ભારત અને પાકિસ્તાન વચ્ચેની વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા (ICAI)એ એક મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો છે. મે 2025માં યોજાનારી ચાર્ટર્ડ એકાઉન્ટન્સી (CA) પરીક્ષા હવે નિર્ધારિત તારીખે યોજાશે નહીં. ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા તણાવ અને ઓપરેશન સિંદૂર પછી ઊભી થયેલી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ICAIએ CA પરીક્ષા મુલતવી રાખી છે.
દેશમાં તણાવપૂર્ણ અને સુરક્ષા સંબંધિત પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, મે 2025માં યોજાનારી CA ફાઇનલ, ઇન્ટરમીડિયેટ અને પોસ્ટ ક્વોલિફિકેશન કોર્સ (PQC) ઇન ઇન્ટરનેશનલ ટેક્સેશન (INTT AT)ની બાકી રહેલી કેટલીક પરીક્ષાઓ નવમીથી 14મી મે દરમિયાન યોજાવાની હતી, તેને મોકૂફ રાખવામાં આવી છે. જો કે, ICAI એ હજુ સુધી નવી તારીખોની જાહેરાત કરી નથી. વિદ્યાર્થીઓને સલાહ આપવામાં આવી છે કે તેઓ કોઈપણ અફવાઓ પર ધ્યાન ન આપે અને ફક્ત સત્તાવાર વેબસાઇટ icai.org પરથી જ અપડેટ્સ મેળવે.

