
સુપ્રીમ કોર્ટે દહેજ ઉત્પીડનના ગુના બદલ લગાવાતી કલમ 498-Aને લઇને મહત્ત્વપૂર્ણ સ્પષ્ટતા કરી છે. સુપ્રીમે કહ્યું છે કે દહેજની માગણી કરવામાં આવી ના હોય તો પણ ક્રૂરતા વગેરે ગુના બદલ પણ કલમ 498-A હેઠળ ફરિયાદ દાખલ થઇ શકે છે. આ કલમનો ઉદ્દેશ્ય માત્ર દહેજની માગ બદલ થતી ઉત્પીડનથી મહિલાઓને બચાવવા પુરતો જ નથી, જો મહિલાનો પતિ અને સાસરીયાવાળા દહેજની માગણી ના કરતા હોય પરંતુ હિંસા કરતા હોય, મારપીટ કરતા હોય તો પણ તેમની સામે કલમ 498-A હેઠળ કાર્યવાહી થઇ શકે.
સુપ્રીમ કોર્ટે 498-Aનું વ્યાપક અર્થઘટન કર્યું
સામાન્ય ધારણા એવી છે કે જો દહેજની માગ કરીને મહિલાને પતિ કે સાસરીયા પરેશાન કરે કે ક્રૂરતા આચરે તો જ કલમ 498-A લગાવવામાં આવે, એટલે કે દહેજની માગણીને વધુ ધ્યાનમાં લેવામાં આવતી હોય છે. પરંતુ સુપ્રીમ કોર્ટે મહત્ત્વપૂર્ણ સ્પષ્ટતા કરી દીધી છે અને 498-Aનું વ્યાપક અર્થઘટન કર્યું છે. સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ વિક્રમનાથ અને ન્યાયાધીશ પ્રસન્ના બી. વારાલેની બેંચે કહ્યું હતું કે કલમ 498-Aનો મૂળ ઉદ્દેશ્ય મહિલાને ક્રૂરતાથી બચાવવાનો છે. આ કલમ માત્ર દહેજ ઉત્પીડનના મામલાઓના નિકાલ પુરતી મર્યાદિત નથી.
498-Aમાં બે પ્રકારની ક્રૂરતાનો ઉલ્લેખ
સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે 498-Aમાં બે પ્રકારની ક્રૂરતાનો ઉલ્લેખ છે, પ્રથમ શારીરિક-માનસિક નુકસાન પહોંચાડવું, બીજો ઉલ્લેખ દહેજ કે સંપત્તિ વગેરેની માગ સંતોષવા માટે મહિલાને પરેશાન કરવી હેરાન કરવીનો સમાવેશ થાય છે. તેથી જરૂરી નથી કે દહેજની માગ હોય તો જ કાર્યવાહી થાય. 498-Aમાં એ-બી એમ બે સેક્શન છે, એ મુજબ અત્યાચાર કે કોઇ કારણોસર મહિલાને આત્મહત્યા તરફ લઇ જવી અથવા તો શારીરિક કે માનસિક યાતના આપવી, બી મુજબ મહિલા પાસે દહેજ તરીકે સંપત્તિ-રૂપિયા વગેરેની માગણી કરવી અને તેને આ માટે પરેશાન કરવી. આ કલમનો પ્રાથમિક ઉદ્દેશ્ય મહિલાને શારીરિક અથવા માનસિક ક્રૂરતા કે યાતનાથી બચાવવાનો છે જેમાં દહેજ વગેરેની માગણીનો ઉમેરો કરવામાં આવ્યો છે.
પતિ અને સાસરીયાઓએ મહિલા પર અત્યાચાર કરવાનું શરૂ કર્યું
સુપ્રીમ કોર્ટમાં અરજી કરનારી આંધ્ર પ્રદેશની મહિલાના લગ્ન આરોપી સાથે વર્ષ 2005 માં થયા હતા, બાદમાં મહિલા પોતાના પતિ અને સાસરીયાવાળા સાથે રહેવા લાગી હતી. મહિલાએ વર્ષ 2017માં ગુંટુર પોલીસ સમક્ષ ફરિયાદ કરી હતી, જેમાં તેણે પતિ સહિત છ સામે કલમ 498-A અને આઇપીસીની કલમ 34 હેઠળ ફરિયાદ દાખલ કરાવી હતી. જેમાં મહિલાએ કહ્યું હતું કે મારા લગ્ન સમયે મારા માતા પિતાએ પતિને એક લાખ રૂપિયા રોકડા અને બાદમાં 10 લાખ રૂપિયાની જ્વેલરી આપી હતી. બાદમાં મારા માતા પિતાને થોડી આર્થિક મદદની જરૂર હતી તો મારા પતિએ મને એક વખત 40 હજાર રૂપિયા આપ્યા હતા, જોકે આ રૂપિયા મે ગામના એક ટેલરને આપ્યા હતા કેમ કે તેનો પુત્ર અત્યંત ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ હતો, ટેલરે બાદમાં મને રૂપિયા પરત ના આપતા મારા પતિ અને સાસરીયાઓએ મારા પર અત્યાચાર કરવાનું શરૂ કરી દીધું.
મહિલાએ કહ્યું હતું કે 23 ઓગસ્ટ 2015 ના રોજ મને માર મારવામાં આવ્યો. જેમાં મારો પતિ પણ સામેલ હતો. બાદમાં હું મારા માતા-પિતાના ઘરે પરત ફરી હતી, મે અનેક વખત મારા સાસરીયાના ઘરે જવાનો પ્રયાસ કર્યો પરંતુ મને તેઓએ કાઢી મુકી. બાદમાં પોલીસે આ મામલે ફરિયાદ દાખલ કરીને ચાર્જશીટ ફાઇલ કરી હતી, જોકે આરોપી પતિ અને સાસુ બન્ને હાઇકોર્ટ પહોંચ્યા હતા, હાઇકોર્ટે બન્ને સામેની કાર્યવાહીને અટકાવીને ફરિયાદ રદ કરી હતી સાથે એવુ કહ્યું હતું કે 498-A હેઠળ દાખલ ફરિયાદમાં દહેજનો કોઇ ઉલ્લેખ નથી. બાદમાં મહિલાએ સુપ્રીમમાં ગુહાર લગાવી હતી, સુપ્રીમ કોર્ટે સ્પષ્ટતા કરી હતી કે 498-A હેઠળ દહેજની માગ જરૂરી નથી. સુપ્રીમ કોર્ટે 498-A હેઠળ જ પતિ અને સાસુની સામે ટ્રાયલ શરૂ કરવા કોર્ટને આદેશ આપ્યો હતો.