટ્રેક છુપાવી શકે છે. નોંધનીય છે, 15 જાન્યુઆરી, 2025ના રોજ મિહિર શાળાએ પરત ફર્યા બાદ 26માં માળે ગયો હતો. જ્યાંથી તેણે છલાંગ લગાવી આપઘાત કર્યો હતો.