
સુપ્રીમ કોર્ટે સોશિયલ મીડિયા પર ફેલાઈ રહેલ નફરતભર્યા ભાષણો અંગે ચિંતા વ્યક્ત કરી હતી. કોર્ટે કહ્યું કે, આજકાલ દરેક વ્યક્તિ 'અભિવ્યક્તિની સ્વતંત્રતા'ના નામે બધું યોગ્ય ઠેરાવવાનો પ્રયાસ કરે છે જે ખૂબ જ ખતરનાક છે. આવી ટિપ્પણી જસ્ટિસ બી.વી. નાગરત્ના અને જસ્ટિસ ઓગસ્ટિન જ્યોર્જ ફ્રાન્સિસ વિશ્વનાથનની બેન્ચે સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર શર્મિષ્ઠા પનોલી સામે વજાહત ખાન નામના વ્યક્તિ દ્વારા દાખલ કરાયેલી અરજીની સુનાવણી દરમિયાન કરી હતી.
સુપ્રીમ કોર્ટે કહ્યું કે, નફરતી ભાષણો વિરુદ્ધ કાર્યવાહી જરૂરી છે. પરંતુ એ પણ સુનિશ્ચિત કરવાની જરૂર પડશે કે કોઈની વાણી સ્વતંત્રતા કચડાઈ ના જાય. લોકોએ અભિવ્યક્તિની આઝાદીના અધિકારનું પણ યોગ્ય મહત્ત્વ સમજવું જરૂરી છે. આ અધિકાર અમૂલ્ય છે.
લોકો અભિવ્યક્તિની સ્વતંત્રતાનું મૂલ્ય યોગ્ય રીતે સમજવું જરૂરી છે. રાજ્યે દરેસક વખતે વચ્ચે પડીને કાર્યવાહી કરવી પડે એવી સ્થિતિ પેદા ન થવી જોઈએ. નફરતભર્યા ભાષણો જેવી સામગ્રી પર થોડું નિયંત્રણ જરૂરી છે. સામાન્ય નાગરિકોએ પણ આવી સામગ્રી શેર કરવાનું, પ્રમોટ કરવાનું કે લાઈક કરવાનું ટાળવું જોઈએ.
વજાહત ખાનને કોર્ટમાંથી મળી રાહત
વજાહત ખાનના વકીલે તેમના જૂના ટ્વીટ્સ મુદ્દે કોર્ટમાં માફી માંગતા કહ્યું કે, મારી ફરિયાદ જ મારા માટે સમસ્યા બની રહી છે. મેં આ માટે માફી માંગી છે. પરંતુ હું ફક્ત એટલું જ ઇચ્છું છું કે કોર્ટ જુએ કે શું FIR ખરેખર તે ટ્વીટ્સ સાથે સંબંધિત છે કે નહીં. કો ર્ટે કહ્યું કે નવી FIR દાખલ કરવાનો અને દર વખતે તેમને જેલમાં ધકેલી દેવાનો શું અર્થ છે? આમાંથી કંઈ સમાધાન નહીં આવે.
કોર્ટની મોટી ટિપ્પણી
ન્યાયાધીશ નાગરત્ને કહ્યું કે હવે પોસ્ટ ડિલીટ કરવાનો કોઈ અર્થ નથી, એકવાર વસ્તુ સોશિયલ મીડિયા પર મુકવામાં આવે. તે ત્યાં કાયમ રહે છે. અભિવ્યક્તિની સ્વતંત્રતા એ ખૂબ જ મહત્વપૂર્ણ મૂળભૂત અધિકાર છે. પરંતુ તેનો દુરુપયોગ કરવાથી કોર્ટમાં ફરિયાદોનો ભરાવો થાય છે.
છેલ્લી સુનાવણીમાં શું થયું?
૨૪ જૂને થયેલી છેલ્લી સુનાવણીમાં સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ એજી વિશ્વનાથન અને ન્યાયાધીશ એન કોટીશ્વર સિંહની બેન્ચે કેન્દ્ર સરકાર અને આસામ, દિલ્હી, હરિયાણા અને પશ્ચિમ બંગાળની રાજ્ય સરકારોને નોટિસ ફટકારી હતી. આ નોટિસ વજાહત ખાનની અરજી પર આપી હતી. વજાહત ખાને તેની સામે નોંધાયેલી તમામ એફઆઈઆરને એક સાથે જોડવાની માંગ કરી હતી.
વજાહત ખાન સામે શું આરોપ છે?
વજાહત ખાન પર સોશિયલ મીડિયા પર એવી પોસ્ટ પોસ્ટ કરવાનો આરોપ છે જે કથિત રીતે ધાર્મિક દ્વેષ અને સાંપ્રદાયિક તણાવને વધારે છે. ઘણા રાજ્યોમાં તેની સામે એફઆઈઆર નોંધાઈ છે. વજાહત ખાનની ૯ જૂને ધરપકડ કરાઈ હતી. હાલ તે એક FIRમાં પોલીસ કસ્ટડીમાં છે અને બીજી FIR માં ન્યાયિક કસ્ટડીમાં છે.