
આર્થિક સુધારાના જનક પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહના દિલ્હીના નિગમબોધ ઘાટ પર રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. મનમોહનસિંહના અંતિમ સંકસ્કારને લઇને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી અને AAPના સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સહિતના નેતાઓએ સવાલ ઉઠાવ્યા છે.
કેન્દ્ર સરકારે મનમોહનસિંહનું કર્યું અપમાન
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ એક્સ પર પોસ્ટ કરતા કહ્યું, "ભારત માતાના મહાન સપૂત અને શિખ સમુદાયના પ્રથમ વડાપ્રધાન ડૉ. મનમોહનસિંહના અંતિમ સંસ્કાર નિગમબોધ ઘાટ પર કરાવીને વર્તમાન સરકારે તેમનું અપમાન કર્યું છે. એક દાયકા માટે તે ભારતના વડાપ્રધાન રહ્યાં, તેમના સમયમાં દેશ આર્થિક મહાશક્તિ બન્યો અને તેમની નીતિઓ આજે પણ દેશના ગરીબ અને પછાત વર્ગોનો સહારો છે."
સર્વોચ્ચ સન્માનના હકદાર છે પૂર્વ PM
કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ કહ્યું, "અત્યાર સુધી, તમામ ભૂતપૂર્વ વડાપ્રધાનોની ગરિમાને માન આપીને, તેમના અંતિમ સંસ્કાર અધિકૃત સમાધિઓમાં કરવામાં આવ્યા છે, જેથી દરેક વ્યક્તિ કોઈપણ અસુવિધા વિના અંતિમ શ્રદ્ધાંજલિ આપી શકે. ડૉ. મનમોહન સિંહ અમારા સર્વોચ્ચ સન્માન (ભારત રત્ન) અને સમાધિ સ્થળના હકદાર છે. સરકારે દેશના આ મહાન પુત્ર અને તેમની ગૌરવશાળી કોમ પ્રત્યે આદર બતાવવો જોઇતો હતો."
કેજરીવાલે શું કહ્યું?
દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે, 'ભારતના વડાપ્રધાન ડૉ. મનમોહન સિંહજીના અંતિમ સંસ્કાર નિગમ બોધ ઘાટ પર કરાયા. તેના પહેલા ભારતના તમામ વડાપ્રધાનોના અંતિમ સંસ્કાર રાજઘાટ પર કરવામાં આવતા હતા. શીખ સમાજે આવનારા, સમગ્ર દુનિયામાં જાણીતા, 10 વર્ષ ભારતના વડાપ્રધાન રહેલા ડૉ. મનમોહન સિંહજીના અંતિમ સંસ્કાર અને સમાધિ માટે ભાજપ સરકાર 1000 ગજ જમીન પણ ન આપી શકી.'
https://twitter.com/ArvindKejriwal/status/1872952990811996458
ભાજપે શીખ સમુદાયનું અપમાન કર્યું: AAP
પૂર્વ વડાપ્રધાન ડૉ. મનમોહન સિંહના સ્મારક માટે જગ્યાના મુદ્દે આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહે કહ્યું, 'દુર્ભાગ્યની વાત છે કે અમારે આ વિશે વાત પણ કરવી પડી. આ દર્શાવે છે કે સરકારની વિચારસરણી કેટલી ક્ષુદ્ર છે. હું પીએમ નરેન્દ્ર મોદીને પૂછવા માંગુ છું કે તમે પૂર્વ પીએમ મનમોહન સિંહના અંતિમ સંસ્કાર માટે રાજઘાટ સંકુલમાં જગ્યા આપવા કેમ તૈયાર નથી? આ ભાજપની વિચારસરણી છે. તેઓ પોતાને સૌથી સંસ્કારી પાર્ટી કહે છે, મને એવા ભૂતપૂર્વ વડાપ્રધાનનું નામ કહો જેમના અંતિમ સંસ્કાર નિગમબોધમાં કરવામાં આવ્યા હતા... આજે શીખ સમુદાયના લોકો કેટલું અપમાનિત અનુભવી રહ્યા હશે.'
https://twitter.com/PTI_News/status/1872908685007306950
આ પણ વાંચો: પંચતત્ત્વમાં વિલિન થયા મનમોહન સિંહ, રાજકીય સન્માન સાથે અંતિમ વિદાય
નવજોત સિંહ સિદ્ધુએ પણ ઉઠાવ્યા સવાલ
કોંગ્રેસ નેતા નવજોત સિંહ સિદ્ધુએ પણ ભારતીય જનતા પાર્ટીની ટીકા કરી અને તેના પર રાજનીતિ કરવાનો આરોપ લગાવ્યો. આ બાબતે પત્રકારો સાથે વાત કરતા સિદ્ધુએ કહ્યું, 'જ્યારે કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય છે, ત્યારે તેની સાથેની બધી દુશ્મની સમાપ્ત થઈ જાય છે. પરંતુ અહીં રાજકારણ થઈ રહ્યું છે. હું એક નાનકડો પ્રશ્ન પૂછું છું કે જો અટલજીના અંતિમ સંસ્કાર કરવામાં આવે અને જો કોઈ કહે કે રાજઘાટ પર સ્મારક બનાવવામાં આવશે નહીં, તો તમને કેવું લાગશે? આ કોઈ પક્ષનો મુદ્દો નથી પરંતુ દેશના ઈતિહાસનો છે.'