
દિલ્હી ચૂંટણીના પરિણામો 8 ફેબ્રુઆરીએ જાહેર થશે. ત્યારે આ પહેલા જ એક્ઝિટ પોલે ઇશારો કરી દીધો છે કે દિલ્હીમાં કોની સરકાર બનશે. એક્ઝિટ પોલની માનીએ તો દિલ્હીમાં ફરી કોંગ્રેસ સાફ થઈ શકે છે. પરંતુ મણિપુરમાં કોંગ્રેસ મોટી ગેમ રમી શકે છે. મણિપુરમાં ભાજપનો આંતરિક કલેશ ફરી સામે આવ્યો છે. જેનો ફાયદો કોંગ્રેસ ઉઠાવી શકે છે. માનવામાં આવે છે કે, કોંગ્રેસ મુખ્યમંત્રી બિરેન સિંહ વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાની તૈયારી કરી રહી છે. આ દરમિયાન બિરેન સિંહ ઉતાવળમાં દિલ્હી પહોંચી ગયા છે.
તક જોઈ રહી છે કોંગ્રેસ
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મણિપુર વિધાનસભાનું સત્ર 10 ફેબ્રુઆરીથી શરુ થવા જઈ રહ્યું છે. બિરેન સિંહનું નેતૃત્વ અને મણિપુર કટોકટીનો સામનો કરવાની તેમની પદ્ધતિઓના કારણે રાજ્યના ઘણા ભાજપના નેતાઓ સીએમ બિરેન સિંહથી નારાજ હોવાનું કહેવાય છે. એવી ચર્ચાઓ પણ શરુ થઈ ગઈ છે કે, વિપક્ષ મુખ્યમંત્રી બિરેન સિંહ વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાની તૈયારી કરી રહી છે.
બિરેન સિંહથી શા માટે નારાજ છે ભાજપ?
મણિપુર હિંસા કેસને જે રીતે હેન્ડલ કરવામાં આવ્યો તેનાથી ખુદ ભાજપનું જ એક જૂથ નારાજ છે. ભાજપના અસંતુષ્ટ ધારાસભ્યોના જણાવ્યા અનુસાર, રાજ્યના નેતૃત્વ કે કેન્દ્રએ છેલ્લા બે વર્ષમાં મણિપુરમાં શાંતિ સ્થાપવા માટે કોઈ રોડમેપ તૈયાર કર્યો નથી. તેઓ ફક્ત 'અમે સરહદ સીલ કરીશું', 'અમે NRC લાગુ કરીશું' અથવા 'અમે ડ્રગ્સ સામે લડીશું' કહીને ખાલી લોકોનું ધ્યાન ભટકાવી રહ્યા છે. પરંતુ મુખ્ય મુદ્દો શાંતિ અને સામાન્ય સ્થિતિ પુનઃસ્થાપનાનો છે. અમે કહીએ છીએ કે જો વિધાનસભા સત્ર શરુ થાય તે પહેલાં આમાં કોઈ ફેરફાર નહીં થાય તો સત્ર દરમિયાન કંઈક મોટું અને અણધાર્યું બની શકે છે.
બીજેપીના અન્ય એક ધારાસભ્યનું કહેવું છે કે ભારતીય જનતા પાર્ટીના બે તૃતિયાંશથી વધુ ધારાસભ્યો બિરેન સિંહના નેતૃત્વથી ખુશ નથી. તેથી, દરેક વ્યક્તિ પ્રજા અને રાજ્યના હિતમાં કોઈને કોઈ પગલું ભરવા જઈ રહી છે. અમે વધુ રાહ જોઈ શકતા નથી. ભાજપમાં આ ઉથલપાથલ ચાલી રહી છે કારણ કે મણિપુરમાં 3 મે, 2023થી મૈતેઈ અને કુકી સમુદાયો વચ્ચે સંઘર્ષ ચાલી રહ્યો છે. આમાં 250થી વધુ લોકોના મોત થયા છે અને હજારો લોકો બેઘર થયા છે.
મણિપુરમાં કોંગ્રેસની ચાંપતી નજર
હવે આવી સ્થિતિમાં કોંગ્રેસ આ તકનો લાભ ઉઠાવશે. મણિપુરમાં કુલ 60 વિધાનસભા બેઠકો છે. મણિપુર હિંસાની શરુઆતથી કુકી-જો સમુદાયના 10 ધારાસભ્યો વિધાનસભા સત્રમાં હાજર રહ્યા નથી. આગામી સત્રમાં પણ હાજર નહિ રહે એવી ધારણા છે. નેશનલ પીપલ્સ પાર્ટી(NPP)ના ધારાસભ્ય એન. કાયસીનું ગયા મહિને અવસાન થયું હતું. હવે ગૃહમાં ભાજપ પાસે 30 ધારાસભ્યો છે, તેના સાથી નાગા પીપલ્સ ફ્રન્ટ પાસે 5 ધારાસભ્યો છે, અન્ય સહયોગી જનતા દળ (યુનાઇટેડ) પાસે એક, બે અપક્ષ, કોંગ્રેસ પાસે 5 અને NPP પાસે 6 ધારાસભ્યો છે. NPPએ ગયા વર્ષે જ બિરેન સરકાર પાસેથી સમર્થન પાછું ખેંચ્યું હતું.
શું કોંગ્રેસ અવિશ્વાસ પ્રસ્તાવ લાવશે?
મણિપુર મામલે કોંગ્રેસનું કહેવું છે કે તે ભાજપની અંદરના મતભેદો પર નજર રાખી રહી છે. કોંગ્રેસ મણિપુર પ્રભારી ગિરીશ ચોડાકનારે કહ્યું કે, 'અમારી પાસે અવિશ્વાસ પ્રસ્તાવ લાવવા માટે સંખ્યા નથી. જો કે, અમને કહેવામાં આવ્યું છે કે, ભાજપમાં અંદરોઅંદર લડાઈ ચાલી રહી છે અને 10થી વધુ ધારાસભ્યો મુખ્યમંત્રીની વિરુદ્ધ છે. અમારી રાજકીય સલાહકાર સમિતિ પરિસ્થિતિની સમીક્ષા કરી રહી છે. અમે આના પર નજર રાખી રહ્યા છીએ. અમે યોગ્ય સમયે યોગ્ય પગલાં લઈશું અને મણિપુરમાં સ્થિરતા પુનઃસ્થાપિત કરવા માટે જે પણ કરવું પડશે તે કરીશું.'