
Wakf Board Amendment Bill : કેન્દ્રીય લઘુમતી બાબતોના પ્રધાન કિરેન રિજિજુએ આજે લોકસભામાં વકફ બોર્ડ કાયદામાં સુધારા સંબંધિત બે મહત્વપૂર્ણ બિલ રજૂ કર્યા છે. વકફ બોર્ડ એક્ટમાં સુધારા બિલ રજૂ થતાં જ લોકસભામાં હોબાળો શરૂ થયો હતો. વિપક્ષી સાંસદોએ આનો વિરોધ કર્યો હતો અને કારણો રજૂ કર્યા હતા. જો કે અખિલેશ યાદવની એક ટિપ્પણી પર અમિત શાહ ભડકી ઉઠ્યા હતા અને ઉભા થઈએ જવાબ આપ્યો હતો.
રાજનીતિના ભાગરૂપે બિલ રજૂ કરવામાં આવી રહ્યું છે - અખિલેશ યાદવ
સમાજવાદી પાર્ટીના સાંસદ અખિલેશ યાદવે કહ્યું કે આ બિલ જાણી જોઈને રાજનીતિના ભાગરૂપે રજૂ કરવામાં આવી રહ્યું છે. ભાજપ તેના નિરાશ અને કેટલાક કટ્ટર સમર્થકોને સંતોષવા માટે આ બિલ લાવવાનો પ્રયાસ કરી રહી છે. વકફ બોર્ડમાં બિન-મુસ્લિમોને સમાવવાનું શું વ્યાજબી છે? સ્પીકર ઓમ બિરલા અંગે અખિલેશે કહ્યું કે મેં તમને કહ્યું કે તમે લોકશાહીના જજ છો. મેં સાંભળ્યું છે કે તમારી પાસેથી પણ કેટલાક અધિકારો છીનવાઈ રહ્યા છે, જેના માટે અમારે લડવું પડશે.
અખિલેશ યાદવ પર ભડક્યા અમિત શાહ
જ્યારે અખિલેશ યાદવે કહ્યું કે સ્પીકરનો અધિકાર છીનવાઈ રહ્યો છે ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ઉભા થયા. તેમણે કહ્યું કે સ્પીકરનો અધિકાર માત્ર વિપક્ષનો નથી, પરંતુ સમગ્ર ગૃહનો છે. તમે આ રીતે વાત કરી શકતા નથી. તમે સ્પીકરની સત્તાના વાલી નથી. આ દરમિયાન ગૃહમાં ભારે હોબાળો થયો હતો. સ્પીકરે કહ્યું કે આસન પર કોઈ ટિપ્પણી કરવી જોઈએ નહીં.