
જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલાને લઇ ખુશી વ્યક્ત કરનાર અને લશ્કર-એ-તૈયબા તેમજ પાકિસ્તાનને અભિનંદન પાઠવનાર મોહમ્મદ નૌશાદને બોકારોના મખદુમપુરથી બુધવારે ઝડપી લેવામાં આવ્યો હતો.
આતંકીઓને અભિનંદન આપ્યા
35 વર્ષીય નૌશાદે બિહારના એક મદરેસામાં કુરાનની તાલીમ લઈને ડિગ્રી મેળવી છે. હાલ તે પિતાની સાથે બોકારોમાં રહે છે. તેનો એક ભાઇ દુબઇમાં રહે છે, જેના નામે અલોટ કરાયેલા સિમ કાર્ડથી નૌશાદ ઇન્સ્ટાગ્રામ, એક્સ (હવે પહેલું ટ્વિટર) અને ફેસબુક ચલાવે છે.બુધવારે જ્યારે સમગ્ર દેશ હુમલામાં શહીદ થયેલા લોકોના શોકમાં હતો, ત્યારે નૌશાદ રાત્રે આતંકીઓને અભિનંદન પાઠવી રહ્યો હતો.
ઉર્દૂમાં ખુશી વ્યક્ત કરી
નૌશાદે એક્સ પર ઉર્દૂમાં લખ્યું હતું: ‘શુક્રિયા પાકિસ્તાન, શુક્રિયા લશ્કર-એ-તૈયબા, અલ્લાહ તમને હંમેશા ખુશ રાખે. આમીન, આમીન. અમને વધુ ખુશી થાય જો આરએસએસ, ભાજપ, બજરંગ દળ અને મીડિયા પર નિશાન સાધવામાં આવે.’ સાથે જ તેણે ત્રણ સ્માઇલી ઇમોજી મૂકીને પોતાની ખુશી દર્શાવી હતી.તેના પછી પણ તેણે અનેક ઉશ્કેરણીભર્યા ટ્વીટ કર્યા જેમાં ઘણી વાંધાજનક બાબતો લખી હતી.
લોકોએ પોલીસને ટેગ કરી
નૌશાદના ટ્વીટ બાદ લોકો સતત ઝારખંડ પોલીસને ટૅગ કરીને કડક કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા હતા. આરોપી અગાઉ પણ અનેક ઉશ્કેરણીજનક પોસ્ટ્સ કરતો રહ્યો છે અને લોકો તેના વિરુદ્ધ ફરિયાદો કરતા રહ્યા છે. હવે તેણે ફરી પુલવામા હુમલાના સંદર્ભમાં ઝેરી ભાષાનો ઉપયોગ કર્યો.
નૌશાદ ઝડપાયો
ઘટનાની ગંભીરતા જોઈને એસપી મનોજ સ્વર્ગિયારીના નેતૃત્વ હેઠળ ટેક્નિકલ સેલને સામેલ કરીને ઈન્સ્પેક્ટર નવિનકુમારસિંહના નેતૃત્વમાં એસઆઇટી રચવામાં આવી. આ ટીમે આખી રાત મહેનત કરીને બુધવારે સવારે નૌશાદને ઝડપી લીધો. હાલ પોલીસ સ્ટેશનમાં તેની પુછપરછ ચાલી રહી છે અને એફઆઈઆર નોંધવાની પ્રક્રિયા ચાલી રહી છે. ત્યારબાદ તેને અદાલતમાં રજૂ કરવામાં આવશે.