
પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં વક્ફ કાયદાના વિરોધને કારણે થયેલી હિંસા અને તણાવની સ્થિતિ રાષ્ટ્રીય ચર્ચાનો મુદ્દો બન્યો છે. આ મુદ્દે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ગુસ્સો વ્યક્ત કર્યો છે. યોગીએ વક્ફ કાયદા બાબતે થયેલી હિંસા માટે રાજ્યના શાસક પક્ષ ટીએમસી, સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસ પર પણ આકરા પ્રહારો કર્યા છે. સાથે જ તેમના મૌન પર સવાલ ઉઠાવ્યા છે.
'લાતો કે ભૂત બાતો સે નહીં માનતે.'
જણાવી દઈએ કે, પશ્ચિમ બંગાળના 24 પરગણા જિલ્લાના મુર્શિદાબાદ અને ભાંગરમાં વક્ફ કાયદાના વિરોધ દરમિયાન ઘણી હિંસા થઈ હતી. અજંપાભરી સ્થિતિ વચ્ચે સ્થાનિક વહીવટીતંત્રે દાવો કર્યો કે, પરિસ્થિતિ કંટ્રોલમાં છે. ત્યારે હવે યુપીના સીએમ યોગી આદિત્યનાથે મુર્શિદાબાદ અંગે કહ્યું કે, 'લાતો કે ભૂત બાતો સે નહીં માનતે.' તોફાનીઓને દંડા વડે જ સીધા કરવા પડશે. જેને બાંગ્લાદેશ ગમતું હોય તે બાંગ્લાદેશ જતા રહે. પશ્ચિમ બંગાળ હિંસા બાબતે કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટી મૌન છે. હિંસા પર ગુસ્સો વ્યક્ત કરવા ઉપરાંત સીએમ યોગીએ કાયદો અને વ્યવસ્થાના મુદ્દા પર પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી ઉપર પણ શાબ્દિક પ્રહાર કર્યા.
મમતા બેનર્જીના વલણ અંગે સવાલો ઉઠાવ્યા
સીએમ યોગીએ કહ્યું કે, પશ્ચિમ બંગાળ બળી રહ્યું છે પરંતુ ત્યાંના મુખ્યમંત્રી ચૂપ છે. તે તોફાનીઓને શાંતિદૂત કહે છે. ધર્મનિરપેક્ષતાના નામે તોફાનીઓને છુટ્ટો દોર આપવામાં આવ્યો છે. કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટી બંગાળ હિંસા પર મૌન છે. મુખ્યમંત્રીએ કહ્યું કે મુર્શિદાબાદ છેલ્લા એક અઠવાડિયાથી સળગી રહ્યું છે. સરકાર ચૂપ છે. આ પ્રકારની અરાજકતાને કાબુમાં લેવી જ જોઇએ.
'લોકોના દુઃખ પર બધા મૌન છે'
આ ઉપરાંત, સીએમ યોગીએ કહ્યું કે હું ત્યાંની કોર્ટનો આભાર માનું છું કે તેમણે ત્યાં કેન્દ્રીય દળો તૈનાત કરીને લઘુમતી હિન્દુઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે પગલાં લીધાં. આજે ત્યાં કેન્દ્રીય દળો તૈનાત છે. તમે ત્યાંની વેદના સાંભળી હશે. બધા લોકો મૌન છે.
સીએમ યોગીએ કહ્યું છે કે કોંગ્રેસ, સપા, ટીએમસી ચૂપ છે. તોફાનીઓ ધમકી ઉપર ધમકી આપતા રહે છે. બાંગ્લાદેશની અંદર જે થયું તેનું સમર્થન કરી રહ્યા છે. જો તમને બાંગ્લાદેશ ગમે છે તો ત્યાં જતા રહો. ભારતીય ધરતી પર બોજ કેમ બની રહ્યા છો?