
મિઝોરમના મુખ્યમંત્રી પીયુ લાલદુહોમાએ ગત મહિને 4 સપ્ટેમ્બરે અમેરિકાના ઇન્ડિયાનાપોલિસમાં ભાષણ આપ્યું હતું. આ ભાષણની ચર્ચા માત્ર ભારતમાં જ નહીં પરંતુ બાંગ્લાદેશ અને મ્યાનમારમાં પણ થઈ રહી છે. લાલદુહોમાએ ચિન-કુકી-જોની એકજૂટતા સાથે દેશની એકતા માટે હાકલ કરી હતી. ચિન-કુકી-જો એ ભારત, બાંગ્લાદેશ અને મ્યાનમારમાં રહેતા ખ્રિસ્તી જનજાતિ છે. અમેરિકામાં થયેલા આ ભાષણ બાદ સવાલ પેદા થઈ રહ્યા છે કે શું અમેરિકી ગુપ્તચર એજન્સીઓ ભારત, બાંગ્લાદેશ અને મ્યાનમારના કેટલાક હિસ્સાને એકત્ર કરીને એક અલગ ખ્રિસ્તી દેશ બનાવવાનું કામ કરી રહી છે. કારણ કે તેમની પાસે અમેરિકન ધરતી પર આ મુદ્દો રાખવા માટે પ્લેટફોર્મ મળ્યું હતું.
આ પણ વાંચોઃ 30 વર્ષ મોટા પુરુષ સાથે લફરું, ત્રીજું અફેર લગ્નમાં પરિણમ્યું, આવી છે કમલા હેરિસની અંગત જિંદગી
મિઝોરમના મુખ્યમંત્રીના ભાષણની અંતર્ગત અસરોથી અલગતાવાદી એજન્ડા મુદ્દે ચિંતા વધી છે. જે દક્ષિણ એશિયાને અસ્થિર કરી શકે છે. ધાર્મિક અને સાંસ્કૃતિક પાસાઓ પર ટિપ્પણીઓ સાથે લાલદુહોમાના ભાષણે કોઈ વિદેશી સમર્થનની શંકા ઊભી કરી છે. તેણે સાર્વભૌમત્વ, પ્રાદેશિક સ્થિરતા અને ભૌગોલિક રાજકીય દાવપેચ બાબતે પણ ચર્ચાને વેગ આપ્યો છે.
લાલદુહોમાએ તેના ભાષણમાં કહ્યું કે, 'આપણે બધા એક છીએ. ભાઈ-બહેન છીએ અને આપણને વિભાજિત થવું પોસાય તેમ નથી. ભગવાને આપણને એક બનાવ્યા છે અને આપણે રાષ્ટ્રત્વ પ્રાપ્ત કરવા માટે એક નેતૃત્વ હેઠળ ઉભા થઈશું. જો કે કોઈ દેશની સીમાઓ હોઈ શકે પરંતુ એક સાચું રાષ્ટ્ર તેનાથી પર હોય છે. આપણે ત્રણેય દેશોની સરકારો વચ્ચે અન્યાયી રીતે વહેંચાઈ ગયા છીએ. આપણે તેને સ્વીકારી ના શકીએ. લાલદુહોમાએ રાજકીય એકતાના દૃઢ દ્રષ્ટિકોણનો પ્રસ્તાવ મૂક્યો, જેણે સાર્વભૌમત્વ અંગે ચિંતાઓ ઊભી કરી છે.
લાલદુહોમાએ પોતાના ભાષણમાં 'રાષ્ટ્રવાદની નિયતિ' વિશે વાત કરતા એક સહિયારી સાંસ્કૃતિક અને ધાર્મિક ઓળખ માટે હાકલ કરી. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે ચીન-કુકી-જો લોકો પાસે આ સરહદો છતાં એક રાષ્ટ્ર હોવાનો ઐતિહાસિક દાવો કરે છે. આ લાગણી તાજેતરમાં ચિન-કુકી-જો સમુદાયમાંથી બહાર આવી છે, જેઓ હાંસિયામાં ધકેલાઈ રહ્યાનું અનુભવી રહ્યા છે. આ સમુદાયો ભારતીય રાજ્યો મણિપુર અને મિઝોરમ તેમજ બાંગ્લાદેશ અને મ્યાનમારના ભાગોમાં ફેલાયેલા છે, તેઓ ભાષાકીય, સાંસ્કૃતિક અને ધાર્મિક સંબંધો ધરાવે છે જે તેમને સરહદોથી જોડાયેલા અનુભવે છે.
બાંગ્લાદેશના પૂર્વ પીએમે પણ કર્યો હતો દાવો
લાંબા સમયથી એવી ચિંતા હતી કે, વિદેશી શક્તિઓ રાજનીતિક હેતુઓ માટે આ ક્ષેત્રમાં વિભાજન કરી શકે છે. બાંગ્લાદેશના ભૂતપૂર્વ પીએમ શેખ હસીનાએ થોડા સમય પહેલાં દાવો કર્યો હતો કે, એક અમેરિકન અધિકારીએ બાંગ્લાદેશ, મ્યાનમાર અને ભારતના ભાગોને વિલિન કરીને ખ્રિસ્તી રાષ્ટ્ર બનાવવાની યોજના વિશે વાત કરી હતી. હસીનાના આ નિવેદનથી સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો હતો. હવે મિઝોરમના સીએમનું નિવેદન પણ આવી જ ચિંતા પેદા કરી રહ્યું છે કે શું આ ક્ષેત્રમાં અમેરિકાનો કોઈ હસ્તક્ષેપ છે?