
દિલ્હીમાં કોંગ્રેસના નવા હેડક્વાર્ટરના ઉદઘાટન વખતે કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ આપેલા નિવેદન બાદ વિવાદ શરૂ થઈ ગયો છે. ભાજપ રાહુલ ગાંધીને ચોતરફથી ઘેરવાનો પ્રયાસ કરી રહી છે. બીજીતરફ તેમની વિરુદ્ધ આસામમાં ફરિયાદ નોંધાઈ છે.
રાહુલ વિરુદ્ધ ગુવાહાટીમાં નોંધાઈ FIR
આસામની રાજધાની ગુવાહાટીમાં મોનજીત ચેતિયા નામના વ્યક્તિએ રાહુલ ગાંધી વિરુદ્ધ બિનજામીનપાત્ર કલમો હેઠળ FIR નોંધાવી છે. એફઆઈઆરમાં જે કલમો લખાઈ છે, જે ખૂબ જ ગંભીર અને બિનજામીનપાત્ર છે. ચેતિયાએ કહ્યું કે, રાહુલ ગાંધીએ દિલ્હીમાં આપેલું નિવેદન ભારતની એકતા અને અખંડીતતા માટે ખતરા સમાન છે.
FIRમાં બિનજામીનપાત્ર કલમો
ગુવાહાટી (Guwahati)ના પાન બજાર પોલીસ સ્ટેશનમાં રાહુલ વિરુદ્ધ નોંધાયેલી FIRમાં ભારતીય ન્યાયિક સંહિતાની કલમ 152 અને 197(1)નો ઉલ્લેખ કરાયો છે, જે દેશની એકતા અને અખંડિતતાને જોખમમાં મૂકતી કોઈપણ કાર્યવાહી પર લગાવવામાં છે. આ કલમો બિનજામીનપાત્ર છે.
રાહુલ ગાંધી શું બોલ્યા હતા?
વાસ્તવમાં દિલ્હીમાં કોંગ્રેસના નવા હેડક્વાર્ટરના ઉદઘાટન વખતે રાહુલ ગાંધીએ સંઘ પ્રમુખ મોહન ભાગવત (Mohan Bhagwat) પર નિશાન સાધ્યું હતું. મોહન ભાગવતે અયોધ્યામાં રામ મંદિરના નિર્માણની ઉજવણી ભારતની ખરી આઝાદી તરીકે ઉજવવાનું નિવેદન આપ્યું હતું, જેના પર રાહુલ નિશાન સાધી કહ્યું હતું કે, ‘ભાગવતનું નિવેદન દર્શાવે છે કે ભાજપ (BJP) અને RSS દેશની સ્વતંત્રતા અને બંધારણ વિશે શું વિચારે છે. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, આ લોકોને ભારતના બંધારણમાં વિશ્વાસ નથી.
કોંગ્રેસ સાંસદે એમ પણ કહ્યું હતું કે, ભાજપ અને આરએસએસ એક પછી એક તમામ સંસ્થાઓ પર કબજો કરી રહ્યા છે. અમે ભાજપ, આરએસએસની સાથે ઈન્ડિયન સ્ટેટ સામે પણ લડી રહ્યા છીએ.
રાહુલના નિવેદન બાદ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાએ કહ્યું હતું કે, રાહુલ ગાંધી દેશને તોડવાની અને વિભાજન કરવાની દિશામાં કામ કરી રહ્યા છે.