
એક તરફ બેંગલુરુમાં વરસાદ વરસી રહ્યો છે. બીજી તરફ મંગળવારે એક નિર્માણાધીન ઈમારત ધરાશાઈ થઈ હતી. આ દુર્ઘટનામાં ત્રણ લોકોના મોત નિપજ્યા છે. જ્યારે હજુ કાટમાળમાં 12થી વધુ શ્રમિકો ફસાયા હોવાની આશંકા છે. જોકે, હાલ રાહત અને બચાવની કામગીરી જારી છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે બેંગલુરુના હેન્નુર વિસ્તારમાં એક બિલ્ડિંગનું નિર્માણ થઈ રહ્યું છે. છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલા વરસાદને કારણે આ નિર્માણાધીન બિલ્ડીંગ ધરાશાયી થઈ હતી. ઈમારતના કાટમાળ નીચે અનેક લોકો ફસાયા હતા. કાટમાળમાંથી ત્રણ લોકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે. જોકે કાટમાળ નીચે ફસાયેલા અન્ય મજૂરોને બચાવવાના પ્રયાસો ચાલુ છે.
આ અકસ્માત અંગે એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે હજુ પણ 14 લોકો ઈમારતના કાટમાળમાં ફસાયા હોવાની આશંકા છે અને અન્ય એજન્સીઓની મદદથી બચાવ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.
NDRF-SDRFની ટીમો બચાવ કાર્યમાં લાગી
NDRF અને SDRFની ટીમો પણ રાહત અને બચાવ કાર્યમાં લાગેલી છે. ક્રેનની મદદથી કાટમાળ હટાવવામાં આવી રહ્યો છે. બચાવ કાર્યમાં લાગેલા કામદારો કાટમાળ નીચે ફસાયેલા લોકોને શોધીને બહાર કાઢવાનો પ્રયાસ કરી રહ્યા છે.
https://twitter.com/PTI_News/status/1848746506385559704