
ગોવાથી લખનૌ જતું વિમાન અમદાવાદ વિમાન દુર્ઘટનાની જેમ જ ઉડાન ભરતાની સાથે જ નીચે જવા લાગ્યુ હતું. જોકે, પાયલોટે થોડી વાર બાદ વિમાનને કંટ્રોલ કરી લીધુ હતું. આ દરમિયાન ફ્લાઇટ સવાર તમામ 172 મુસાફરોના શ્વાસ અધ્ધર થઇ ગયા હતા. લખનૌના અમોસી એરપોર્ટ પર લેન્ડ થવા સુધી મુસાફરોમાં ડરનો માહોલ જોવા મળ્યા હતા. 2.20 કલાકની મુસાફરીમાં મુસાફરો સુરક્ષિત રહેવાની પ્રાર્થના કરતા રહ્યાં હતા. અમૌસી પહોંચ્યા બાદ મુસાફરોએ સોશિયલ મીડિયા પર આખો ઘટનાક્રમ શેર કર્યો છે. સાથે જ સુરક્ષિત મુસાફરી માટે ભગવાનનો આભાર માન્યો હતો.
ગોવા-લખનૌ ફ્લાઇટમાં બની ઘટના
ઇન્ડિગોનું વિમાન 6E6811 ગોવાથી બપોરે 3.40 વાગ્યે ઉડાન ભરીને સાંજે 6.15 વાગ્યે લખનૌના અમોસી એરપોર્ટ પર લેન્ડ કરે છે. વિમાને સોમવાર બપોરે આઠ મિનિટ મોડુ 3.49 પર ઉડાન ભરી હતી. વિમાનમાં સવારે જોલી ખાને સોશિયલ મીડિયા પર લખ્યુ કે પાયલોટે ખુદની સાથે તમામ મુસાફરોનો જીવ જોખમમાં મુક્યો હતો.
જોલી અનુસાર ટેક ઓફ કરતાની સાથે જ વિમાન અચાનક નીચે આવવા લાગ્યુ હતું જેનાથી મુસાફરોમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો. જોકે, પાયલોટે તરત જ કંટ્રોલ કરી લીધુ હતું. વિમાનના સાંજે 6.08 વાગ્યે અમૌસી એરપોર્ટ પર લેન્ડ કર્યા બાદ મુસાફરોએ રાહતનો શ્વાસ લીધો હતો. બીજી તરફ મુસાફરોએ સવાલ ઉઠાવ્યા છે કે અંતે કોની ભૂલ હતી.
મુસાફરોએ DGCAને તપાસની કરી માંગ
મુસાફરોએ આ ઘટનાને લઇને DGCAને તપાસ કરવાની માંગ કરી છે. ટ્વીટમાં એક મુસાફરે લખ્યુ, "172 લોકોના જીવ જોખમમાં મુકવામાં આવ્યા. વિમાનમાં કોઇ એલર્ટ નથી, ક્રૂ મેમ્બર ગભરાયેલા હતા, મુસાફરો રડી રહ્યાં હતા. કૃપયા DGCA આ ઘટના પર તરત તપાસ કરે. આ બેદરકારી મોંઘી પડી શક્તિ હતી."
અન્ય એક મુસાફરે આ ઘટનાનો વીડિયો પણ બનાવ્યો છે. મુસાફરે કહ્યું, "આ કોઇ સામાન્ય ઝટકો નહતો. ફ્લાઇટ એટલી ઝડપથી હલી રહી હતી કે અમને લાગ્યુ કે હવે અમે જીવતા નહીં બચીયે..એક વખત તો સૌને પોતાનું જીવન ખતમ થતા લાગી રહ્યું હતું. ભગવાનનો આભાર છે કે પાયલોટે સ્થિતિ પર કાબુ મેળવ્યો અને અમે સુરક્ષિત લખનૌ પહોંચી ગયા.જોકે, આ કોઇ મોટી દુર્ઘટનાથી ઓછુ નહતું."
અમદાવાદમાં વિમાન દુર્ઘટનામાં થયા હતા 241 મુસાફરોના મોત
મહત્ત્વપૂર્ણ છે કે 12 જૂને અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ AI171 ટેક ઓફ થતાની સાથે જ ક્રેશ થતા 241 મુસાફર સહિત 275 લોકોના મોત થયા હતા. આ ઘટના બાદ બોઇંગ વિમાનમાં સતત ખામી જોવા મળી રહી છે.