
જમ્મુ અને કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને નેશનલ કોન્ફરન્સના અધ્યક્ષ ફારૂક અબ્દુલ્લાએ કહ્યું કે, INDIA ગઠબંધન સારી રીતે ચાલી રહ્યું છે. આ દરમિયાન તેઓએ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં આયોજિત મહાકુંભમાં જવાને લઈને કહ્યું કે, હું ઘરે જ સ્નાન કરૂ છું.
મારો ઈશ્વર મંદિર-મસ્જિદમાં નથી
INDIA ગઠબંધનને લઈને પૂછાયેલા સવાલ પર તેઓએ કહ્યું કે, 'INDIA ગઠબંધન ખૂબ જ સારી રીતે ચાલી રહ્યું છે અને ભવિષ્યમાં પણ ચાલશે.' બાદમાં તેમને મહાકુંભ વિશે સવાલ કરવામાં આવ્યો તો તેઓએ કહ્યું કે, 'હું તો ઘરમાં જ સ્નાન કરી લઉ છું. મારો ઈશ્વર પાણીમાં નથી, ન મંદિરમાં છે, ન મસ્જિદમાં છે અને ન તો ગુરૂદ્વારામાં છે. મારો ઈશ્વર મારા દિલમાં છે'.
INDIA ગઠબંધનના નેતાઓએ નાસભાગ પર કર્યો સવાલ
INDIA ગઠબંધનની સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવે મહાકુંભ મેળામાં થયેલી નાસભાગ દરમિયાન મોત પર પારદર્શિતાની માંગ કરી છે. તેઓએ સરકારને મોતના સાચા આંકડા આપવાની માંગ કરી છે. સંસદમાં વિવાદ દરમિયાન અખિલેશે ઑલપાર્ટી મિટિંગની પણ અપીલ કરી હતી.
આ સિવાય અખિલેશ યાદવે માંગ કરી કે, મહાકુંભ અકસ્માતમાં થયેલા મોત, ઈજાગ્રસ્તોની સારવાર, દવા, તબીબો, ભોજન, પાણી, પરિવહનની ઉપલબ્ધતાના આંકડા રજૂ કરવામાં આવે. મહાકુંભ નાસભાગ માટે જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવે અને હકીકત છુપાવનારાને પણ સજા મળે. અમે ડબલ એન્જિન સરકારને પૂછીએ છીએ કે, જો તમારો કોઈ વાંક નથી તો આંકડા કેમ દબાવવામાં અને સંતાડવામાં આવ્યા?