
ભારતીય જનતા પાર્ટીને જલદી નવો અધ્યક્ષ મળવા જઇ રહ્યો છે. સંગઠનને ફેબ્રુઆરી સુધી પસંદગી પ્રક્રિયા પૂર્ણ થવાની આશા છે. માનવામાં આવે છે કે દિલ્હી વિધાનસભા ચૂંટણી પછી ભાજપને નવો અધ્યક્ષ મળી જશે.
20 ફેબ્રુઆરી સુધી મળશે ભાજપને નવો અધ્યક્ષ
દિલ્હીમાં 5 ફેબ્રુઆરીએ વિધાનસભા ચૂંટણી માટે મતદાન યોજાશે અને 8 ફેબ્રુઆરીએ પરિણામ આવશે. એવામાં ભાજપનું પુરૂ ફોકસ દિલ્હી ચૂંટણી પર છે અને જીત માટે સંગઠન મહેનત કરી રહ્યું છે. એવામાં જેપી નડ્ડાના અધ્યક્ષ રહેતા જ ભાજપ દિલ્ગી વિધાનસભાની ચૂંટણી લડશે.
પાર્ટીના સુત્રોનું કહેવું છે કે 10 ફેબ્રુઆરીથી 20 ફેબ્રુઆરી વચ્ચે ભાજપના અધ્યક્ષની ચૂંટણી યોજાઇ શકે છે. ભાજપમાં સંગઠન ચૂંટણીની પ્રક્રિયા ચાલી રહી છે.
રાષ્ટ્રીય પરિષદ અને પ્રદેશ પરિષદના સભ્યની પસંદગી થઇ રહી છે
રાષ્ટ્રીય પરિષદ અને પ્રદેશ પરિષદના સભ્યની પણ પસંદગી કરવામાં આવી રહી છે જે રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણીમાં મહત્ત્વની ભૂમિકા ભજવશે અને નવા અધ્યક્ષની ચૂંટણી કરશે. જોકે, હજુ સુધી માત્ર ચાર રાજ્યના પ્રદેશ અધ્યક્ષની ચૂંટણી જ થઇ છે.
અડધા રાજ્ય એકમની ચૂંટણી જરૂરી
ભાજપના બંધારણ અનુસાર, રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી માટે ઓછામાં ઓછા 50 ટકા રાજ્યના સંગઠનમાં ચૂંટણી પુરી થવી જરૂરી છે. ભાજપના નેતાઓ અનુસાર, પહેલાથી નક્કી કાર્યક્રમ અનુસાર જ સંગઠન ચૂંટણી ચાલી રહી છે અને તે સમય પર પૂર્ણ કરી લેવામાં આવશે. સંગઠનનું કહેવું છે કે માત્ર મહારાષ્ટ્ર અને હરિયાણામાં વિધાનસભા ચૂંટણીને કારણે સદસ્યતા અભિયાન મોડુ શરૂ થયું છે.
આ પણ વાંચો: ગુજરાતમાં ભાજપ શહેર અને જિલ્લા પ્રમુખોનું કોકડું ગૂંચવાયું, જાણો ક્યારે થશે જાહેરાત
નડ્ડાનો કાર્યકાળ પૂર્ણ
જેપી નડ્ડાએ પોતાનો ત્રણ વર્ષનો કાર્યકાળ પૂર્ણ કરી લીધો છે. અધ્યક્ષ તરીકે નડ્ડાનો કાર્યકાળ ગત વર્ષે જાન્યુઆરીમાં જ સમાપ્ત થઇ ગયો હતો પરંતુ લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખતા તેમનો કાર્યકાળ આગળ વધારવામાં આવ્યો હતો.
જેપી નડ્ડાએ ફેબ્રુઆરી 2020માં પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષનું પદ સંભાળ્યું હતું. તે આ સમયે મોદી કેબિનેટનો ભાગ છે અને કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રીની જવાબદારી સંભાળી રહ્યાં છે. નવા ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાની જગ્યા લેશે.