
દિલ્હી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખતા ભાજપે ઉમેદવારોની વધુ એક યાદી જાહેર કરી છે. 9 બેઠક પર ભાજપે ઉમેદવારના નામ જાહેર કર્યા છે. ભાજપે ગ્રેટર કૈલાશ બેઠક પર AAPના ધારાસભ્ય અને દિલ્હી સરકારમાં મંત્રી સૌરભ ભારદ્વાજ સામે મહિલાને ટિકિટ આપી છે. ભાજપે શિખા રાયને સૌરભ ભારદ્વાજ સામે મેદાનમાં ઉતાર્યા છે. દિલ્હી કેન્ટમાં ભુવન તંવરને ટિકિટ આપવામાં આવી છે.
https://twitter.com/ANI/status/1879829328357429312
ભાજપના 40 સ્ટાર કેમ્પેનર્સ
ભાજપે આ પહેલા 40 સ્ટાર કેમ્પેનર્સની યાદી જાહેર કરી હતી જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ સિવાય ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સહિત સાત રાજ્યના મુખ્યમંત્રી સામેલ છે.
ભાજપે આ યાદીમાં પૂર્વાંચલના નેતાઓને પણ સામેલ કર્યા છે જેમાં ભોજપુરી સ્ટાર અને સાંસદ મનોજ તિવારી, રવિ કિશન અને દિનેશ લાલ યાદવ નિરહુઆનું નામ પણ સામેલ છે. દિલ્હીમાં પૂર્વાંચલથી આવતા મતદારોની સંખ્યા ઘણી વધારે છે અને ભાજપ આ વોટ બેન્ક પર ફોકસ કરી રહ્યું છે.
ભાજપે કેન્દ્રીય મંત્રીઓમાં નીતિન ગડકરી, શિવરાજ સિંહ ચૌહાણ, મનોહર લાલ ખટ્ટર, પીયૂષ ગોયલ, ધર્મેન્દ્ર પ્રધાન, હરદીપસિંહ પુરી અને ગિરિરાજ સિંહને સ્ટાર પ્રચારક બનાવ્યા છે.
આ સાથે જ 7 રાજ્યના મુખ્યમંત્રીઓમાં યોગી આદિત્યનાથ, દેવેન્દ્ર ફડણવીસ, હિંમત બિસ્વા સરમા, પુષ્કરસિંહ ધામી, ભજનલાલ શર્મા, નાયબસિંહ સૈની અને મોહન યાદવનું નામ સામેલ છે. દિલ્હીના તમામ સાત સાંસદ પણ સ્ટાર પ્રચારકોની યાદીનો ભાગ છે જેમાં દિલ્હી ભાજપના પ્રભારી બૈજયંત પાંડા, સહ પ્રભારી અલકા ગુર્જર અને પ્રદેશ અધ્યક્ષ વીરેન્દ્ર સચદેવાનું પણ નામ સામેલ છે.
દિલ્હીમાં 5 ફેબ્રુઆરીએ મતદાન
દિલ્હીમાં 5 ફેબ્રુઆરીએ તમામ 70 વિધાનસભા બેઠકો પર એક જ તબક્કામાં મતદાન થશે. દિલ્હી વિધાનસભા ચૂંટણીનું પરિણામ 8 ફેબ્રુઆરીએ જાહેર કરાશે.