
શિલોંગમાં ઇન્દોરના નવપરિણીત યુગલ રાજા રઘુવંશી અને સોનમ રઘુવંશીના ગુમ થવા અને રાજાના મોત મામલો ચર્ચાનો વિષય બન્યો છે. આ ગંભીર કેસમાં મુખ્યમંત્રી ડૉ. મોહન યાદવે હવે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI) તપાસની માંગણી કરી છે.
મુખ્યમંત્રી મોહન યાદવે શનિવારે એક નિવેદન બહાર પાડીને કહ્યું કે આ સંકટની ઘડીમાં મધ્યપ્રદેશ સરકાર સોનમ રઘુવંશી અને તેના પરિવાર સાથે મજબૂતીથી ઉભી છે. આ મામલે મેઘાલયના મુખ્યમંત્રી સાથે પણ વાત કરી છે અને મધ્યપ્રદેશના વરિષ્ઠ પોલીસ અધિકારીઓ સતત મેઘાલય પ્રશાસનના સંપર્કમાં છે.
https://twitter.com/DrMohanYadav51/status/1931325273380655448
આ કેસની તપાસ CBIને સોંપવામાં આવે
મુખ્યમંત્રીએ વધુમાં કહ્યું કે, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને વિનંતી કરી છે કે આ કેસની તપાસ CBIને સોંપવામાં આવે જેથી સત્ય બહાર આવે અને સોનમ રઘુવંશીને સુરક્ષિત રીતે પરત લાવી શકાય. સોનમ રઘુવંશીની સલામત વાપસી માટે તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
11 મેના રોજ લગ્ન, બંને 23 મેથી ગુમ
ઉલ્લેખનીય છે કે 11 મેના રોજ લગ્ન બાદ રાજા અને સોનમ રઘુવંશી હનીમૂન માટે મેઘાલય ગયા હતા. જ્યાં તેઓ 23 મે થી ગુમ થયા છે. જેમાં રાજાનો મૃતદેહ 2 જૂને ખાડામાંથી મળી આવ્યો હતો. જ્યારે સોનમનો હજુ સુધી કોઈ પત્તો લાગ્યો નથી, જેના કારણે પરિવારની ચિંતા અને વહીવટી દબાણ સતત વધી રહ્યું છે. મુખ્યમંત્રી દ્વારા સીબીઆઈ તપાસની ભલામણ બાદ, એવી અપેક્ષા રાખવામાં આવે છે કે આ કેસમાં રહસ્યો જલદી સામે આવશે.