
ઝારખંડ પોલીસ માટે માથાનો દુ:ખાવો બની ગયેલા ગેંગસ્ટર અમન સાહૂને પોલીસે એન્કાઉન્ટરમાં ઠાર કરી દેવાયો છે. રાંચી પોલીસની ટીમ અમન સાહૂને પૂછપરછ માટે રાયપુરથી લઈને આવી રહી હતી, ત્યારે જ પોલીસની ગાડી દુર્ઘટનાગ્રસ્ત થઈ ગઈ. આ દરમિયાન અમન સાહૂએ પોલીસ કસ્ટડીમાંથી ભાગવાનો પ્રયાસ કર્યો અને પછી પલામુના ચૈનપુરમાં પોલીસ સાથે તેનું એન્કાઉન્ટર થયું, જેમાં અમન સાહૂ માર્યો ગયો. અમન સાહૂ પોતાને લૉરેન્સ બિશ્નોઈનો નજીકનો ગણાવતો હતો. એટલું જ નહીં તેનું કેનેડાથી મલેશિયા સુધી કનેક્શન હતું.
પૂર્ણિયાના સાંસદ પપ્પુ યાદવને અમન સાહૂ ગેંગ તરફથી જ ધમકીઓ મળી હતી
અમન સાહૂએ 2013માં પોતાની ગેંગ બનાવી હતી. લગભગ અઢી વર્ષ પહેલા અમન સાહૂ ગેંગના લોકોએ કોરબામાં બર્બરીક ગ્રુપના પાર્ટનરના ઘરની બહાર ગોળીબાર કર્યો હતો. તાજેતરમાં પૂર્ણિયાના સાંસદ પપ્પુ યાદવને અમન સાહૂ ગેંગ તરફથી જ ધમકીઓ મળી હતી, જ્યારે તેમણે લૉરેન્સ બિશ્નોઈના ખાતમાનો દાવો કર્યો હતો. એવો આરોપ છે કે અમન સાહૂએ કેટલાક શૂટરોને રાયપુર પણ મોકલ્યા હતા. શહેરના ઘણા બિઝનેસમેન તેની હિટ લિસ્ટમાં હોવાનો પણ દાવો કરવામાં આવ્યો હતો. ત્યારબાદ રાયપુર પોલીસે આ ગેંગના ચાર આરોપીઓની ધરપકડ કરી હતી.
કેનેડા અને મલેશિયા સાથે શું કનેક્શન?
પ્રાપ્ત માહિતી પ્રમાણે ગેંગસ્ટર અમન સાહૂનું ફેસબુક એકાઉન્ટ અમન સિંહ નામના વ્યક્તિ દ્વારા કેનેડાથી ઓપરેટ કરવામાં આવે છે, જ્યારે બીજું એકાઉન્ટ મલેશિયાના સુનીલ રાણા નામના વ્યક્તિ દ્વારા ઓપરેટ કરવામાં આવે છે. રાજસ્થાનનો રહેવાસી સુનીલ મીણા લોરેન્સનો મિત્ર છે. હાલમાં સુનીલ મીણા અઝરબૈજાન પોલીસની કસ્ટડીમાં છે. તેના પ્રત્યાર્પણની પ્રક્રિયા પૂર્ણ થઈ ચૂકી છે. એવું પણ કહેવાય છે કે અમન સાહૂ લૉરેન્સ બિશ્નોઈને ગુંડાઓ સપ્લાય કરતો હતો, જેના બદલામાં તેને લોરેન્સ પાસેથી હાઈટેક હથિયારો મળતા હતા, તેના દમ પર તે ઝારખંડ-બિહાર-છત્તીસગઢમાં પૈસા અને ખંડણી વસૂલતો હતો.
ખંડણી અને હત્યાના અનેક કેસો નોંધાયેલા છે
અમન સાહૂ વિરુદ્ધ ખંડણી, ફાયરિંગથી લઈને હત્યા સુધીના અનેક કેસ નોંધાયેલા હતા. મે 2023માં અમન સાહૂ ગેંગે ઋત્વિક કંપનીના પ્રોજેક્ટ કો-ઓર્ડિનેટર શરત કુમારની ગોળી મારીને હત્યા કરી નાખી હતી. શિવપુર રેલવે લાઈનનું નિર્માણ કાર્ય કરી રહેલી સાંઈ કૃપા કંપનીની સાઈટ પર અમન સાહૂ ગેંગે ગોળીબાર કર્યો હતો. માર્ચ 2024માં રાંચીમાં એક જમીનના વેપારીને અમન સાહૂના નામે 5 કરોડ રૂપિયાની ખંડણી માગવામાં આવી હતી. તાજેતરમાં જ રાંચીમાં એક કોલસાના ઉદ્યોગપતિ વિપિન મિશ્રાને ગોળી મારીને ઘાયલ કરી દીધો હતો.