આમ આદમી પાર્ટીના પ્રમુખ અરવિંદ કેજરીવાલના 'રાજકીય ગુરૂ' અન્ના હઝારે સાંકેતિક રીતે જણાવ્યું કે, આખરે કેમ દિલ્હીની જનતાનો વિશ્વાસ આમ આદમી પાર્ટી પરથી ઓછો થઈ રહ્યો છે. વિધાનસભા ચૂંટણીમાં મતગણતરી દરમિયાન ભાજપે બહુમતનો આંકડો પાર કરી લીધો છે. ત્યારે દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ખરાબ દેખાવ પર સામાજિક કાર્યકર્તા અન્ના હઝારેએ પોતાની પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે, 'ચૂંટણી લડતા સમયે ઉમેદવારનો આચાર-વિચાર શુદ્ધ હોવો, જીવન નિષ્કલંક હોવું જરૂરી છે'.
AAPના ખરાબ દેખાવનું કારણ જણાવ્યું
અન્ના હઝારેએ મીડિયા સાથે વાત કરતાં કહ્યું કે, 'એક રાજનેતાના જીવનમાં ત્યાગ કરવાની અને પોતાના અપમાનને પીવાની શક્તિ હોવી જોઈએ. જો આ ગુણ ઉમેદવારમાં છે, તો મતદારોનો વિશ્વાસ હોય છે કે, આ અમારા માટે કંઈક કરશે. મેં વારંવાર કહ્યું પરંતુ, તેમના મગજમાં ન ઉતર્યું. આ દરમિયાન દારૂનો મુદ્દો આવી ગયો. દારૂ કેમ આવ્યો... લાલચ અને પૈસાના કારણે. એવામાં લોકોને તક મળી, જનતાનો વિશ્વાસ ડગ્યો અને આ સ્થિત જોવા મળી રહી છે'.
અરવિંદ કેજરીવાલથી નારાજ છે અન્ના હઝારે?
નોંધનીય છે કે, પોતાના આ નિવેદનથી અન્ના હઝારે અરવિંદ કેજરીવાલથી નારાજ હોવાનું દેખાઈ રહ્યું છે. તેમણે કેજરીવાલનું નામ તો નથી લીધું પરંતુ, ઈશારામાં જ કહી દીધું કે, તે પોતાના માર્ગથી ભટકી ગયાં છે, જેના પર તેઓ અન્નાનો હાથ પકડીને આગળ વધ્યા હતાં.
પોતે ચારિત્ર્યની વાત કરે છે, પરંતુ...
અન્ના હઝારે કહ્યું કે, 'લોકોએ જોયું કે તે (અરવિંદ કેજરીવાલ) ચારિત્ર્યની વાત કરે છે. પરંતુ, દારૂનું સેવન કરે છે. આવું ન હોવું જોઈએ. રાજકારણમાં આરોપો લાગતા રહે છે. કોઈને સાબિત કરવું પડે છે કે, તે ગુનેગાર નથી. પરંતુ સત્ય સત્ય જ રહેશે, તેને કોઈ બદલી નહીં શકે. જ્યારે બેઠક થઈ તો મેં નક્કી કર્યું હતું કે, હું પાર્ટીનો ભાગ નહીં રહું અને તે દિવસથી હું પાર્ટીથી દૂર છું'.