
ભાજપે દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે પોતાના સંકલ્પ પત્રનો બીજો ભાગ જાહેર કર્યો છે. ભાજપના સાંસદ અનુરાગ ઠાકુરે પાર્ટીના સંકલ્પ પત્રનો બીજો ભાગ જાહેર કર્યો હતો. અનુરાગ ઠાકુરે સંકલ્પ પત્ર જાહેર કરતા સ્વાસ્થ્ય અને વાહન વ્યવહારની સમસ્યાનું સમાધાન કરવાનો દાવો કરતા કહ્યું કે અમે તેમની જેમ બહાના નહીં બનાવીયે. કેન્દ્રમાં પણ મોદી સરકાર છે અને દિલ્હીમાં પણ મોદી સરકાર બનશે. અમે સારી દિલ્હી બનાવીશું. અનુરાગ ઠાકુરે AAP પર કોવિડકાળમાં દારૂના વેપારીઓને લાભ પહોંચાડવા, પોતાના ઘરનું નિર્માણ કરી શીશ મહેલ કૌભાંડ કરવાનો આરોપ લગાવ્યો હતો અને CAG રિપોર્ટ વિધાનસભામાં રજૂ ના કરવા પર પણ સવાલ ઉઠાવ્યા હતા.
અનુરાગ ઠાકુરે ભ્રષ્ટાચાર સામે ઝીરો ટોલરન્સનું વચન આપતા કહ્યું કે જો અમે સત્તામાં આવીશું, તો અમે કૌભાંડોની તપાસ માટે SITની રચના કરીશું. તેમણે કહ્યું કે દિલ્હી જે ક્યારેય ખોટમાં નહોતી તે પહેલીવાર મહેસૂલ ખાધમાં હશે અને આમ આદમી પાર્ટી, અરવિંદ કેજરીવાલ અને આતિશીના કારણે આવું થશે. અનુરાગ ઠાકુરે દિલ્હીમાં કેન્દ્ર સરકાર દ્વારા ITIથી લઈને મેડિકલ અને નર્સિંગ કોલેજો સુધીના કાર્યોની ગણતરી કરી અને કહ્યું કે અમે વિજ્ઞાન અને સ્ટાર્ટઅપ્સને પ્રોત્સાહન આપ્યું છે. આપણો દેશ દુનિયામાં ક્યાંય નહોતો, હવે તે ત્રીજો સૌથી મોટો સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ બની ગયો છે.
ભાજપના સાંસદે દિલ્હીના જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને સરકારી સંસ્થાઓમાં KGથી PG સુધી મફત શિક્ષણ આપવાનું વચન આપ્યું હતું અને કહ્યું કે અમે UPSC અને રાજ્ય PSCની તૈયારી માટે વિવિધ રાજ્યોમાં યોજનાઓ શરૂ કરી છે.અનુરાગ ઠાકુરે કહ્યું કે અમે દિલ્હીના યુવાનોને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે 15,000 રૂપિયાની સહાય પૂરી પાડીશું. પરીક્ષા કેન્દ્ર સુધીનો મુસાફરી ખર્ચ અને ફી અમારી સરકાર દ્વારા બે પ્રયાસો સુધી ચૂકવવામાં આવશે.