
કર્ણાટક વિધાનસભામાં શુક્રવારે 48 રાજકારણીઓના હની ટ્રેપના આરોપો બાદ ભારે હોબાળો થયો હતો. ભાજપના ધારાસભ્યો વિધાનસભાના વેલમાં ઘૂસી ગયા. આ પછી તેમણે સ્પીકરની ખુરશી પર કાગળો ફેંક્યા. વિધાનસભામાં સ્પીકર પર કાગળ ફેંકાતા ભારે હોબાળો થયો હતો. સ્પીકર ઉપર ફેંકેલા કાગળો ન પડે તે માટે માર્શલે મોર્ચો સંભાળ્યો હતો. ભાજપના ધારાસભ્યોના ભારે હોબાળા બાદ વિધાનસભાની કાર્યવાહી સ્થગિત કરવામાં આવી હતી.
સીએમ સિદ્ધારમૈયા ગુસ્સે ભરાયા
વિધાનસભામાં ભાજપના ધારાસભ્યો દ્વારા વિરોધ કરાતા મુખ્યમંત્રી સિદ્ધારમૈયા ગુસ્સે ભરાયા હતા. શાસક પક્ષના ધારાસભ્યો ગૃહમાં બેઠા હતા, ત્યારે બીજી તરફ, ભાજપના ધારાસભ્યોએ સ્પીકરની ખુરશીને ચારે બાજુથી ઘેરી લીધી હતી. રાજ્ય વિધાનસભામાં ભાજપ અને અન્ય વિપક્ષી ધારાસભ્યો દ્વારા હોબાળો એવા સમયે થયો છે જ્યારે રાજ્યમાં મંત્રીઓ અને ધારાસભ્યો સહિત 48 નેતાઓ હનીટ્રેપમાં ફસાયાની આશંકા છે. એક દિવસ પહેલા ગુરુવારે સિદ્ધારમૈયા સરકારના બે મંત્રીઓએ આ આશંકા વ્યક્ત કરી હતી.
https://twitter.com/ANI/status/1902958549321519251
ભાજપના ધારાસભ્યો કેમ ગુસ્સે થયા?
કર્ણાટક વિધાનસભામાં રાજકારણીઓના હની ટ્રેપ અને મુસ્લિમો માટે 4 ટકા અનામતના મુદ્દે ભારે હોબાળો થયો હતો. ભાજપના ધારાસભ્યો ગૃહના વેલમાં પહોંચ્યા અને અનામત બિલની નકલ ફાડીને વિધાનસભા અધ્યક્ષ પર ફેંકી હતી. ભારે બબાલને પગલે વિધાનસભા અધ્યક્ષે ગૃહની કાર્યવાહી સ્થગિત કરી દીધી. મળતી માહિતી મુજબ, રાજકારણીઓના હનીટ્રેપનો મુદ્દો સૌપ્રથમ કર્ણાટક વિધાનસભામાં ઉઠાવવામાં આવ્યો હતો. વિધાનસભાની કાર્યવાહી શરૂ થતાં જ ભાજપના ધારાસભ્ય વી. સુનિલ કુમારે હનીટ્રેપનો મુદ્દો ઉઠાવ્યો. તેમણે મુખ્યમંત્રી સિદ્ધારમૈયા પાસેથી જવાબ માંગ્યો.
સીએમ સિદ્ધારમૈયા ઘેરાયેલા
ભાજપના ધારાસભ્યોએ આરોપ લગાવ્યો કે, કોંગ્રેસની સરકાર વિપક્ષી નેતાઓને બ્લેકમેલ કરવા માટે હનીટ્રેપનો ઉપયોગ કરી રહી છે. ગુરુવારે, રાજ્યના સહકારી મંત્રી કે.એન. રાજન્નાએ દાવો કર્યો હતો કે, કર્ણાટકના 48 લોકો હનીટ્રેપના રાજકીય છેતરપિંડીનો ભોગ બન્યા હતા. ભાજપના ધારાસભ્યોએ માંગ કરી હતી કે આ કેસની તપાસ હાઇકોર્ટના સિટિંગ જજ દ્વારા કરવામાં આવે.
સુનીલ કુમારે કહ્યું કે રાજન્નાના નિવેદનથી ગૃહની ગરિમા ઓછી થઈ છે. તેમણે પ્રશ્ન કર્યો કે જો કોઈ મંત્રી પણ હનીટ્રેપનો શિકાર બને તો સામાન્ય નાગરિકોનું શું થશે? તેમણે પૂછ્યું કે શું મંત્રીઓ વહીવટ ચલાવવા માટે શપથ લઈ રહ્યા હતા કે પછી રાજકારણીઓ અને જાહેર હસ્તીઓની છબી ખરાબ કરવા માટે હનીટ્રેપ કરી રહ્યા હતા?