
ક્રિપ્ટોકરન્સી ફ્રોડ કેસમાં કેન્દ્રીય તપાસ એજન્સી (CBI)એ દેશભરમાં 60 સ્થળે દરોડા પાડ્યા છે. એજન્સીએ દિલ્હી એનસીઆર, પુણે, ચંદીગઢ, નાંદેડ, કોલ્હાપુર, બેંગલુરુ અને અન્ય મોટા શહેરોમાં દરોડા પાડી કાર્યવાહી કરી રહી છે. આરોપીઓ દ્વારા નકલી વેબસાઈટો બનાવી ઓનલાઈન કૌભાંડ આચરવામાં આવ્યું હતું, જેમાં આરોપીઓએ મોટી ક્રિપ્ટો એક્સચેન્જ વેબસાઈટોની કોપી કરીને રોકાણકારો સાથે છેતરપિંડી આચરી હતી.
ક્રિપ્ટોકરન્સી કૌભાંડ કેવી રીતે કરાયું?
વર્ષ 2015માં ક્રિપ્ટોકરન્સી સંબંધીત કૌભાંડની શરૂઆત કરવામાં આવી હતી, જેમાં અમિત ભારદ્વાજ (મૃતક), અજય ભારદ્વાજ અને તેના એજન્ટો સામેલ હતા. આ લોકોએ GainBitcoin અને અન્ય નામોની નકલી વેબસાઈટ બનાવી હતી, જેમાં પોન્ઝી સ્કીમ હેઠળ લોકોને રોકાણ કરાવ્યું હતું. આ તમામ વેબસાઈટનું સંચાલન વેરીએબલટેક પ્રાઈવેટ લિમિટેડ (ariabletech Pte. Ltd.) દ્વારા કરવામાં આવતું હતું.
પહેલા રિટર્ન આપ્યું, પછી લોકોના પૈસા ડૂબાડ્યા
કૌભાંડ કરનારા અમિત ભારદ્વાજ અને અજય ભારદ્વાજે સ્કીમ બનાવી રોકાણકારોને 18 મહિના સુધી બિટકોઈનમાં નાણાંનું રોકાણ કરવા કહ્યું હતું. એટલું જ નહીં આ લોકોએ રોકાણકારોને 10 ટકા રિટર્ન આપવાનું પણ કહ્યું હતું. કૌભાંડીઓએ એક્સચેન્જોથી બિટકોઈન ખરીદવા માટે અને ક્લાઉડ માઈનિંગ કોન્ટ્રાક્ટથી ગેનબિટકોઈન ખરીદી રોકાણ કરવા માટે રોકાણકારોને પ્રોત્સાહિત કર્યા હતા.
દેશભરમાં નોંધાઈ FIR
કૌભાંડમાં છેતરપિંડી અને મની લોન્ડ્રિંગના આરોપ સાથે દેશભરમાં FIR નોંધાઈ છે. કૌભાંડ મોટું હોવાના કારણે તેમજ જમ્મુ અને કાશ્મીર, પંજાબ, ચંડીગઢ, દિલ્હી, પશ્ચિમ બંગાળ, મધ્ય પ્રદેશ, કર્ણાટક અને મહારાષ્ટ્ર સહિત અનેક રાજ્યોમાં FIR નોંધાઈ હોવાથી સુપ્રીમ કોર્ટે મામલો સીબીઆઈને સ્થળાંતર કર્યો છે.