
મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી વચ્ચે ઉદ્ધવ ઠાકરે અને દેવેન્દ્ર ફડણવીસની કથિત મુલાકાતના સમાચારોથે મહારાષ્ટ્રના રાજકારણમાં ખળભળાટ મચાવી દીધો છે. આ કથિત બેઠક પરથી અનેક રાજકીય અર્થ કાઢવામાં આવી રહ્યા છે. શિવસેના યુબીટીએ આવા સમાચારોને સંપૂર્ણપણે ફગાવી દીધા છે. પાર્ટીના સાંસદ સંજય રાઉતે કહ્યું કે, આવા સમાચાર ફેલાવનારા લોકોએ ભાજપ પાસેથી કોન્ટ્રાક્ટ લીધો છે.
સંજય રાઉતે વધુમાં કહ્યું હતું કે, "ભાજપના લોકો ઉદ્ધવથી ડરે છે. હું છેલ્લો વ્યક્તિ હોઈશ જે તેમની ચક્કરમાં આવીશ. અમારી લડાઈ મહારાષ્ટ્રને લૂંટનારાઓ સામે છે. લૂંટ કરનારાઓ સાથે અમારું નામ જોડીને ડર દેખાડી રહ્યા છે. આ ખૂબ જ હાસ્યાસ્પદ છે કે દેવેન્દ્ર ફડણવીશ અને ઉદ્ધવ ઠાકરેની મુલાકાત અફઝલ ગુરુ અને શિવાજી મહારાજની મુલાકાત જેવી છે.
જણાવી દઈએ કે, મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીઓ વચ્ચે સોમવારે (21 ઓક્ટોબર) શિવસેના યુબીટી ચીફ ઉદ્ધવ ઠાકરે અને ડેપ્યુટી સીએમ અને ભાજપના દિગ્ગજ નેતા દેવેન્દ્ર ફડણવીસની કથિત બેઠકના સમાચારે રાજકીય ખળભળાટ મચાવી દીધો હતો. એવો દાવો પણ કરવામાં આવ્યો હતો કે સંજય રાઉત અમિત શાહને પણ મળ્યા હતા.
અનેક રાજકીય અર્થ કાઢવામાં આવ્યા
ઉદ્ધવ ઠાકરે અને દેવેન્દ્ર ફડણવીસ વચ્ચેની બેઠકના સમાચાર એવા સમયે આવ્યા છે જ્યારે શિવસેના, યુબીટી અને મહાવિકાસ અઘાડીનો ભાગ એવી કોંગ્રેસ વચ્ચે સીટોને લઈને વિવાદ ચાલી રહ્યો છે. આવી સ્થિતિમાં આવા સમાચારોથી અનેક રાજકીય અર્થ કાઢવામાં આવી રહ્યા છે. જો કે, ઉદ્ધવ ઠાકરે જૂથે દાવો કર્યો છે કે શિવસેના યુબીટી મહારાષ્ટ્રમાં એકલા ચૂંટણી લડવાનો કોઈ ઇરાદો નથી. પાર્ટી દ્વારા એ પણ સ્પષ્ટ કરવામાં આવ્યું હતું કે મહાવિકાસ આઘાડીમાં કોઈ પણ પ્રકારનો વિવાદ નથી અને એમવીએ રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી એકજૂટ થઈને લડશે.