
બોમ્બે હાઈકોર્ટે એક વચગાળાના આદેશમાં મુંબઈના એક પ્રજનન કેન્દ્રને નિર્દેશ આપ્યો છે કે તે એક મૃત અપરિણીત પુરુષના શુક્રાણુને ત્યાં સુધી સુરક્ષિત રાખે જ્યાં સુધી તેની માતાની અરજી પર સુનાવણી પૂર્ણ ન થાય. મૃતક વ્યક્તિની માતા તેના વંશને આગળ વધારવા તેના પુત્રના વીર્યનો ઉપયોગ કરવા માંગે છે, પરંતુ પ્રજનન કેન્દ્રે મૃતક વ્યક્તિનું વીર્ય તેની માતાને આપવાનો ઇનકાર કર્યો હતો. આ પછી મહિલાએ હાઈકોર્ટનો દરવાજો ખટખટાવ્યો.
વ્યક્તિએ તેના સંમતિ પત્રમાં આગ્રહ કર્યો હતો કે, તેના મૃત્યુ પછી વીર્ય ફેંકી દેવામાં આવે. વ્યક્તિએ કેન્સરની સારવારના ભાગ રૂપે કીમોથેરાપી કરાવતી વખતે તેના વીર્યને સુરક્ષિત રાખવાનો વિકલ્પ પસંદ કર્યો હતો. કેસની સુનાવણી કરતા ન્યાયાધીશ મનીષ પિટલેની બેન્ચે 25 જૂને કહ્યું હતું કે જો અરજીની સુનાવણી સુધી મૃતકના વીર્યને સુરક્ષિત રાખવામાં નહીં આવે તો આ અરજી અર્થહીન બની જશે. કોર્ટે અરજીની આગામી સુનાવણી 30 જુલાઈ માટે નક્કી કરી છે.
હાઈકોર્ટે શું કહ્યું?
કોર્ટે પોતાના આદેશમાં કહ્યું, "આ દરમિયાન, વચગાળાના નિર્દેશ તરીકે પ્રજનન કેન્દ્રને અરજી પેન્ડિંગ દરમિયાન મૃતકના વીર્યને સાચવવાનો નિર્દેશ આપવામાં આવે છે. બેન્ચે કહ્યું કે અરજી સહાયિત પ્રજનન ટેકનોલોજી (નિયમન) અધિનિયમ, 2021 ની જોગવાઈઓ હેઠળ વ્યક્તિના મૃત્યુ પછી તેના વીર્યને કેવી રીતે સાચવવું તે અંગે મહત્વપૂર્ણ સવાલો ઊભા કરે છે.
કોર્ટે કહ્યું કે હાલના કેસમાં ફેબ્રુઆરીમાં તેના મૃત્યુ સમયે પુરુષ અપરિણીત હતો. મહિલાએ પોતાની અરજીમાં દલીલ કરી હતી કે તેના પુત્રએ પરિવારના સભ્યો સાથે સલાહ લીધા વિના તેના સંમતિ પત્રમાં સંમતિ આપી હતી કે જો તે મૃત્યુ પામે તો તેનું સચવાયેલું વીર્ય ફેંકી દેવું.
માતાની વિનંતી, IVF સેન્ટરમાં વીર્ય ટ્રાન્સફર કરો
યુવકના મૃત્યુ પછી તેની માતાએ મુંબઈ સ્થિત પ્રજનન કેન્દ્રને વિનંતી કરી કે, ભવિષ્યના ઉપયોગ માટે તે વિર્ય સેમ્પલને ગુજરાતના IVF સેન્ટરમાં ટ્રાન્સફર કરવાની મંજૂરી આપવામાં આવે. જોકે, પ્રજનન કેન્દ્રે ઇનકાર કરતા પુરુષની માતાને નવા કાયદા હેઠળ કોર્ટની પરવાનગી મેળવવા કહ્યું હતું. આ કાયદાનો ઉદ્દેશ્ય પ્રક્રિયામાં નૈતિકતા સુનિશ્ચિત કરવાનો, દુરુપયોગ અટકાવવાનો અને સહાયિત પ્રજનન ટેકનોલોજી સેવાઓ મેળવવા માંગતા વ્યક્તિઓના અધિકારોનું રક્ષણ કરવાનો પણ છે.