
તાજ નગરી આગરાના એક મંદિરમાં ઈરાની પ્રવાસીએ નમાઝ પઢતા વિવાદ મચ્યો છે. સ્થાનિક લોકોએ મંદિરમાં નમાજ પઢવા બાબતે વિરોધ કર્યો ત્યારે ઈરાની પરિવારે અજાણતા જ આવી ભૂલ થયાનું સ્વીકાર્યું હતું. આ માટે તેમણે લોકોની માફી પણ માંગી હતી. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
આ પણ વાંચોઃ કેનેડાના મંદિરમાં ખાલિસ્તાનીઓ સાથે વિરોધ કરનાર પોલીસકર્મી સસ્પેન્ડ, હિંદુઓ પર હુમલામાં હતો સામેલ
પોલીસના જણાવ્યા અનુસાર, રવિવારે ઈરાનની એક યુનિવર્સિટીના પ્રોફેસર પોતાની પત્ની અને પુત્રી સાથે તાજમહેલ જોવા આવ્યા હતા. તાજમહેલની મુલાકાત લીધા બાદ તેઓ બહાર આવ્યા અને આ સમયે નમાઝનો સમય હતો. તાજમહેલના પૂર્વ દરવાજા પાસે નમાઝ અદા કરવા માટે સ્વચ્છ જગ્યા ન મળતાં તેઓ આજુબાજુ જગ્યા શોધવા લાગ્યા જ્યાં તેઓ નમાજ અદા કરી શકે.
https://twitter.com/preetikhatri22/status/1853441791346737221
આજુબાજુમાં નજર કરતાં થોડે આગળ એક સ્વચ્છ જગ્યા દેખાઈ. જ્યાં તેઓએ અંદર જઈને નમાજ અદા કરી. જ્યારે તેમની પુત્રી અને પત્ની બહાર ઉભા રહ્યા. કહેવામાં આવી રહ્યું છે કે જ્યારે ઈરાની પરિવાર મંદિર પહોંચ્યો ત્યારે ત્યાં કોઈ નહોતું. મંદિરનો દરવાજો પણ ખુલ્લો હતો. તેઓ જાણતા ન હતા કે આ મંદિર છે. તેમણે સ્વચ્છ જગ્યા જોઈ એટલે ત્યાં નમાઝ પઢવા લાગ્યા હતા.
સ્થાનિક લોકોએ જ્યારે ઈરાની મહિલાઓને મંદિર પાસે જોઈ તો તેમણે કારણ પૂછ્યું. મહિલાઓએ આખી વાત જણાવી તો લોકોએ વિરોધ શરૂ કરી દીધો. બબાલ મચતાં પ્રોફેસરે કહ્યું કે, મને કોઈ ખબર નથી કે આ મંદિર છે. તેમણે તો માત્ર એક સ્વચ્છ જગ્યા જોઈ અને ત્યાં નમાઝ પઢવાનું શરૂ કર્યું. અમે તમારી માફી માગીએ છીએ. પરંતુ લોકોનો વિરોધ ચાલુ રહ્યો. થોડા સમય પછી પોલીસ ત્યાં પહોંચી અને ઈરાની પ્રવાસીઓને મદદનીશ પોલીસ કમિશનર (તાજ સુરક્ષા)ની ઓફિસમાં લઈ ગઈ. ત્યાં તેમનો પાસપોર્ટ ચેક કરવામાં આવ્યો હતો.
ઈરાની પ્રવાસીએ પૂછપરછ દરમિયાન પોલીસને જણાવ્યું કે, તે નમાજ પઢવા માટે સ્વચ્છ જગ્યા શોધી રહ્યો હતો. તેને ખબર નહોતી કે તે જ્યાં નમાઝ અદા કરી રહ્યો હતો તે મંદિર છે. ACP (તાજ સિક્યુરિટી) સૈયદ અરીબ અહેમદે કહ્યું કે ઈરાની પ્રોફેસરે પોતાની ભૂલ સ્વીકારી લીધી અને પોલીસને લેખિત માફીનામું આપ્યા બાદ તેને છોડી દીધો.