
દેશમાં લાંચિયા અધિકારીઓ પકડાવા સામાન્ય વાત બની ગઈ છે. સરકારી ઓફિસોમાં કામ કરાવવા માટે લાંચ જાણે કે ફેશન બની હોય તેવું જોવા મળી રહ્યાનું ઓડિશામાં એક આઈએએસ અધિકારીની ધરપકડ બાદ લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. જણાવી દઈએ કે, ઓડિશા વિજિલન્સ ડિરેક્ટોરેટે મોટી કાર્યવાહી કરતાં કાલાહાંડી જિલ્લામાં તૈનાત એક 2021 બેચના IAS અધિકારીને 10 લાખ રૂપિયાની લાંચ લેતા રંગેહાથ ઝડપી લીધા છે. આરોપી IAS અધિકારી ધીમન ચકમા હાલમાં ધરમગઢમાં નાયબ કલેક્ટર તરીકે કાર્યરત છે.
વેપારી પાસે 20 લાખ રૂપિયાની લાંચ માગી
વિજિલન્સ અધિકારીઓના જણાવ્યા અનુસાર, ચકમાએ જિલ્લાના એક ઉદ્યોગપતિ પાસેથી 20 લાખ રૂપિયાની લાંચ માંગી હતી. જેમાં પહેલા હપ્તા તરીકે 10 લાખ રૂપિયાની માગતા ધમકી આપી હતી કે, જો રકમ ચૂકવવામાં નહીં આવે તો વેપારી સામે કાર્યવાહી કરવામાં આવશે. આ સંદર્ભે પીડિત ઉદ્યોગપતિએ વિજિલન્સ ડિરેક્ટોરેટમાં ઔપચારિક ફરિયાદ નોંધાવી હતી.
https://twitter.com/OdishaVigilance/status/1931777926703497450
પકડવા માટે છટકું ગોઠવાયું
ફરિયાદની પુષ્ટિ થયા બાદ અધિકારીઓએ છટકું ગોઠવી રવિવારે સાંજે ધરમગઢ સ્થિત ચકમાના સરકારી નિવાસસ્થાન પર દરોડો પાડ્યો. વિજિલન્સ વિભાગે જણાવ્યું હતું કે ચકમાએ ફરિયાદીને ઘરે બોલાવી પોતે પોતાના હાથે નોટોના બંડલ લઈને ટેબલના ડ્રોઅરમાં રૂપિયા રાખ્યા હતા. એ પછી હેન્ડવોશ અને ટેબલના ડ્રોઅરમાંથી પોઝિટિવ કેમિકલ રિએક્શન મળ્યા બાદ પુષ્ટિ થઈ હતી કે તેણે લાંચની રકમને સ્પર્શીને જાતે જ છુપાવી હતી.
ઘરેથી 47 લાખ રૂપિયા મળી આવ્યા
આ પછી તેમના નિવાસસ્થાને સઘન તપાસ કરવામાં આવી હતી, જેમાં 47 લાખ રૂપિયા રોકડા મળી આવ્યા હતા. વિજિલન્સ વિભાગે કહ્યું છે કે સર્ચ ઓપરેશન સોમવાર સવાર સુધી ચાલુ રહ્યું હતું. અન્ય દસ્તાવેજો અને ડિજિટલ પુરાવાઓની પણ તપાસ કરવામાં આવી રહી છે.
IAS અધિકારીની ધરપકડથી ખળભળાટ મચ્યો
ચકમા ત્રિપુરાના કંચનપુરનો રહેવાસી છે. તેણે NIT અગરતલામાંથી કમ્પ્યુટર સાયન્સમાં સ્નાતક થયા બાદ UPSC પાસ કરી. અગાઉ તે મયુરભંજ જિલ્લામાં ઓડિશા કેડર ભારતીય વન સેવા (IFS) અધિકારી તરીકે સેવા આપી ચૂક્યો હતો. ચકમા વિરુદ્ધ ભ્રષ્ટાચાર નિવારણ કાયદા હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. તેમની ધરપકડથી ઓડિશાના અમલદારશાહીમાં ખળભળાટ મચી ગયો છે.