Home / India : Aurangzeb's tomb will not be removed even if the Fadnavis government wants it in Maharashtra

મહારાષ્ટ્રમાં ફડણવીસ સરકાર ઈચ્છશે તો પણ નહીં હટે ઔરંગઝેબની કબર, જાણો શું છે કારણ?

મહારાષ્ટ્રમાં ફડણવીસ સરકાર ઈચ્છશે તો પણ નહીં હટે ઔરંગઝેબની કબર, જાણો શું છે કારણ?

Aurangzeb Tomb Controversy: તાજેતરમાં રજૂ થઈને સુપરહિટ થયેલી ફિલ્મ 'છાવા'માં મરાઠા યોદ્ધા છત્રપતિ સંભાજી મહારાજ અને ઔરંગઝેબ વચ્ચેનો સંઘર્ષ દેખાડવામાં આવ્યો છે, જેને લીધે મહારાષ્ટ્રમાં ફરીથી એ ક્રૂર મુઘલ બાદશાહનો મુદ્દો ગરમાયો છે. ઔરંગઝેબની કબર મહારાષ્ટ્રના ખુલદાબાદ શહેરમાં આવેલી છે અને કેટલાક દક્ષિણપંથી જૂથોએ એ કબરને તોડી પાડવાની માંગ કરી છે. 

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

ઔરંગઝેબના નામે ફાટી ઊઠ્યું કોમી દંગલ

ઔરંગઝેબના મુદ્દે સોમવારે નાગપુરમાં હિંસા ફાટી નીકળી હતી. હિંદુ સંગઠનો દ્વારા મુસ્લિમોના ધાર્મિક ગ્રંથનું અપમાન કર્યાની અફવા ફેલાઈ હતી. એ પછી રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાને લઈને ચિંતા વધી ગઈ છે. દરમિયાન આ બાબતે મહારાષ્ટ્ર સરકાર અને કેન્દ્ર સરકારના પ્રતિભાવો પર પણ ચર્ચા ચાલી રહી છે. લોકો પૂછી રહ્યા છે કે શું સરકાર ઔરંગઝેબની કબર હટાવી શકશે?

વિવાદના મૂળમાં હતું એક નેતાનું નિવેદન

ઔરંગઝેબની કબરનો આ વિવાદ સમાજવાદી પાર્ટીના ધારાસભ્ય અબુ આઝમીના નિવેદનથી શરૂ થયો હતો. તેણે ફિલ્મ 'છાવા'માં બતાવવામાં આવેલી કેટલીક બાબતોને ખોટી ગણાવી હતી. આ ફિલ્મમાં ઔરંગઝેબને સંભાજી મહારાજને ખૂબ શારીરિક ત્રાસ આપતો અને તેમની હત્યા કરતો દર્શાવાયો છે. આઝમીના નિવેદનથી રાજકીય ખળભળાટ મચી ગયો હતો. તેમને મહારાષ્ટ્ર વિધાનસભાના બજેટ સત્રમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. બીજેપી સાંસદ અને છત્રપતિ શિવાજી મહારાજના વંશજ ઉદયનરાજે ભોંસલેએ ઔરંગઝેબની કબર તોડી પાડવાની માંગ કરી હતી. એ પછી હિંદુ સંગઠનોએ પણ આ મુદ્દે તીવ્ર વિરોધ શરૂ કર્યો હતો.

ઔરંગઝેબની કબર આ કારણસર હટાવી નથી શકાતી

આ કબર ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ ખાતા (ASI – આર્કિઓલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયા)ના રક્ષણ હેઠળ આવે છે. ASI તેને 'રાષ્ટ્રીય ધરોહર' માને છે, તેથી તેની જાળવણી કેન્દ્ર સરકાર કરે છે. મહારાષ્ટ્ર સરકાર પાસે તેને દૂર કરવાની સત્તા નથી.

ASI કેવા સ્થળોનું રક્ષણ કરે છે?

ASI સંસ્કૃતિ મંત્રાલય હેઠળ આવે છે. તે ભારતના ઘણા ઐતિહાસિક સ્થળોનું રક્ષણ કરે છે, જેમાં મહેલો, કિલ્લાઓ, મંદિરો, ચર્ચો, મસ્જિદો, કબરો, વાવ જેવા પુરાતત્વીય સ્થળોનો સમાવેશ થાય છે.

ASI સેંકડો સ્મારકોની કરે છે જાળવણી 

સો-બસો નહીં, આપણા દેશમાં કુલ મળીને 3,697 સ્મારકો છે જેની સુરક્ષા ASI કરે છે! આ સ્મારકોની સુરક્ષા 1958 માં બનાવાયેલા 'પ્રાચીન સ્મારકો અને પુરાતત્વીય સ્થળો અને અવશેષ ધારા' (Ancient Monuments and Archaeological Sites and Remains Act - AMASR કાયદો) હેઠળ થાય છે.
 
કેવા નિયમો લાગુ પડે છે?

AMASR કાયદો નીચે મુજબના નિયમો

સંરક્ષિત સ્મારકની આસપાસ કોઈ બાંધકામ કરી શકાતું નથી. કલમ 19(1) કહે છે કે, કોઈપણ વ્યક્તિ કોઈપણ સંરક્ષિત વિસ્તારમાં બાંધકામ, ખોદકામ અથવા કોઈપણ પ્રકારની તોડફોડ કરી શકશે નહીં. 
જો કોઈ વ્યક્તિ સ્મારકને તોડે છે અથવા બીજી જગ્યાએ હટાવે છે, તો એ ગુનો ગણાશે અને તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવે છે. 
ASI તેના દ્વારા સંરક્ષિત સ્મારકોનું નિયમિતપણે નિરીક્ષણ કરે છે. 
કોઈપણ ગેરકાયદેસર કામ કે નુકસાનના કિસ્સામાં સ્થાનિક વહીવટીતંત્ર અને પોલીસની મદદથી કાર્યવાહી કરવામાં આવે છે.

સંરક્ષિત સ્મારકને ASI ની યાદીમાંથી કોણ દૂર કરી છે?

માત્ર કેન્દ્ર સરકાર પાસે જ ASI ની યાદીમાંથી કોઈ સ્મારકને હટાવવાની સત્તા હોય છે. જો કેન્દ્ર સરકારને લાગે કે જે-તે સ્મારકનું હવે રાષ્ટ્રીય રીતે કોઈ મહત્ત્વ નથી, તો તેને યાદીમાંથી હટાવી શકે છે. આ જોગવાઈ AMASR એક્ટની કલમ 35 માં છે. અત્યાર સુધી તો કેન્દ્ર સરકારે ઔરંગઝેબની કબરને ASI ની યાદીમાંથી હટાવવા માટે કોઈ સત્તાવાર પ્રક્રિયા શરૂ કરી નથી, પરંતુ લોકલાગણીને માન આપવાને નામે સરકાર આમ કરી શકે છે.

દેવેન્દ્ર ફડણવીસે શું કહ્યું?

આ મુદ્દે મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કહ્યું છે કે, ‘સરકારે ઔરંગઝેબની કબરની રક્ષા કરવી પડે છે એ દુર્ભાગ્યપૂર્ણ છે. અમે તો તેને દૂર નહીં કરી શકીએ, પણ જો કોઈ ઔરંગઝેબનો મહિમા ગાવાનો પ્રયાસ કરશે તો તેને સફળ થવા દેવામાં આવશે નહીં.’ તેમણે એ પણ યાદ દેવડાવ્યું હતું કે, કોંગ્રેસની સરકાર હતી ત્યારે આ કબરને ASI હેઠળ લાવવામાં આવી હતી.

Related News

Icon