
નેશનલ હેરાલ્ડ કેસમાં EDએ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી પર સકંજો કડક કર્યો છે અને મની લોન્ડરિંગ કેસમાં ચાર્જશીટ દાખલ કરી છે. અગાઉ, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ હેરાલ્ડ કેસમાં સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી સંબંધિત મિલકતો જપ્ત કરવાની પ્રક્રિયા શરૂ કરી હતી.
નેશનલ હેરાલ્ડ મની લોન્ડરિંગ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી, સોનિયા ગાંધી અને કોંગ્રેસના ઓવરસીઝ વડા સેમ પિત્રોડા વિરુદ્ધ દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાં ફરિયાદ (ચાર્જશીટ) દાખલ કરી છે. આ કેસમાં, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે ચાર્જશીટમાં સુમન દુબે અને અન્ય લોકોના નામ પણ સામેલ કર્યા છે. ચાર્જશીટ પર સંજ્ઞાન લેવાની સુનાવણી 25 એપ્રિલ માટે નક્કી કરવામાં આવી છે. આ કેસમાં, ED પહેલાથી જ 64 કરોડ રૂપિયાથી વધુની સંપત્તિ જપ્ત કરી ચૂકી છે.
શું છે નેશનલ હેરાલ્ડ કેસ?
નેશનલ હેરાલ્ડ અખબારની સ્થાપના 1938માં જવાહરલાલ નેહરુ દ્વારા કરવામાં આવી હતી. તે સ્વતંત્રતા સંગ્રામનું પ્રતીક હતું. તે એસોસિએટેડ જર્નલ્સ લિમિટેડ એટલે કે AJL દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યું હતું. 2008 માં નાણાકીય કટોકટી બાદ અખબાર બંધ થઈ ગયું, અને અહીંથી વિવાદ શરૂ થયો. 2010માં, યંગ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ YIL નામની કંપની બની. સોનિયા અને રાહુલ ગાંધીનો તેમાં ૩૮-૩૮% હિસ્સો છે. ભાજપના નેતા સુબ્રમણ્યમ સ્વામીએ 2012 માં આરોપ લગાવ્યો હતો કે YIL એ AJL ની 2,000 કરોડ રૂપિયાથી વધુની સંપત્તિ માત્ર 50 લાખ રૂપિયામાં હસ્તગત કરી હતી અને તે છેતરપિંડી અને મની લોન્ડરિંગનો કેસ હતો.