
Delhi Assembly Elections 2025 : યમુનામાં ઝેર ભેળવવાના આરોપોને કારણે AAP વડા અરવિંદ કેજરીવાલની મુશ્કેલીઓ વધી ગઈ છે. હરિયાણાની ભાજપ સરકારે દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી વિરુદ્ધ FIR નોંધવાનો આદેશ આપ્યો છે. બીજી તરફ, આમ આદમી પાર્ટીના વડાએ પણ ચૂંટણી પંચ સમક્ષ પોતાના દાવાના પુરાવા રજૂ કરવાના રહેશે. તેમના જવાબ અને ચૂંટણી પંચના વલણ પર પણ બધાની નજર છે.
હરિયાણાના મહેસૂલ અને આપત્તિ વ્યવસ્થાપન મંત્રી વિપુલ ગોયલે જણાવ્યું હતું કે, આપત્તિ વ્યવસ્થાપન અધિનિયમની કલમ 2(d) અને 54 હેઠળ FIR નોંધવામાં આવી છે. ભાજપ સરકારના મંત્રીએ કહ્યું કે, અરવિંદ કેજરીવાલે હરિયાણા અને દિલ્હીના લોકો સામે જૂઠ્ઠાણું અને ગભરાટ ફેલાવવાનો પ્રયાસ કર્યો છે. મંત્રીએ કહ્યું, '(કેજરીવાલે) હરિયાણા સરકાર પર આટલો મોટો આરોપ લગાવ્યો છે, તો હવે કાનૂની પ્રક્રિયા પણ થશે.' ચૂંટણી પંચે પણ તેમને પૂછ્યું છે કે, તેઓએ કયા આધારે કહ્યું કે, દિલ્હીને ઝેરી પાણી આપવામાં આવ્યું હતું. તેઓ પાયાવિહોણા નિવેદનો આપીને લોકોમાં ગભરાટ ફેલાવવાનું કામ કરે છે. અમે આની નિંદા કરીએ છીએ, તેમને શરમ આવવી જોઈએ.
દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં સતત થઈ રહેલા નિવેદનબાજીને કારણે ચૂંટણીનો માહોલ ગરમાયો છે. AAP ના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ તેમના આરોપોને કારણે મુશ્કેલીમાં મુકાયા હોય તેવું લાગે છે. તેમણે આરોપ લગાવ્યો હતો કે હરિયાણા સરકારે યમુનાના પાણીને ઝેરી બનાવી દીધું છે. આ અંગે ચૂંટણી પંચે અરવિંદ કેજરીવાલને નોટિસ મોકલી છે.
સામૂહિક નરસંહાર થઇ જાત : કેજરીવાલ
કેજરીવાલે દાવો કર્યો હતો કે જો દિલ્હી જળ બોર્ડે યમુનાના પાણીમાં ઝેર શોધી કાઢ્યું ન હોત તો મોટા પાયે હત્યાકાંડ થઈ શક્યો હોત. ચૂંટણી પંચે ચિંતા વ્યક્ત કરી છે કે કેજરીવાલના આરોપોના ગંભીર પરિણામો આવી શકે છે. આમાં પ્રાદેશિક જૂથો વચ્ચે દુશ્મનાવટ, પડોશી રાજ્યોના રહેવાસીઓ વચ્ચે તણાવ અને પાણીની અછતને કારણે કાયદો અને વ્યવસ્થાની સમસ્યાઓનો સમાવેશ થાય છે. કમિશને કેજરીવાલને આવતીકાલે બુધવારે રાત્રે 8 વાગ્યા સુધીમાં પુરાવા આપવા કહ્યું છે.
https://twitter.com/ani_digital/status/1884267328378167684
કેજરીવાલ જણાવે કે યમુનાના પાણીમાં ઝેરનો રિપોર્ટ ક્યાં છે? : અમિત શાહ
હરિયાણા દ્વારા યમુનામાં ઝેર છોડવાના આરોપનો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કડક જવાબ આપ્યો છે. એવું કહેવામાં આવ્યું છે કે અરવિંદ કેજરીવાલે તે રિપોર્ટ જાહેર કરવો જોઈએ જેમાં જળ બોર્ડે હરિયાણા સરકાર પર યમુનામાં ઝેર ફેલાવવાનો આરોપ લગાવ્યો છે. જો આ સાબિત થશે તો તે પોતે તેની જવાબદારી લેશે. યમુનામાં કયું ઝેર ભેળવવામાં આવ્યું છે અને તેનું નામ શું છે તે મને કહો. કેજરીવાલ એમ પણ કહે છે કે તેમણે ઝેરી પાણીનો પુરવઠો બંધ કર્યો, તેથી દિલ્હી બચી ગઈ. તેમણે પાણી પુરવઠો બંધ કરવાનો આદેશ પણ જાહેર કરવો જોઈએ.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કાલકાજી વિધાનસભા મતવિસ્તારમાં એક ચૂંટણી રેલીમાં કહ્યું કે હાર જોઈને કેજરીવાલ ગુસ્સે થઈ ગયા છે. તેઓ એટલા ગંદા રાજકારણમાં ઉતરી ગયા છે કે તેઓ અફવા ફેલાવી રહ્યા છે કે પડોશી રાજ્ય હરિયાણા દિલ્હીના પાણીને ઝેરી બનાવી રહ્યું છે. તમારી સરકાર જૂઠાણા, છેતરપિંડી, વચન ભંગ અને ભ્રષ્ટાચારની સરકાર છે. કેજરીવાલે કહ્યું હતું કે તેઓ ભ્રષ્ટાચારમાં સામેલ નહીં થાય. જ્યારે કરોડો રૂપિયાનું દારૂ કૌભાંડ આચરવામાં આવ્યું હતું. મંદિરો, ગુરુદ્વારા અને શાળાઓની સામે દારૂની દુકાનો ખુલી ગઈ અને લોકો જેલમાં પણ ગયા. તેમણે પાણી બોર્ડ કૌભાંડ, રાશન કૌભાંડ, ડીટીસી બસ કૌભાંડ, વર્ગખંડ કૌભાંડ આચર્યું અને પોતાના માટે કરોડોનો કાચનો મહેલ બનાવ્યો.