
બેંગલુરુમાં હત્યાનો એક કિસ્સો સામે આવ્યો છે, જેણે સમગ્ર શહેરમાં સનસનાટી ફેલાવી દીધી છે. 29 વર્ષીય મહિલાની નિર્દયતાથી હત્યા કરવામાં આવી હતી અને તેના શરીરના 32 ટુકડા કરીને રેફ્રિજરેટરમાં રાખવામાં આવ્યા હતા. ધ ઈન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ, પોલીસને શંકા છે કે આ હત્યા લગભગ 15 દિવસ પહેલા થઈ હતી. ગુનાના સ્થળે, પોલીસને મૃતકના શરીરના ભાગો તેના ઘરની અંદર રેફ્રિજરેટરમાં રાખવામાં આવ્યા હતા.
હાલ પોલીસ અધિકારી સ્થળ પર છે અને મામલાની તપાસ કરી રહ્યા છે. આ હત્યા પાછળના હેતુ અથવા શંકાસ્પદ વિશે હજુ સુધી કોઈ વધુ માહિતી પ્રાપ્ત થઈ નથી. કમિશનરે કહ્યું કે હત્યાનો ભોગ બનનાર અન્ય રાજ્યની હતી, પરંતુ તે તેના પરિવાર સાથે બેંગલુરુમાં રહેતી હતી.
મૃતકના પરિવારજનો આવ્યા બાદ હત્યાનો ખુલાસો થયો હતો. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર છેલ્લા કેટલાક દિવસોથી ઘરમાંથી દુર્ગંધ આવી રહી હતી, ત્યારબાદ ઘરનું તાળું તોડી અંદર ગયા બાદ હત્યાની જાણ થઈ હતી. જણાવવામાં આવી રહ્યું છે કે મહિલા ત્રણ મહિના પહેલા જ આ જગ્યાએ ભાડાના મકાનમાં આવી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, ફોરેન્સિક ટીમ, ડોગ સ્કવોડ અને એફએસએલ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને કેસની વિગતવાર માહિતી એકત્રિત કરવામાં આવી રહી છે.
વર્ષ 2022માં દિલ્હીના મહેરૌલીમાં શ્રદ્ધા વોકર નામની યુવતીની પણ હત્યા કરવામાં આવી હતી અને તેના શરીરના 36 ટુકડા કરવામાં આવ્યા હતા. ત્યારે મૃતકના શરીરના અંગો મેહરૌલીના જંગલમાં ફેંકી દેવાની ભયાનક ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી નાખ્યો હતો.