
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં બુધવારે દિલ્હીમાં થયેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં સરકારે દેશભરમાં વસ્તી ગણતરીની સાથે જાતિ આધારિત વસ્તી ગણતરી કરાવવાનો નિર્ણય લીધો છે. જો કે, વિપક્ષી પાર્ટીઓ ખાસ કરીને કોંગ્રેસ તરફથી તેને 2024ની લોકસભા ચૂંટણી પહેલાથી જ મુદ્દો બનાવાય રહ્યો હતો. હવે કેન્દ્ર સરકાર તરફથી જાતિ આધારિત વસ્તી ગણતરી કરાવવાના આ નિર્ણય બાદ વિપક્ષ તરફથી પણ તેને લઈને પ્રતિક્રિયા આવી રહી છે. ત્યારે વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સ કરી છે. જેમાં રાહુલ ગાંધીએ કહ્યું છે કે, 'સંસદમાં અમે કહ્યું હતું કે, જાતિ આધારિત વસ્તી ગણતરી કરાવીને રહીશું. સાથે જ 50 ટકા અનામતની મર્યાદા પણ હટાવીશું. અમે આ નિર્ણયનું સમર્થન કરીએ છીએ.'
તારીખ જણાવો કે ક્યારથી થશે જાતિ આધારિત વસ્તી ગણતરી: રાહુલ ગાંધી
રાહુલ ગાંધીએ કહ્યું કે, જાતિ આધારિત વસ્તી ગણતરીને ડિઝાઈન કરવામાં અમારું સરકારને સમર્થન છે. અમારી પાસે બિહાર અને તેલંગાણાના બે ઉદાહરણ છે, જેમાં આસમાન અને જમીનનો ફરક છે. સરકાર જાતિ આધારિત વસ્તી ગણતરીની રીતો જણાવો. સરકાર તારીખ જણાવે કે ક્યારે થશે જાતિ આધારિત વસ્તી ગણતરી.
અમે દેશભરમાં જાતિગત વસ્તી ગણતરી અભિયાન ચલાવ્યું: રાહુલ ગાંધી
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે અમે માત્ર જાતિ વસ્તી ગણતરી અંગે દબાણ જ નથી કર્યું, પરંતુ દેશભરમાં એક વ્યાપક અભિયાન પણ ચલાવ્યું છે, જેના પછી તે શક્ય બન્યું છે. તેમણે કહ્યું, "પહેલાં નરેન્દ્ર મોદી કહેતા હતા કે ફક્ત ચાર જાતિઓ છે, પરંતુ અચાનક તેમણે જાતિ વસ્તી ગણતરી કરવાની જાહેરાત કરી. અમે જાતિ વસ્તી ગણતરી દ્વારા દેશમાં વિકાસનો એક નવો માર્ગ લાવવા માંગીએ છીએ."
કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ કહ્યું, "તેઓ ઓબીસી હોય, દલિત હોય કે આદિવાસી હોય, દેશમાં તેમની ભાગીદારી જાતિ વસ્તી ગણતરી દ્વારા જ જાણી શકાશે, પરંતુ આપણે આગળ વધવું પડશે. આપણે એ શોધવાનું છે કે દેશની સંસ્થાઓ અને સત્તા માળખામાં આ લોકોની કેટલી ભાગીદારી છે."
ખાનગી સંસ્થાઓમાં અનામત લાગુ થવી જોઈએ: રાહુલ ગાંધી
રાહુલ ગાંધીએ કહ્યું, "કોંગ્રેસ પાર્ટીએ પોતાના મેનિફેસ્ટોમાં લખ્યું હતું કે કલમ 15(5) હેઠળ ખાનગી શૈક્ષણિક સંસ્થાઓમાં અનામત લાગુ કરવી જોઈએ અને અમે માંગ કરીએ છીએ કે સરકાર તેને તાત્કાલિક લાગુ કરે. આ અમારું વિઝન છે, પરંતુ સરકારે તેને સ્વીકાર્યું, તેથી અમે તેમનો આભાર માનીએ છીએ. અમે જાતિ વસ્તી ગણતરીનું કામ ક્યારે પૂર્ણ થશે તેની સંપૂર્ણ સમયરેખા ઇચ્છીએ છીએ. આ ઉપરાંત, એક વિકાસલક્ષી વિઝન પણ આપણી સમક્ષ મૂકવું જોઈએ."