
મહારાષ્ટ્રના નાગપુરમાં ગઈકાલે ભડકી ઉઠેલી હિંસામાં અત્યારસુધી 50 લોકોની ધરપકડ થઈ છે. 100થી વધુ લોકો વિરુદ્ધ એફઆઇઆર નોંધવામાં આવી છે. રાજ્યના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે આ ઘટનાને પૂર્વ આયોજિત ગણાવી છે. મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ પણ પ્લાનિંગ હેઠળ આ હિંસાને અંજામ આપ્યો હોવાનું જણાવ્યું છે. તેમજ આ ષડયંત્રમાં સામેલ તમામ લોકો વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરવાનો આદેશ આપ્યો છે. બીજી તરફ નાગપુર હિંસા મામલે વિપક્ષ નેતાઓએ સરકારને દોષિત ઠેરવી છે. તેમણે ભાજપ પર મહારાષ્ટ્રને બીજું મણિપુર બનાવવા માગતા હોવાનો આરોપ પણ મૂક્યો છે.
મહારાષ્ટ્રને મણિપુર બનાવવાનું ષડયંત્ર
નાગપુર હિંસા પર શિવસેના યુબીટી નેતા આદિત્ય ઠાકરેએ જણાવ્યું કે, મારે જાણવું છે કે, જ્યારે અફવાઓ ફેલાઈ રહી હતી ત્યારે, મુખ્યમંત્રી કાર્યાલય તરફથી કોઈ પ્રતિક્રિયા કેમ ન આપવામાં આવી. મુખ્યમંત્રીના શહેરમાં જ આ પ્રકારની ઘટના કેવી રીતે બની શકે. આ પ્રકારની કોઈપણ ઘટના બને તો પહેલો મેસેજ CMO, ગૃહ વિભાગને મળે છે. આ બંને વિભાગ મુખ્યમંત્રી પાસે છે. તો તેમને કેમ આ ઘટના અંગે ખબર ન પડી. મારો અંદાજ છે કે, ભાજપ મહારાષ્ટ્રને મણિપુર બનાવવા માગે છે.
ઉદ્ધવ ઠાકરેએ માંગ્યુ મુખ્યમંત્રીનું રાજીનામું
મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અને શિવસેના (UBT)ના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ નાગપુર હિંસા પર કહ્યું, "ના તો હું મુખ્યમંત્રી છું અને ના તો ગૃહમંત્રી. મુખ્યમંત્રીને પૂછો કે તેની પાછળ કોણ છે? કારણ કે RSSનું કાર્યાલય ત્યાં છે. અહીં ડબલ એન્જિનની સરકાર છે, જો ડબલ એન્જિન સરકાર નિષ્ફળ છે તો તેમને રાજીનામું આપવું જોઇએ."
https://twitter.com/AHindinews/status/1901954563269443946
લોકોને ડરાવવાની નવી પેટર્ન
નાગપુર હિંસા પર શિવસેના નેતા સંજય રાઉતે ભાજપ પર મોટો આરોપ મૂક્યો હતો કે, નાગપુરમાં હિંસા પાછળ કોઈ કારણ જ નથી. અહીં જ આરએસએસનું હેડક્વાર્ટર છે. દેવેન્દ્ર ફડણવીસનો મત વિસ્તાર પણ છે. અહીં હિંસા ફેલાવવાની હિંમત કોઈ ન કરી શકે. પોતાના લોકો દ્વારા જ હુમલો કરાવી હિન્દુઓને ડરાવી ધમકાવી પોતાની સાઇડ કરવાની આ નવી પેટર્ન છે.
નાગપુરની ઘટનામાં સરકાર સામેલ- કોંગ્રેસના નેતા નાના પટોલે
કોંગ્રેસના નેતા નાના પટોલેએ નાગપુર હિંસા પર કહ્યું, "જો રાજ્યના મુખ્યમંત્રી અને ગૃહમંત્રી આ ઘટનાને પૂર્વ આયોજિત કહે છે તો આ સ્પષ્ટ છે કે આ સરકાર અને પોલીસની નિષ્ફળતા છે. તે ખુદ નાગપુરના છે, જો આ ઘટના ત્યાં થઇ રહી છે તો સરકારની નિષ્ફળતા છે. તે છત્રપતિ શિવાજી મહારાજને માનતા નથી તેમનો એકમાત્ર ઉદ્દેશ્ય મહારાષ્ટ્રને નષ્ટ કરવાનો છે. મને લાગે છે કે મુખ્યમંત્રીનો જવાબ દરેક સવાલનો જવાાબ છે...જો આ સરકારનું ભ્રષ્ટ તંત્ર લોકો સામે આવી ગયું તો લોકો તેમને પાઠ ભણાવશે..નાગપુરમાં જે ઘટના બની છે તેમાં સરકાર સામેલ છે."
https://twitter.com/AHindinews/status/1901945835442885092
ભાજપ ધારાસભ્યે અબુ આઝમીને જવાબદાર ઠેરવ્યા
ભાજપના ધારાસભ્ય રામ કદમે આ ઘટના માટે અબુ આઝમીને જવાબદાર ઠેરવ્યા છે. તેમણે કહ્યું કે, સરકારને બદનામ કરવા માટે આ પૂર્વ આયોજિત હિંસા હતી. જ્યારે કોંગ્રેસ સત્તા પર હતી, ત્યારે ASIએ ઔરંગઝેબની કબરની રક્ષા કરી હતી.
ઓવૈસીએ કર્યો આ દાવો
નાગપુર હિંસા પર AIMIM ચીફ અસદુદ્દીન ઓવૈસીએ દાવો કર્યો છે કે, સૌથી ભડકાઉ ભાષણો સરકાર તરફથી જ આવી રહ્યા છે. તેમને પોતાની જવાબદારીનું ભાન નથી. મહારાષ્ટ્રમાં એક ખાસ બાદશાહનું પૂતળું સળગાવી દેવામાં આવ્યું, તેના પર કોઈ પ્રતિક્રિયા ન થતાં કપડાં પર કુરાનની આયાત લખી અને તેને સળગાવી દીધું. આ ઘટના મુદ્દે હિન્દુ અને મુસ્લિમોએ ડીસીપી સમક્ષ ફરિયાદ કરી હતી. પરંતુ તેમણે કોઈ કાર્યવાહી કરી નહીં.
એકનાથ શિંદેએ શું કહ્યું?
મહારાષ્ટ્રના નાગપુરમાં મુઘલ શાસક ઔરંગઝેબની કબરને દૂર કરવા માટે નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેની પાર્ટી શિવસેનાએ આંદોલન શરૂ કર્યું છે. એકનાથ શિંદેએ કહ્યું કે આ એક પ્રકારનું કાવતરું છે. કોઈ આરોપીને છોડવામાં નહીં આવે. ઔરંગઝેબે ઘણાં મંદિરો તોડ્યા હતા.
https://twitter.com/ANI/status/1901882437640274223