
દિલ્હીની મહિલાઓ માટે સારા સમાચાર છે. દિલ્હી સરકારની કેબિનેટ બેઠકમાં મહિલા સન્માન યોજનાને મંજૂરી મળી. આ યોજના ટૂંક સમયમાં લાગુ કરવામાં આવશે, ત્યારબાદ દર મહિને ગરીબ મહિલાઓના ખાતામાં 2500 રૂપિયા આવવાનું શરૂ થશે. આજે દિલ્હી સચિવાલયમાં સીએમ રેખા ગુપ્તાના નેતૃત્વમાં એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી જેમાં મહિલા સન્માન યોજનાને મંજૂરી આપવાની હતી. આ બેઠકમાં મહિલા સન્માન યોજનાને મંજૂરી આપવામાં આવી હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. જોકે, સૂત્રોએ જણાવ્યું છે કે મફત સિલિન્ડર યોજનાને કેબિનેટ તરફથી મંજૂરી મળી નથી.
ભાજપે દિલ્હી ચૂંટણીમાં આર્થિક રીતે નબળા વર્ગની મહિલાઓને 2,500 રૂપિયા આપવાનું વચન આપ્યું હતું. ચૂંટણી પ્રચાર દરમિયાન પીએમ મોદીએ જાહેરાત કરી હતી કે દિલ્હીમાં ભાજપ સરકાર સત્તામાં આવતાની સાથે જ 8 માર્ચથી મહિલાઓના ખાતામાં 2500 રૂપિયા આવવાનું શરૂ થશે. પીએમ મોદીએ કહ્યું હતું કે 8 માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ છે. ૮ માર્ચ સુધીમાં દિલ્હીની બહેનોના ખાતામાં ૨૫૦૦ રૂપિયા પહોંચવાનું શરૂ થઈ જશે. જો કે દિલ્હી કેબિનેટે યોજનાને મંજૂરી જરૂર આપી છે પરંતુ આ યોજનામાં મહિલાનું રજીસ્ટ્રેશન કરવામાં આવશે. એ પછીથી મહિલાઓના ખાતામાં રૂપિયા આપવામાં આવશે.