Home / India : Clashes over the CM's chair in Karnataka Congress high command supports Shivakumar

કર્ણાટકમાં મુખ્યમંત્રીની ખુરશીને લઇને કકળાટ, કોંગ્રેસ હાઇકમાન્ડે કર્યું શિવકુમારનું સમર્થન; સિદ્ધારમૈયાની મુશ્કેલી વધી

કર્ણાટકમાં મુખ્યમંત્રીની ખુરશીને લઇને કકળાટ, કોંગ્રેસ હાઇકમાન્ડે કર્યું શિવકુમારનું સમર્થન; સિદ્ધારમૈયાની મુશ્કેલી વધી

કર્ણાટક પ્રદેશ કોંગ્રેસ કમિટી (KPCC) ના અધ્યક્ષ ડી. કે. શિવકુમારે પોતાના પદથી રાજીનામું આપવાનો સાફ ઈન્કાર કરી દીધો છે. આ સાથે જ કર્ણાટક કોંગ્રેસમાં આંતરિક સંઘર્ષ પણ વધી રહ્યો છે. જો કે,  દિલ્હીમાં પાર્ટી હાઇકમાન્ડે હાલ તેમના આ નિર્ણયના સમર્થનનો સંકેત આપ્યો છે. જણાવી દઈએ કે, ડી. કે શિવકુમાર દિલ્હીની બે દિવસીય યાત્રા બાદ બેંગલુરૂ પરત ફર્યા છે. તેમણે પાર્ટી હાઇકમાન્ડને સ્પષ્ટ કહી દીધું કે, ‘જ્યાં સુધી મને મુખ્યમંત્રી બનવાનું આશ્વાસન નહીં મળે ત્યાં સુધી હું પદ નહીં છોડું.’

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

પાર્ટી હાઇકમાન્ડે આપી સૂચના

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, હાઇકમાન્ડે ડી. કે શિવકુમારને તેમના પદથી દૂર કરવાની માંગ કરી રહેલા મુખ્યમંત્રી સિદ્ધારમૈયા અને તેમના મંત્રીમંડળના વફાદારોને સૂચિત કર્યું છે કે, પ્રદેશ અધ્યક્ષનો બદલાવ આગામી જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણી પહેલા નહીં લેવાય.

મુખ્યમંત્રી બનવાની મહત્ત્વકાંક્ષા

રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે, ડી.કે શિવકુમારનું KPCC અધ્યક્ષ પદ પર રહેવાનો નિર્ણય મુખ્યમંત્રી બનવાની મહત્ત્વકાંક્ષા સાથે જોડાયેલો છે. તેમનું આ પગલું પાર્ટીમાં પોતાની સ્થિતિને મજબૂત બનાવી રાખવા માટે છે. જો તે પદ છોડે છે તો પાર્ટીમાં તેમના પ્રભાવને નુકસાન પહોંચી શકે છે. 

એક વ્યક્તિ, એક પદ

સિદ્ધારમૈયાથી નજીકના મંત્રીઓના એક સમૂહ દ્વારા શિવકુમારને હટાવવાની મુહિમ ‘એક વ્યક્તિ, એક પદ’ ના સિદ્ધાંત પર આધારિત હતી. જોકે, આ અભિયાન એક રાજકીય કૌભાંડ બાદ કમજોર પડી ગયું. કૉપરેશન મંત્રી કે.એન રાજન્ના દ્વારા એક કથિત હનીટ્રેપ મામલે પોતાની સંડોવણી સ્વીકાર્યા બાદ આ મુહિમ પર અસ્થાયી રૂપે વિરામ લાગી ગયો હતો. ડી. કે શિવકુમારે આંતરિક વિરોધ છતાં સ્પષ્ટ કર્યું કે, નેતૃત્વની ભૂમિકાઓ કમાવાની હોય છે. તેમણે કહ્યું કે, ‘KPCC નું પદ દુકાનમાં નથી મળતું, ન મીડિયા સાથે વાતચીત કરવાથી મેળવી શકાય છે.’

પ્રદેશ અધ્યક્ષ પદનો દાવેદાર કોણ?

જણાવી દઈએ કે, સિદ્ધારમૈયા કેબિનેટમાં મંત્રી સતીશ ઝારકીહોલિ KPCC અધ્યક્ષ પદના મુખ્ય દાવેદાર માનવામાં આવી રહ્યા છે. તેમણે સાર્વજનિક રૂપે નેતૃત્વની માંગ કરી હતી. ઝારકીહોલિએ કહ્યું કે, ‘2024 ની લોકસભા ચૂંટણી બાદ KPCC અધ્યક્ષના બદલાવ માટે કોંગ્રેસ મહાસચિવ અને સાંસદ કે.સી વેણુગોપાલ પાસે એક લેખિત પત્ર છે.’ તેમનો તર્ક છે કે, એક સમર્પિત અધ્યક્ષ 2028ની વિધાનસભા ચૂંટણી પેહલાં પાર્ટીની જમીની સ્તર પર મજબૂતી માટે જરૂરી છે.’

Related News

Icon