
દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે JNU (જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી) ના ભૂતપૂર્વ વિદ્યાર્થી નેતા શેહલા રશીદ શોરાને મોટી રાહત આપી છે. કોર્ટે 2019ના રાજદ્રોહ કેસમાં તેમની સામે નોંધાયેલ કેસ પાછો ખેંચવાની દિલ્હી પોલીસની અરજી સ્વીકારી લીધી છે. શેહલાએ સોશિયલ મીડિયા પર ભારતીય સેના અંગે વાંધાજનક ટ્વીટ પોસ્ટ કર્યા બાદ તેની વિરુદ્ધ આ કેસ નોંધવામાં આવ્યો હતો.
આ અંગે માહિતી આપતાં પોલીસ સૂત્રોએ પીટીઆઈને જણાવ્યું હતું કે કોર્ટે દિલ્હી પોલીસને જેએનયુના ભૂતપૂર્વ ઉપપ્રમુખ શેહલા રશીદ શોરા સામે સેના પરના ટ્વિટ બદલ કેસ પાછો ખેંચવાની મંજૂરી આપી છે. ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ અનુજ કુમાર સિંહે 27 ફેબ્રુઆરીએ ફરિયાદ પક્ષ દ્વારા દાખલ કરાયેલી અરજી પર આ આદેશ આપ્યો હતો.
શેહલા વિરુદ્ધ રાજદ્રોહ, ધર્મ, ભાષા, જાતિ અને જન્મસ્થળ વગેરેના આધારે વિવિધ જૂથો વચ્ચે દુશ્મનાવટને પ્રોત્સાહન આપવા અને રમખાણો ભડકાવવા સહિતના વિવિધ ગુનાઓ માટે કેસ નોંધવામાં આવ્યો હતો. આ આરોપોમાં મહત્તમ આજીવન કેદની સજા થઈ શકે છે.
સ્ક્રીનીંગ કમિટીની ભલામણ પર LG એ મંજૂરી પાછી ખેંચી લીધી
દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેનાએ શોરા સામે કેસ ચલાવવાની મંજૂરી પાછી ખેંચી લીધા બાદ પોલીસે કેસ પાછો ખેંચવાની માંગ કરી હતી. એલજીનો આ આદેશ સ્ક્રીનીંગ કમિટીની ભલામણ પર આવ્યો હતો. દિલ્હી પોલીસે કોર્ટમાં આપેલી અરજીમાં કહેવામાં આવ્યું હતું કે, 'દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નરે સ્ક્રીનીંગ કમિટીની ભલામણને મંજૂરી આપી દીધી છે...' ઉપરાજ્યપાલે 23 ડિસેમ્બર, 2024 ના રોજ આ મંજૂરી આપી હતી.
શેહલાએ સેના વિશે વાંધાજનક ટ્વિટ કર્યું હતું
18 ઓગસ્ટ, 2019 ના રોજ પોતાના ટ્વિટમાં, શેહલાએ ભારતીય સેના પર કાશ્મીરમાં ઘરોમાં ઘૂસીને સ્થાનિકો પર ત્રાસ ગુજારવાનો આરોપ લગાવ્યો હતો. જોકે, સેનાએ આ આરોપોને પાયાવિહોણા ગણાવીને નકારી કાઢ્યા હતા. આ પોસ્ટ અંગે, અલખ આલોક શ્રીવાસ્તવ નામના વ્યક્તિએ નવી દિલ્હીના સ્પેશિયલ સેલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જે બાદ દિલ્હી પોલીસે તેમના ટ્વીટ દ્વારા વિવિધ જૂથો વચ્ચે દુશ્મનાવટ ફેલાવવા અને સંવાદિતાને ખલેલ પહોંચાડતા કૃત્યોમાં સામેલ થવા બદલ તેમની સામે કેસ નોંધ્યો હતો.
એલજીના કાર્યાલયે જણાવ્યું હતું કે કાર્યવાહીની મંજૂરીનો પ્રસ્તાવ દિલ્હી પોલીસ દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો અને દિલ્હી સરકારના ગૃહ વિભાગ દ્વારા તેને સમર્થન આપવામાં આવ્યું હતું.